ઈતિહાસ જાણવા જેવું

છૂંદણાં

history of traditional tattoo chhundana

Kathiyawadi Woman with Tattooમૃત્યુ સુધીના સંગાથી આભૂષણો એટલે છૂંદણાં

કુદરતે આપેલા રૂડા રૂપને વધુ નિખારવા તથા યૌવનને વધુ આકર્ષક બનાવવા માણસો આદિકાળથી મથતો રહ્યો છે. સૌંદર્યપ્રસાધન વડે શરીરનું લાવણ્ય ખીલવવાની અને આગવી ઓળખ ઊભી કરવાની ચાહના નારીઓના હૈયે અહર્નિશ રમતી આવી છે. જૂનાકાળે ગામડાગામની નારીઓ સૂંડલો એક ઘરેણાં અને રંગબેરંગી વસ્ત્રો પહેરીને મીઠી સુગંધ થી મઘમઘતો સોંધા નામનો લેપ અંગ પર લગાવતી, પણ જ્યાં સુધી હાથે, પગે અને મોં ઉપર છૂંદણાં પડાવતી નહીં, ત્રાજવડાં ત્રોફાવતી નહીં ત્યાં સુધી શરીરના સોળેય શણગારો તેઓને અધૂરા લાગતા. શરીરના સૌંદર્યને આકર્ષક બનાવતાં છૂંદણાં કે ત્રાજવા એ માત્ર આભૂષણ તો નથી જ. આપણું લોકજીવન કંઈક ને કંઈક ઉપયોગિતાને લઈને જ વિકસ્યું હશે.

છૂંદણું એટલે શું

છૂંદણું એટલે શરીર ઉપર છૂંદીને પાડેલ અલંકાર રૂપ ભાત આકૃતિ કે ટપકું, તાંદળજાની ભાજીનો રસ અથવા સ્ત્રીના થાનેલાનું દૂધ તથા દીવાની કાળી મેશ અને કાજળ ને ભેગાં કરી તેનું ચામડી ઉપર ટપકું કરવામાં આવે છે તે ટપકાને સોયની અણીએ ટોચ્યા કરવાનું અને પછી લોહી નીકળે ત્યારે તેના પર હળદર અને મેશ દાબવાથી જે ડાઘ પડે તે છૂંદણું. હિંદી ભાષામાં તેને ‘ગોંદને’ ના નામે ઓળખવામાં આવે છે, છૂંદણાં આદિવાસી સંસ્કૃતિના ઉદ્‌ગમ સાથે ગાઢ રીતે સંકળાયેલાં હોવાનું વિદ્વાનો દ્વારા મનાય છે. વિશ્વના ઘણાખરા દેશોમાં છૂંદણાંની પરંપરા આજે પણ જોવા મળે છે.

છુંદણા નો ઇતિહાસ અને  છૂંદણાં પરંપરાની શરૂઆત

aadivasi woman with tattooભાતીગળ લોકજીવનમાં છૂંદણાંનું સ્થાન પુરાણ કાળથી જ મહત્ત્વનું રહ્યું છે. લોકજીવનમાં છૂંદણાંની શરૂઆત અને એની પ્રાચીનતા વિશે વાત કરીયે તો એટલું ચોક્કસ કહી શકાય કે છૂંદણાંનો આગવો ઈતિહાસ આદિજાતિઓ અને આદિવાસી સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે. શરીરના જુદાં જુદાં અંગો પર વનસ્પતિના રસોથી ખાસ પ્રકારની ટકાઉ આકૃતિઓ કાઢવાની પ્રથા ભારતમાં હજારો વર્ષ જૂની હોવાનું જણાય છે. ત્રાજવાં ત્રોફાવવાની આ અનેરી કળા ચાર હજાર વર્ષ જેટલી પુરાણી હોવાનું મનાય છે ઈ.સ. પૂર્વે બે હજાર વર્ષ પહેલાંના ઇજિપ્તના ‘મમી’ ના દેહ પર છૂંદણા મળી આવ્યા છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં જાપાનમાં પણ છૂંદણાંની આ કલા ફેલાઈ અને ત્યાંથી જ એશિયાના દેશોમાં આવી હોવાનું મનાય છે.  પ્રાચીન સમયમાં આદિજાતિઓ પોતાના વંશને ઓળખવા માટે સ્ત્રી અને પુરુષ બંનેનાં અંગો ઉપર અમુક ચોક્કસ પ્રકારની નિશાનીઓ અંકિત કરતા. કાળક્રમે આ પ્રથામાં આવેલા પરિવર્તન પછી માત્ર માતૃવર્ગના અંગો રંગવાનું ચાલુ રહ્યું. પોત પોતાના કુળોને ઓળખવા માટે કુળ વાર આકૃતિઓ અને ચિહ્‌નો નક્કી થયાં. સામાજિક વ્યવહારમાં કે લગ્ન જેવા પ્રસંગોમાં પોતપોતાના ટોળાના ગોત્રને ઓળખવા માટે આ નિશાનીઓ જરૂરી જણાવા લાગી એમ છૂંદણાના અભ્યાસી ફ્રેજર નોંધે છે. જો કે કેટલાક સમાજશાસ્ત્રીઓ એમનાથી જુદો મત દર્શાવીને છૂંદણાંને શરીરના અલંકારના એક અંગ તરીકે ઓળખાવે છે.

સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં રિવાજ, જાતિ, અને ધંધા પ્રમાણે છૂંદણાંના વિધવિધ પ્રકારો અને આકાર જોવા મળે છે. છૂંદણાં પડાવેલ અંગઉપાંગો પરથી સ્ત્રી કે પુરુષ કઈ જાતિના છે તે જાણી શકાય છે. કણબી, રબારી, કોળી, ભરવાડ, મેર, રજપૂત, આયર, આદિવાસી કે પછાત વર્ગની જાતિની ઓળખ તેમના અંગ પર પડાવેલાં છૂંદણા જ આપી દે છે. ભરવાડો પોતાની ઓળખ માટે આંખ ઉપર જમણા લમણે છૂંદણું પડાવે છે. સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં મુસ્લીમ સ્ત્રીઓમાં પણ છૂંદણાંની પરંપરા એક સમયે જોવા મળતી હતી. આરોગ્યની દ્રષ્ટિએ પણ છૂંદણાં ના ઘણા ઉપયોગ મનાય છે, શરીરની અમુક જ નસોને ઓળખીને એના પર છૂંદણાં પાડવામાં આવે છે જે રસોળીને મટાડવા માટે એના પર છૂંદણાં કરાવાય છે. વિખૂટી પડી ગયેલી વ્યક્તિની ભાળ કે ઓળખ પણ છૂંદણાંની નિશાની પરથી જ મળે છે.


છૂંદણાંની શાહી કેવી રીતે બનાવવામાં આવે છે? અને ક્યાંથી મેળવવી?

પગ, હાથ, મોં અને ડોક પર છૂંદણાં પાડવાનો કસબ દેવીપૂજક સ્ત્રીઓએ જૂનાકાળે વ્યવસાય તરીકે અપનાવેલો હતો, ગામડાની દીકરીઓ જયારે ઉંમરલાયક થાય ત્યારે આ સ્ત્રીઓ ઘેર આવીને એને ત્રાજવડાં ત્રોફી આપતી. એક માટીની કુલડીમાં બીયાના લાકડાના કટકા પલાળી તેમાં તાવડી કે દિવાની કાળી મેશ અને બુટપાલીશના કણીદાર રંગનું મિશ્રણ કરી ને જુવારના મલોખામાં સોય તખવામાં આવે છે એને એ મિશ્રણમાં બોળીને છુંદણાં પાડે છે. જેના હાથ કે પગે છૂંદણાં પાડવામાં આવે એ વ્યક્તિ ને કીડી ચટકો ભરે એવું દર્દ થાય છે. ત્રાજવડા ત્રોફાવવાનો આનંદ એવો તો અનેરો હોય છે એથી કુંવારી કન્યાઓ આ મીઠું મીઠું દર્દ હોંશે હોંશે સહન કરે છે. છૂંદણાં પડાવવાના રોમાંચ અને આ અલૌકિક આનંદથી એના અંતરના બત્રીસે કોઠે આનંદના અનેક દિવડા પ્રગટે છે. આ અનુભવ અને રોમાંચને કન્યા જીવનભર સંભારણારૂપે પોતાના હૃદયના ખૂણે સાચવી રાખે છે.

છૂંદણાં કોણ અને કેવા કેવા છૂૂંદાવે?

rabari woman with tattoo છૂંદણાં પડાવવાની પરંપરા સ્ત્રીઓ તથા પુરુષો બંનેમાં જોવા મળે છે. પરંતુ બંનેના છૂંદણામાં પ્રતીકો અલગ અલગ જોવા મળે છે. પુરુષો મુખત્વે હાથ ઉપર માખી, લાડવા, સાંકળી, પોંચી અને જોતરના પ્રતીકો પડાવે છે, જ્યારે ધર્મમાં શ્રદ્ધા ધરાવનારા આસ્તિક પુરુષો હાથે રામ નું નામ, રાધાકૃષ્ણ, સીતારામ કે ઓમ, હડી કાઢતા હનુમાન જતિ, વાંસળી વગાડતો કાનુડો, શંકર- પારવતી, ધનુષધારી શ્રીરામ, અંબાજી, લક્ષમીજી તથા કપાળમાં રામનું કે સીતાનું બાશિંગ, વૃંદાવન, રથ, રામ મોરો, તુલસી, ત્રિશૂલ વગેરે ધર્મપ્રતીકો પડાવે છે. પછાત વરણના પુરુષો જમણા ગાલની ટસર પર માખી જેવા છૂંદણાના આકારો પડાવે છે. ભગત-ભૂવાઓ પોતાની છાતી પર નરમૂંડ ની આકૃતિ ત્રોફાવે છે.

રૂપની રૂડી રબારણો હાથે, મોં પર, ગળાના ભાગે અને પગની પાનીથી ઢીંચણ સુધી કતારબદ્ધ છૂંદણાં પડાવે છે. ભરવાડણોના છૂંદણામાં ગોપસંસ્કૃતિના વિશિષ્ટ પ્રતિકો જેવાકે ડેર, ગાય, જોતર, લાડવો, દાણા ઉપરાંત કાવડ, વાવ, દેરડી, એલચડી, ફળ, ખજૂરી, માખી, વીંછી, મોર ઉપરાંત ઝાડ, વેલ, ફૂલ, વાઘ, સિંહ, ગાય, ત્રિશૂળ, ઓમકાર, હરબી, કમળફૂલ, નાવડી, રેલગાડી, ખેરિયા, આંબાપાન, પીપળાના પાન, રામનું પારણું ઈત્યાદિ પ્રતીકો પડાવે છે.

આજકાલ તો શહેરી યુવતીઓ અને યુવાનોમાં રંગબેરંગી ટેમ્પરરી ટેટુ પડાવવાના સ્ટીકરો પણ ખુબ જ પ્રચલિત છે, નવરાત્રી જેવા તહેવારો અને લગ્ન પ્રંસગે યુવતીઓ ટેમ્પરરી ટેટ્ટુ પડાવી ને પોતાના સૌંદર્ય ને નીખારતી જોવા મળે છે. યુવતીઓ માટે પતંગિયા અને ફૂલો ના આકારના ટેટૂ અને યુવાનો માં કાંડા પર પટ્ટા આકારના ટેટૂ ખુબ જ પ્રચલિત છે

આજે તો માધવપુર કે તરણેતરના મેળાઓ કુંવારી કન્યાઓ માટે છૂંદણાં પડાવવાનું અનોખું સ્થળ માનવામાં આવે છે. સોયની અણી ઘોંચીને છૂંદણાં પાડવાની પ્રથા હવે પૂરી થઈ ગઈ છે. હવે તો છૂંદણાં છૂંદવા માટેનું નાનકડું એવું મશીન આવે છે. મેળામાં છૂંદણાં પાડવાનું મશીન લઈને બેઠેલા કલાકારને જોતાં જ કુંવારી કન્યાઓના કાળજે છુંદણાં પડાવવાના અનેરા કોડ જાગે છે. હજારો માનવીઓની મેદની વચ્ચે તે આનંદથી છૂંદણાં છૂંદાવવા બેસી જાય છે. હાથે, પગે અને મોં માથે વિવિધ આકાર પ્રકારના છૂંદણાં પડાવી, મેળામાં માણેલી મોજના સંભારણારૂપે સહિયરોના નામ એકબીજી ના હાથ પર પડાવે છે. પ્રેમી હૈયાઓનું મિલનસ્થળના પણ આપણા મેળા સાક્ષી બની રહ્યા છે. મેળામાં છાનેછપને મળતા પ્રેમીઓ પ્રેમ અને મિલનની મધુરસ્મૃતિને છૂંદણાંરૂપે પણ અંકિત કરાવે છે. અલ્લડ પ્રેમિકા દુનિયાનો ડર રાખ્યા વિના હૈયા માથે ટહૂકંતો મોરલો અને હાથ પર પોતાના મનના માણીગરનું નામ પડાવે છે.

ડુંગરાની ગાળિયુમાં વસ્તી જાતિઓ જેવી કે આદિવાસી ભીલ, ગરાસિયા, દુબળા અને રાઠવામાં છૂંદણાં પડાવતી વખતે વિશિષ્ટ પ્રકારનો ઉત્સવ પણ ઊજવવામાં આવે છે. ત્રાજવડાં ત્રોફાવવા માટે તૈયાર થયેલી કન્યાના આંગણે રૂડા ઢોલ ઢબૂકે છે. ઢોલના ધિરજાંગ ધિરજાંગ અવાજ ઉત્સવનો સંદેશો ડુંગરાની ગાળિયુંમાં આવેલા ઘેર ઘેર પહોંચાડે છે. આ પ્રસંગે સૌ આદિવાસી સ્ત્રીઓ એકઠી થઈને ખુશીના ગીતો ગાય છે. સ્ત્રીપુરુષો ભેગા થઈને ઢોલ ના તાલે નાચે છે. સાહેલીઓ છૂંદણાં પડાવવા બેઠેલી કન્યાની પાસે બેસીને ગીતો ગાઈ, એને આનંદમાં રાખે છે જેથી કન્યા ત્રાજવડાં ત્રોફાવવાના મીઠા દર્દને પણ સહન કરી શકે. આ પ્રસંગે ગવાતા ગીતમાં માતા પોતાની દીકરીને શિખામણ આપે છે અને તેનો ભાવ કંઈક આવો છે ‘મારી વ્હાલી દીકરી ! તું બંગડીઓ ખરીદીશ તો થોડા વખતમાં તે તૂટીફૂટી જશે પણ છૂંદણાં તો તને જીવનભર સાથ આપશે. આ મૃત્યુલોક છોડીને પરલોકે સિધાવીશ ત્યાં પણ છૂંદણાં તને સાથ આપશે. દુનિયાના સ્વાર્થી લોકો તો તું જીવતી છું ત્યાં લગી તારી સાથે રહેશે પરંતુ છૂંદણાં તારી સાથે હમેશમાટે રહેશે માટે કાળજું કઠણ કરીને છૂંદણાંના દુઃખને થોડો વખત તું સહન કરી લે.’

છુંદણા વિશેની માન્યતાઓ, વિશ્વાસ અને શ્રદ્ધા

શરીરના રૂપલાવણ્યની સાથે સંકળાયેલાં આ છૂંદણાં વિશે લોકસમાજમાં અનેક પ્રકારની માન્યતાઓ, વિશ્વાસ અને શ્રદ્ધા પ્રવર્તતાં જોવા મળતી હોય છે

  • હાથ ઉપર હનુમાન જતિ, માતા કે દેવદેવીનું છૂંદણું હોય તો અંધારામાં આપણને બીક નથી લાગતી. સીમ શેઢે કે એકાંતે ભૂતપલીત આપણને કનડતાં નથી.
    મોં પર છૂંદણું પડાવવાથી કોઈની પણ બૂરી કે ભારે નજર લાગતી નથી.
  • હાથે પગે નાગ સાપ કે વીંછીનું છૂંદણું પડાવ્યું હોય એને આવા ઝેરી જનાવર કનડતાં નથી. કદાચ કરડી જાય તો એના ઝેરથી કોઈ મરતું નથી.
  • આદિવાસીઓ એવું પણ માને છે કે છૂંદણાં પડાવેલી સ્ત્રી એના પતિને કદી છેતરતી નથી કે એની સાથે વિશ્વાસઘાત કરતી નથી.છૂંદણાં પડાવેલી નારી કદી વંધ્યા એટલે વાંઝણી રહેતી નથી.
  • છૂંદણામાં સંમોહન શક્તિ રહેલી હોય છે, છૂંદણાવાળી કન્યા ને ઇચ્છિત ભરથાર મળે છે.
  • રબારી અને ભરવાડો માને છે કે સ્ત્રી પુરુષના હાથ ઉપર રવૈયાનું ફૂલ ત્રોફાવેલું હોય એના આંગણે અખંડ દૂઝાણું રહે છે અને એનાં છોકરાંઓ કાયમ ઘી- દૂધે વાળુ કરે છે.
  • સ્ત્રીએ ટચલી આંગળી પાસેની અનામિકા ઉપર જો ત્રણ ત્રાજવાની દેરડી પડાવેલી હોય તો તેને મા-મેળો કહેવામાં આવે છે, મા-મેળો એટલે આવી સ્ત્રીને એની મરતી માનો મેળાપ અવશ્ય થાય છે.
  • જે નારી કપાળમાં ચાંલ્લાની જગ્યાએ હિંગળોક આકારનું ત્રાજવું પડાવે છે એનો માન્યતા અનુસાર ચૂડી અને ચાંદલો અખંડ રહે છે.
  • આદિવાસીઓ એવું પણ માને છે કે છૂંદણાં પડાવેલી સ્ત્રી ચારિત્રયશીલ અને એના પતિને હંમેશા વફાદાર રહે છે.
  • જો કોઈ સ્ત્રી પગની ઘૂંટી પર છૂંદણું પડાવે તો એના ઘરમાં ‘કેડય સમાણું કામ’ ને ‘ગોઠણ સમાણું ધાન’ રહે છે.
  • સૌરાષ્ટ્રમાં લોકો એમ કહે કે જે માણસ શરીર પર છૂંદણાં નથી પડાવતો એને બીજા જન્મમાં સાંઢિયા એટલે કે ઉંટ નો અવતાર મળે છે, અને ગરમ ગરમ રેતીના રણમાં દોડવું પડે છે. રબારીઓ એવું માને છે કે શરીર માથે છૂંદણાં ન પડાવનાર સ્ત્રીઓ ને બીજા ભવમાં આખલાનો અવતાર મળે છે.

છૂંદણાંની સાથે રૂપસૌંદર્યની, ગોત્રની ઓળખની, ધર્મભાવનાની અને સંસ્કૃતિની કેટ કેટલીયે વાત સંકળાયેલી હોવા છતાં એની પાછળ આયુર્વેદના શાસ્ત્રની વાતો પણ પડેલી જણાય છે. માણસના શરીર પર રસોળીની ગાંઠ નીકળે અને જયારે તે વધવા માંડે ત્યારેએ ગાંઠ ઉપર છૂંદણું પડાવવાથી ગાંઠ વધતી અટકી જાય છે એવા કિસ્સા આ લેખકની જાણમાં છે. ‘છૂંદણાં છૂંદવા’ એ કહેવતના અર્થમાં પણ ક્યારેક પ્રયોજાય છે. એનો અર્થ થાય છે ‘વારંવાર વાંકા પાડીને કોઈને કનડવું. કોઈ ને ટોચ ટોચ કરવું, એક નો એક દોષ આગળ ધરીને મહેણાંટોણાં મારવા.’ આમ છૂંદણાંનો સંસ્કાર લોકજીવન અને લોકસંસ્કૃતિ સાથે ગાઢ રીતે વણાયેલો છે. છૂંદણાંની કલાપરંપરા હવે તો લોકજીવનમાંથી યે લુપ્ત થઈ ગઈ છે. શહેર ના યુવક અને યુવતીઓ ફેશનરૂપે છૂંદણાંના સ્ટીકરો ખભે, મોં, પેટ, પીઠ અને ગળા પર પાડતી થઈ ગઈ છે. જૂની કલા નવા સ્વરૂપે નગરોમાં દાખલ થઈ છે એટલે કે સંસ્કૃતિ પરિવર્તન પામે છે ક્યારેય લુપ્ત થતી નથી.

માહિતી સૌજન્ય: લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

છુંદણા ના પ્રખ્યાત કલાકાર રઘુભાઈ દલાભાઈ દેલવાણ સાથેની વાતચીત:
પોતાની સોળ – સત્તર વર્ષની ઉંમરથી છૂંદણાં છૂંદવાના પોતાના વ્યવસાયમાં જોડાયેલા શ્રી રઘુભાઈ દલાભાઈ દેલવાણ જે મૂળ મોરબીના વતની છે અને છૂંદણાંના પ્રખ્યાત કલાકાર તરીકે ખ્યાતિ પામ્યા છે. તેઓ વર્ષોથી સૌરાષ્ટ્રમાં તરણેતર, જૂનાગઢ, રણુંજા, માધવપુર, કાલાવાડ જેવા લોકમેળામાં અચૂક પહોંચી જાય છે. તો બાકીના દિવસોમાં કચ્છ અને વાગડ વિસ્તારમાં ગામડે – ગામડે ફરી ને પેટિયું રળી લે છે.

કેવું મશીન ઉપયોગમાં લેવાય છે?
જૂની પદ્ધતિથી છૂંદણાં છૂંદાવવા માટે પહેલાં આંગળી સાથે સોય બાંધી હાથથી છૂંદતા આજકાલ મશીનથી છૂંદવામાં આવે છે, જેમાં કોયલ – કટઆઉટ – સોય બેટરી જેવા સાધનો નો ઉપયોગ થાય છે. વાસણ પર નામ લખવા માટે જે મશીન વપરાય છે તેવું જ મશીન હોય છે. જોકે વિદેશમાં આવા વીજળિક મશીનની શોધ 1891માં થયાનું નોંધાયું છે જેને આજકાલ લોકો ટેટ્ટુ (tattoo) મશીન તરીકે ઓળખે છે. છૂંદણાં છૂંદતા હોય ત્યારે કીડી ચટકા ભરે એવો અનુભવ થાય છે.

આ પણ વાંચો

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators