ગોરખનાથ અથવા ગોરક્ષનાથ અગિયારમીથી બારમી સદીમાં થઇ ગયેલા હિંદુ નાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. મત્સ્યેન્દ્રનાથનાં બે મહત્વનાં પંથમાંના એક શૈવપંથ સાથે તેઓ સંકળાયેલા હતા, બીજો પંથ ’ચૌરંગી’ છે. આદિનાથ અને મત્સ્યેન્દ્રનાથ તેમનાં પૂર્વના ગુરુઓ મનાય છે. એક વિચાર આદિનાથ અને તેમની વચ્ચે પાંચ અને અન્ય છ ગુરુઓની પરંપરા માને છે. પણ હાલનાં પ્રચલિત વિચાર પ્રમાણે આદિનાથની ઓળખ ભગવાન શિવ તરીકે અને તેમને સીધા મત્સ્યેન્દ્રનાથનાં ગુરુ તથા મત્સ્યેન્દ્રનાથને ગોરખનાથનાં ગુરુ તરીકે મનાય છે.
નાથ સંપ્રદાયનો ગોરખનાથનાં સમયમાં ખૂબજ વિકાસ વિસ્તાર થયેલો. તેમણે ઘણું લખ્યું હતું. તેમણે લખેલું પ્રથમ પુસ્તક ’લય યોગ’ ગણાય છે. ભારતમાં ઘણી ગુફાઓ, ઘણાં મંદિરો તેમનાં નામે છે, જ્યાં કહેવાય છે કે ગોરખનાથ ધ્યાન સાધના કરતાં હતા. ભગવાન નિત્યાનંદનાં કહેવા પ્રમાણે, ગણેશપુરી (મહારાષ્ટ્ર)થી એક કિમી.દૂર આવેલાં વજ્રેશ્વરી મંદિર પાસેનું નાથ મંદિર ગોરખનાથનું સમાધિ સ્થળ છે.
રૉમોલા બુટાલિયા, યોગ ઇતિહાસના ભારતીય લેખકે, નીચે પ્રમાણે ગોરખનાથ દ્વારા લખાયેલાં કેટલાંક પુસ્તકોની યાદી આપી છે.
ગોરક્ષ સંહિતા, ગોરક્ષ ગીતા, સિદ્ધ સિદ્ધાંત પદ્ધત્તિ, યોગ માર્તંડ, યોગ સિદ્ધાંત પદ્ધત્તિ, યોગ-બિજ, યોગ ચિંતામણી.