October 5, 2026

હરિરસ મહાત્મ્ય

February 25, 2021  ·  1 મિનિટ વાંચન
હરિગીત છંદ

સંસાર દુસ્તર સિન્ધુમાં આ હરિરસ જલયાન છે,
અજ્ઞાન તમ પર આ હરિરસ સૂર્ય રશ્મિ સમાન છે.

કલ્મષ કનક કશ્યપ પરે આ હરિરસ છે નરહરિ.
ભવ રોગ હર ભેષજ સુખદ છે હરિરસ સર્વોપરી.

મન મોહ મદ માતંગ પર આ હરિરસ મૃગરાજ છે.
દલ દ્રોહ દવ પર આ હરિરસ સઘન સમ સુખરાજ છે.

સુવિચાર સકુની તણું સ્થળ આ હરિરસ ઉદ્યાન છે.
વૈકુંઠ સિધાવા હરિરસનું કથન વર વૈમાન છે.

કુવિચાર કાકોદર પરે આ હરિરસ હરિયાન છે.
ઈર્ષ્યા નિશાચરિ લંકની પર હરિરસ હનુમાન છે.

શાંતિ પ્રદાતા હરિરસ ભગવાન રૂપે ભવ્ય છે.
સદ્દજ્ઞાન દાતા હરિરસ સદ્દગુરુ રૂપે   દિવ્ય છે.

પ્રભુ ભેટવા આ હરિરસતણો પાઠ એ સતપંથ છે.
”ઈશર કે પરમેશરા” ચારણ રચિત આ ગ્રંથ છે.

શંકર પ્રભુનો દાસ”શંકર” કહે સત સ્તુતિ કરી,
હર રૂપ હરિ-હરિરૂપ હર-હર,શ્વાસ સમરો હર-હરિ.

કવિરાજ: શંકરદાન જેઠીભાઈ દેથા

વિડિઓ સૌજન્ય: Aditya Gadhavi

 

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સખી કેરું નામ

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી…