”અરે આયરાણી આ મરકીના રોગે તો ભારે કરી !!!!”
”હા, આયર ગામમાં કાળોકેર વરસાવી દીધો પણ બે-ચાર દિ’થી કંઈક નિરાંત લાગે છે !”
”અરે શું નિરાંત ? આ આપણા ખેતરમાં કામ કરતો ખીમો અને તેની ઘરવાળી પાંચેક વર્ષના દીકરા જોગડાને એકલો મૂકી અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યા !”
”શું વાત કરો છો ? કુદરતનો કોપ કહેવાય પણ વાલબાઈના બાપુ ઈ’ બાળકની જવાબદારી તો આપણી કહેવાય !”
”હા, પણ ઈ’ વણકર અને આપણે આયર એટલે જરાક વિચારીને કહેજો !”
”એમાં વિચારવાનું શું ? આવા ફુલ જેવા બાળકની જાત જોવાની ન હોય તમે રાજીખુશીથી લાવો હું મારા દીકરાની જેમ તેને મોટો કરીશ !”
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાબાના મીતીયાળી ગામમાં રહેતા ખાધેપીધે સુખી ગણાતા દેવા આહીરને દીકરી વાલબાઈ અને દીકરો રેશમીયો એમ બે જ સંતાન હતા. એમાં મરકીએ અનાથ બનાવેલ જોગડાને આશરો આપતા આયરાણીએ પોતાના સગા દીકરાની જેમ તેને રાખ્યો હતો. જોગડો મોટો થતા દેવા આહીરે તેને વણકર જ્ઞાતિમાં પરણાવી જમીન-જાગીર અને ઘરવખરી સાથે રાજીખુશીથી જુદો કર્યો હતો.
એ સાથે દેવા આહીરે દીકરા રેશમીયાને પરણાવી દીધો હતો, તો દીકરી વાલબાઈને ખાંભા તાબાના બીણીયા બગોયા ગામમાં પરણાવી સાસરે વળાવી હતી. સમય સમયનું કામ કરે છે. દેવો આહીર અને આયરાણીએ લાંબુ ગામતરું કરતા વાલબાઈને પિયરીયામાં ભાઈ-ભાભી તરફથી ખાસ આદર સત્કાર મળતો ન હતો.
ગુજરાતમાં વિક્રમ સંવત 1869માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. દુષ્કાળના આ વર્ષમાં રોગચાળો ફાટી નીકળતા લોકો કીડી-મકોડાની જેમ મરી રહ્યા હતા. આ રોગચાળાના ભરડામાં વાલબાઈનો ઘરવાળો મરણ પામતા બે નાના બાળકો સાથે તે નોધારી થઈ ગઈ હતી. આ કારમા દુકાળના દિવસો કાઢવા વાલબાઈને ભારે લાગતા તે બાળકો સાથે ભાઈના આશરાની આશાએ મીતીયાળાનો મારગ લીધો હતો.
બપોરના ધોમધખતા તાપમાં માથા ઉપર નાની એવી પોટકી સાથે એક બગલમાં અને બીજા છોકરાને આંગળીયે દોરતા ચીંથરેહાલ હાલતમાં વાલબાઈ ચાલતા ચાલતા મીતીયાળાના પાદરમાં આવી પહોંચ્યા હતા. ભાઈનું ઘર જોઈ હરખાયેલી વાલબાઈએ પોતાના દીકરાને મામાનું હવેલી જેવું ઘર બતાવ્યું હતું. એ વખતે મેડીના ઝરૂખાએ બેઠેલી રેશમીયાની ઘરવાળીએ અચાનક મીતીયાળાની શેરીમાં ચાલી આવતી બાળકો સાથે વાલબાઈને જોઈ હતી. નણંદને જોઈને હરખાવાની જગ્યાએ તેના પેટમાં ફાળ પડતા તેણે પળનોય વિલંબ કર્યા વગર ઓરડામાં સૂતેલા રેશમીયાને જગાડ્યા વગર ધીમેથી મેડીના પગથિયા ઉતરી હતી. વાલબાઈ ડેલીએ ટકોરા મારે એ પહેલા રેશમીયાની વહુ ડેલી ખોલી બારણા વચ્ચે ઉભી રહી ગઈ હતી.
પોતાના બાપના ઘેર આશા અને અરમાનો સાથે આવેલી વાલબાઈએ પોતાની ભાભીને ડેલીએ ઉભેલી જોઈ હરખાય આગળ વધી હતી, પરંતુ રેશમીયાની વહુએ તેને અટકાવી અપમાનીત કરી તિરસ્કારપૂર્વક જાકારો આપ્યો હતો. ભાઈને આંગણેથી જાકારો પામેલી વાલબાઈને કોઈ આધાર ન રહેતા હવે શું કરવું ? એની વિમાસણમાં ગામમાંથી ભારે હૈયે પાછી ફરી હતી. દુકાળના દિવસો કેવી રીતે કાઢવા તેની મુંઝવણ અનુભવતી વાલબાઈને જીવન દોહ્યલું લાગ્યું હતું. ગામના પાદરમાંથી ઢસડાતા પગે પાછી ફરેલી વાલબાઈને વાસમાં રહેતા જોગડા વણકરે અચાનક જોતા તે તેની પાછળ દોડ્યો હતો.
“કાં બુન બા ? ગામમાં પુગ્યા ઈ’ ભેગા પાછા ફર્યા ?”
”જોગડા, હવે કયાં મારો બાપ મેડીએ બેઠો છે ? તે મને દોડીને વહાલ કરે !”
”બુન, માવતર આખી જીંદગી થોડા બેસી રહે ? દેવાબાપા નથી પણ ભાઈ-ભોજાઈ તો બેઠા છે ને ?”
”હા ઈ’ તો બેઠા છે !”
આટલું કહેતા વાલબાઈ ચોધાર આંસુએ રોવા લાગી હતી. જોગડા હરિજનને વાત સમજતાં વાર લાગી ન હતી.
“હશે બુન, આ કળજુગ છે એમાં પાછો માણસાઈને ભરખી જનારો દુકાળ ! હાલ્ય બુન મારી હારે દેવાબાપાએ દીકરાની જેમ મને મોટો કરી પગભર કરતા હુંય તારો ભાઈ જ થાવ ને ? જો હા-ના કરે તો તને આપાદેવા અને બીજા કાળિયા ઠાકરના સમ છે ! “
જોગડાનો ભાવ જોઈ વાલબાઈનું હૈયું ભરાઈ ગયું હતું, તે યંત્રવત જોગડાની પાછળ ચાલવા લાગી હતી. જોગડાએ મીતીયાળાના કુંભારભગતને ત્યાં સીધુ-સામાન પહોંચાડી તેમને પેટભરી જમાડ્યા હતા. અને એ સાથે પોતાના ઘરમાંથી ગાડુભરી ઘઉં, બજારમાંથી બારમાસ ચાલે તેટલો ઘરવખરીના સામાન સાથે કપડા વગેરે ખરીદી ગાડામાં ભરી આપ્યો હતો. જોગડા હરિજન અને તેની ઘરવાળી પોતાની બહેનને સાસરે વળાવે તેમ પોતાની જીવનભરની કમાણી જેવા રાણી સીક્કાના સો રૂપિયા ભાણેજડાઓના હાથમાં મૂકી વાલબાઈને વિદાય આપતા દેવાબાપાનું ઋણ અદા કર્યાનો ભારે હૈયે સંતોષ લઈ રહ્યા હતા.
કેટલાક વર્ષો પછી જોગડા વણકરનું અવસાન થતા વાલબાઈ પોતાની સાસરીમાં મોકાણે આવતા તેણે હૈયાફાટ રૂદન સાથે મરશિયા ગાયા હતા.
વણકર અને વણાર, નાતે પણ નેડો નહીં;
ગણને રોવું ગજમાર, તારી જાત ન પુછું જોગડા.
લેખક : જયંતિભાઈ આહીર