અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખારીજ) પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજા નું નવું વર્ષ પણ છે.
સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ઘટના, કોઈના આગમન, કે ઈશ્વર તત્વના જન્મની કે પછી પાકની વાવણી તથા લણની અલગ અલગ ઘટના ને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે. એજ રીતે કચ્છના નવા વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનું આ નવું વર્ષ છે. તેમની વાતો અને ઈતિહાસ ઘણો રસપ્રદ છે.
જાડેજા વંશની ઉત્પત્તિ વિષે વાત કરીએ તો યાદવ કુળમાં આઠમી પેઢીએ શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. તેમના પુત્ર અનિરુધ અને બાણાસુરની પુત્રી ઓખાના લગ્ન થયેલા. તેમના દ્વારા જન્મેલ પુત્ર એટલે કે શ્રી કૃષ્ણનો પોત્ર નામે વ્રજનાભના વંશ માંથી જાડેજાઓ ની ઉત્પતિ થાય છે. આ વાતના પુરાવા શ્રીમદભગવત, હરિવંશ અને મહાભારતમાંથી મળે છે.
જાડેજા વંશના પૂર્વજો સિંધ દેશમાં રહેતા પરંતુ ત્યાં મુસ્લિમ સભ્યતાનો ઉદય અને સમા અને સુમરા રાજપૂતોના કનડગત ને લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી. ત્યારે જામ ઉન્નડની છઠ્ઠી પેઢીએ થયેલા ‘જામ જાડો’ ગાદી પર આવ્યા. પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરેજીના પુત્ર લાખાજીને દતક લીધો. ઘણા વર્ષો પછી જામ જાડાને ઘેર કુવાર ઘાનો જન્મ થયો. મોટા થયા પછી જામ લાખાજી અને કુવાર ઘા વચ્ચે તકરાર થતા. જામ લાખાજી પોતાના જોડિયા ભાઈ લાખીયાર સાથે રણની પેલે પાર પોતાનું નસીબ અજમાવવા કચ્છ પ્રદેશ તરફ વળ્યા.
ઈ.સ. ૧૧૪૯માં પોતાના ભાઈ લાખીયારના નામ પરથી કચ્છમાં એક ગામનું તોરણ બાંધે છે. (હાલના નાખાત્રના નજીક) અહિયાથી કચ્છમાં જાડેજા રાજનો ઉદય થાય છે. જાડેજા અટક પાછળનું મૂળ કારણ પણ જામ જાડા હતા. જામ જાડાએ દતક લીધેલ પુત્ર એટલે જામ લાખો તેથી તે ‘જાડાનો’ પુત્ર કહેવાય. તેથી તે જાડેજા કહેવાયા. તથા સિંધી ભાષામાં પણ ‘જાડાનો’ એટલે જાડેજો(જાડેજા) કહેવાય છે. આ વાતનો એક દુહો પણ પ્રખ્યાત છે.
લાખોને લખધીર બને જન્મ્યા જાડા,
વેરે ઘર લાખો વડો જે ધું જાડેજા.
(લાખો ને લખધીર બેઉ બેલડા/જાડા જનમ્યા, વેરેજીનો લાખો મોટો દિકરો જાડેજા થયો.)
ઈ.સ. ૧૬૦૫માં ‘જામ લાખો ફુલાણી’ જયારે બહારવટું કરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે વરસાદની હેલી ચોમેર પથરાયેલી આ બધાથી ખુસ થયેલ જામ લાખાજીએ અષાઢી બીજને નુતન વર્ષ તરીકે ઉજવાની ઘોષણા કરી. ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમ ધામથી નવું વર્ષ ઉજવાય છે.
લોકો નવા કપડાં શીવડાવે. સીમેન્ટના મકાનો તો થોડા હતા. ખાસ કરી ગાર માટીના મકાનોની ઉપર દેશી નળિયાં હોય તેને સંચરાવે. ગોબર- માટીના લીંપણ કરી ઉજળા બનાવે. ઘરના બારણા પર કે પછી ડેલીની બન્ને બાજુ કમાગર પાસે એક તરફ અંબાડીધારી હાથી તો સામે સિંહનું ચિત્ર અને આસોપાલવના પાન અને ફૂલોની વેલનું ચિત્રાંકન કરાવે. ઘરમાં મીઠાઇઓ બનાવે. ઘર અને ડેલી પાસે કોડિયાં મૂકવા ગોખલા હતા તેમાં માટીના કોડિયાં જગમગાવે. આ શણગાર સાથે આતશબાજી પણ ખરી.
રાજદરબારમાં ભારે દબદબાભેર ઉજવણી થતી. રાજદરબારમાં શાસક કે રાજવીને તેમના વહીવટકારો, અગ્રણીઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ ભેટ સોગાદ તેમના ચરણમાં મૂકી વંદન કરે. રાજ્યની કચેરીઓ, શાળાઓમાં સાકરના પડા વહેંચાય. કેટલાક અમલદારો રાજવીના ચરણમાં ચલણી નાણા અને શ્રીફળ મૂકીને શુભેચ્છા વ્યક્ત કરે. લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી દેવદર્શને જાય. વડીલોના ચરણે સાકર શ્રીફળ મૂકી પાયવંદના કરે. મંદિરોમાં મળસ્કે મંગળા આરતી ગાજી ઊઠે નોબત અને ઘંટારવનો નાદ તો દૂર સુધી સંભળાય.
દરિયાકાઠે વસનારા નાવિકો પોતાના વહાણોને શણગારે. અષાઢી બીજે દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે. પ્રત્યેક સતી શૂરાના પાળિયાને સીંદુર લગાવી ઘૂપ-દીપ નૈવેદ્યથી પૂજન અર્ચન કરે. આજે પણ કેટલાક લોકો આવું પૂજન અર્ચન કરે છે. આ શુભદિને ભુજની ટંકશાળમાંથી સોના કે ચાંદીના પાંચિયા કે કોરીના સિક્કા બહાર પાડવામાં આવતા. ‘કચ્છી અષાઢી પંચાંગ’ પણ બહાર પાડવામાં આવતું. ભુજમાં દરબારગઢમાં આતશબાજી થતી. કચ્છમાં વ્યાપારીઓ ચોપડા પૂજન કરતા.
હાલના આધુનિક યુગમાં પણ દેશ અન વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર આવા જ ઉત્સાહ થી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે. નવા વર્ષનો આનંદ તો છેજ સાથે આ વર્ષે કચ્છીઓ માટે બીજા સમાચારના પણ આનંદ હશે કે કચ્છમાં નર્મદા નીર પહોચી ગયા. કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખુબ ખુબ વધામણી.
અષાઢી બીજ, કચ્છી નવા વર્ષ ના દિવસે કચ્છના મહારાજા મહારવબાવાશ્રી ખેંગારજી જાડેજા (પહેલા) ના નામ પરથી ખેંગાર સંવંત શરુ કરવામાં આવ્યું હતું. વિક્રમ સંવંત ની જેમ જ કચ્છનું સ્થાનિક સંવંત પણ છે (આજે અષાઢીબીજ : ખેંગાર સંવંત ૧૫૫ નો પ્રારંભ ૦૧/૦૭/૨૦૨૨)
કોટે મોર ટહુકયા, વાદળ ચીમકી વીજ,
રુદાને રાણો સાંભળ્યો, આવી અષાઢી બીજ