જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં,
ત્યાં લગી ભગતિ ન થાય રે,
શરીર પડે વાકો ધડ લડે,
સોઈ મરજીવા કહેવાય રે … જ્યાં લગી
પોતાનું શરીર માને નહીં મનનું,
શરીરના ધણી મટી જાય રે,
સદગુરુ ચરણમાં શીશ નમાવે
ત્યારે પૂરણ નિજારી કહેવાય રે … જ્યાં લગી
નવધા ભક્તિમાં નીર્મળ રહેવું ને
મેલી દેવી મનની તાણાતાણ રે,
પક્ષાપક્ષી નહીં હરિ કેરા દેશમાં
એનું નામ જ પદની ઓળખાણ રે … જ્યાં લગી
અટપટો ખેલ આ ઝટપટ સમજાય ના
એ તો જાણવા જેવી છે વાત રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
ત્યારે મટી જાયે સાચે જાત રે … જ્યાં લગી
– ગંગા સતી