નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર.
(૧૫-૧૦-૧૯૧૪, ૨૯-૨-૨૦૦૧)
જન્મસ્થળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર).
પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં.
માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્ર્યલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી સણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક. નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિદાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધની ઊંડી અસર, પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ‘ઝેર તો પીધાં’ ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ ‘દર્શક’ની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અધ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા ‘બંદીઘર’ (૧૯૩૫)માં ૧૯૩૦-૩૧ ના રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવનો સ્પર્શ છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકી છે.
૧૮૫૭ના મુક્તિસંગ્રામની પશ્વાદભૂમાં સર્જાયેલી નવલકથા ‘બંધન અને મુક્તિ’ (૧૯૩૯)માં ગાંધીયુગીન વાતાવરણ અને વિચારપ્રણાલીનો સ્પષ્ટ પ્રતિભાવ જોવાય છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજયની અને એ વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે.
પરાધીન ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપતી નવલકથા ‘દીપનિર્માણ’ (૧૯૪૪) બે હજાર વર્ષ પહેલાંનાં ભારતનાં ગણરાજ્યો-ખાસ કરીને બ્રાહ્મણક, માલવ અને કઠના ઐતિહાસિક સંદર્ભોની સાથે એક મહાનિર્વાણની કથા ગૂંથી આપે છે. આનંદ, સુચરિતા અને સુદત્તના પ્રણયત્રિકોણની કથા સાથે વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા અહીં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની સર્જકશક્તિ સાથે ઇતિહાસમાંથી પોતાના યુગને ઉપકારક એવું ઉદ્રિષ્ટ અર્થઘટન તારવવાની સર્જકની સૂઝને કારણે આ કૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ છે.
એમની બહુખ્યાત નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’- ભા. ૧, ૨, ૩ (૧૯૫૨, ૧૯૫૮, ૧૯૮૫) ઐતિહાસિક નથી, છતાં એનાં બહુવિધ પ્રતિભાશાળી પાત્રોના આંતરવિશ્વનું ઉદઘાટન, તેમનો ભાવનાત્મક વિકાસ ઐતિહાસિક ઘટનાઓના સંદર્ભે થાય છે. લેખક અહીં દૈવને-પ્રારબ્ધને મૂક્તભાવે સ્વીકારે છે, આવકારે છે, પણ મહિમા તો પુરુષાર્થનો જ કરે છે. કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પુનિત-ભાવભર્યું વાતાવરણ, સંન્યસ્ત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય, વૈધવ્ય, આશ્રમજીવન-એ બધાં ને ભારતીયતાથી રસીને, કંઈક આધ્યાત્મિકતાનો સ્પર્શ આપીને, ભાતીગળ રીતે કથાના પહેલા ભાગમાં રજૂ કરાયાં છે; તો પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા ધરાવતા બીજા ભાગમાં યહૂદીઓ તરફના જર્મનોના વિદ્વેષપૂર્ણ અને વૈમનસ્યભર્યા વાતાવરણમાં સત્યકામને રેથન્યુ અને ક્રિશ્વાઈન દ્વારા સહિષ્ણુતા, ક્ષમાશીલતા અને ઔદાર્યની અવધિના થતા દર્શનનું નિરૂપણ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં માનવજીવનના અંતસ્તલને સ્પર્શતી સર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ પણ અહીં છે. લેખકે અહીં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાને ભારતવર્ષના જ નહિ, યુરોપના યુદ્ધાક્રાન્ત પ્રજાજીવનના ફલક પર આલેખી બતાવ્યાં છે. સ્થળ-કાળના સુવિશાળ પર વિહરતાં વિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોના અત્યંત હૃદયસ્પર્શી અને ઋજુ આલેખન સાથે લેખકે ત્રીજા ભાગમાં ‘મધુરેણ સમાપયેત્’ ની પરંપરા સ્વીકારી છે. શીંગોડાનાં કોતરોમાં આરંભાતી કથાનો અંત પણ ત્યાં જ આવે છે. ગોવર્ધનરામની સ્પષ્ટ અસર ઝીલતી આ કૃતિમાં જીવનનું બહુપરિમાણી ચિત્ર ઊપસ્યું છે. અલબત્ત, અહીં ચિંતન ગોવર્ધનરામની હદે જતુ નથી. ક્યારેક તો ટૂંકા, માર્મિક અને સચોટ ઉદગારો દ્વારા વ્યકત થતું લેખકનું જીવનદર્શન વીજળીના એક ઝબકારાની જેમ બધું પ્રકાશિત કરી દે છે. સંવાદો, પાત્રો કે ડાયરીના માધ્યમે વ્યકત થતું ચિંતન પાત્રના હૃદયસંવેદનનો સ્પર્શ પામીને ભાવવાહી ગદ્યના સુંદર નમૂનારૂપે નીવડી આવે છે.
‘સોક્રેટીસ’ (૧૯૭૪) મહત્વકાંક્ષી ઐતિહાસિક નવલકથા હોવાની સાથે ઘટનાપ્રધાન, ભાવનાવાદી અને ચિંતનપ્રેરક નવલકથા છે. ભારતમાંની વર્તમાન લોકશાહીની થતી વિડંબનાએ આ લેખકને, સોક્રેટીસને આપણી વચ્ચે હરતોફરતો કરવા પ્રેર્યા છે. ગ્રીક પ્રજાની બહિર્મુખી જીવનદ્રષ્ટિ, પાર્થિવ સૌંદર્ય ઉપાસના અને તે સાથે આંતરસત્યની ખોજ માટે મથામણ અનુભવતા સોક્રેટીસના નિરૂપણમાં સર્જકની વિદ્વતા અને ઉત્તરોઉત્તર પક્વ બનેલી સર્ગશક્તિનો વિશિષ્ટ પરિચય મળે છે. કૃતિની રસાત્મકતાને અખંડ રાખીને તેની ચિંતનસમૃદ્ધિ ઝીલતી મનોહારી શૈલી નવલકથાને અનુરૂપ અને સાદ્યંત ગરિમા જાળવી રાખનારી છે.
‘દર્શક માને છે કે ‘હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય’ સર્જાવું જોઈએ; એટલે જ એમની નવલકથાઓમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો જે અદ્રષ્ટિ બલિષ્ઠ રણકો ઉઠે છે એ જ તેની મૂલ્યવાન ઉપલબ્ધિ બની રહે છે.
એમનું ગદ્ય રસાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું છે. પાત્રોનાં સ્વરૂપ, શીલ, સૌંદર્યનાં વર્ણનો તેઓ અચૂક આપે છે. પ્રસંગ, સ્થળ અને પ્રકૃતિનાં રમણીય અને કલ્પનાસમૃદ્ધ વિવિધ વર્ણનો પ્રતીતિકર અને મનોહર હોય છે. પ્રકૃતિદ્રશ્ય કે પ્રણયનાં કોમળ-મધુર સંવેદનોના નિરૂપણમાં એમનું ગદ્ય પ્રસન્નસૌંદર્યનો અનુભવ કરાવે છે. એમનું ભાષાસામર્થ્ય અને રસાન્વિત શૈલી એમની નવલકથાઓને સફળ બનાવતાં મહત્વનાં પરિબળો છે.
‘જલિયાંવાલા’ (૧૯૩૪) એમની પ્રથમ નાટ્યકૃતિ છે. ૧૯૧૯ના એપ્રિલની ૧૩મી તારીખે પંજાબના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયર અને તેના સૈનિકોએ કરેલી ક્રૂર કત્લેઆમની ઐતિહાસિક ઘટનાના સંદર્ભે લખાયેલું આ નાટક દેશની આઝાદી માટે પ્રતિકાર અને સ્વાર્પણની ભાવના જાગ્રત કરે છે. એકવીસ દ્રશ્યોમાં વહેંચાયેલા નાટક ‘અઢારસો સત્તાવન’ (૧૯૩૫)માં અહિંસક માનવીય અભિગમ અને ગાંધીયુગના ભાવનાવાદનું ગૌરવ થયું છે. ત્રણ અંક અને નવ પ્રવેશવાળા નાટક ‘પરિત્રાણ’ (૧૯૬૭)માં સ્વધર્મના દેવતાનો મહિમા થયો છે. ‘સોદો’ અને ‘હેલન’ જેવાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીવાદીઓના આંતકનો ભોગ બનેલી અને તેનો પ્રતિકાર કરનારી યહૂદી પ્રજાની વેદનાને આલેખતાં બે નાટકો સહિતનો નાટ્યસંગ્રહ ‘અંતિમ અધ્યાય’ (૧૯૮૩) હિટલર જેવા અમાનુષી સરમુખત્યારનો કરુણ અને નાટકીય અંજામ રજૂ કરે છે. આ નાટકોમાં જીવનની જટિલ સમસ્યાઓને માનવીય દ્રષ્ટિકોણથી ઉકેલવાની વાત છે. નવલકથાઓની જેમ એમનાં નાટકોનું વિષયવસ્તુ પણ ઇતિહાસનાં પૃષ્ઠો પર આધારિત છે. નાટકોનું મુખ્ય આકર્ષણ હૃદયદ્રાવક એવું સાર્વત્રિક કથાવસ્તુ અને ચોટદાર સંવાદો છે. તખ્તા પર બનતી ઘટનાઓ મોટે ભાગ આંતરિક કે સૂક્ષ્મ છે. ઘણીબધી બાબતો સૂચિત છે. આ નાટકોમાં બાહ્ય ઘટના કે ગતિશીલ ક્રિયાઓનો અભાવ હોવા છતાં ચોટદાર સંવાદો દ્વારા માનવીય મૂલ્યોના ઉપસ્થિત થતા પ્રશ્નો વિચારપ્રેરક છે અંતરને સ્પર્શી જાય છે.
‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ (૧૯૬૩) અને ‘મંદારમાલા’ (૧૯૮૫) એમની સાહિત્યિક વિચારસરણીને વ્યકત કરતા આસ્વાદલક્ષી વિવેચનગ્રંથો છે. ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’ માં એમણે લોકભારતી વિદ્યાપીઠમાં આપેલા પાંચ વ્યાખ્યાનો સમાવિષ્ટ છે.
‘ગ્રીસ’ : ભા.૧, ૨ (૧૯૪૬) ‘રોમ’ (૧૯૪૬)ની ઇતિહાસ કથાઓ પૈકીની કેટલીક ઘટનાઓને ટૂંકીવાર્તાના સ્વરૂપમાં એમણે રસપ્રદ રીતે રજૂ કરી છે. ‘મંગળકથાઓ’ (૧૯૫૬) અને ‘માનવ કુળકથાઓ’ (૧૯૫૬) ઇતિહાસ-પુરાણ પર આધારિત અને પ્રેરક, સરળ, ઋજુ શૈલીમાં લખાયેલી પ્રસંગકથાઓના સંચયો છે.
‘આપણો વારસો અને વૈભવ’ (૧૯૫૩)માં, લેખક કહે છે તેમ અહીં જે ઇતિહાસ સામાન્ય રીતે ભણાવાય છે તેવો ઇતિહાસ નથી, બલકે રાજાઓ અને રાજ્કીય પરિસ્થિતિઓની સાથે આર્યાવર્તનો સાંસ્કૃતિક ઇતિહાસ આલેખાયો છે. ‘ઇતિહાસ અને કેળવણી’ (૧૯૭૩) પણ એમનું ઇતિહાસ વિશેનું પુસ્તક છે. ‘બે વિચારધારા’ (૧૯૪૫), ‘લોકશાહી’ (૧૯૭૩) અને ‘સોક્રેટીસ-લોકશાહીના સંદર્ભમાં’ (૧૯૮૨) એ એમની વિચારપ્રધાન રાજનીતિમીમાંસાની પુસ્તિકાઓ છે. ‘નઈ તાલીમ અને નવવિધાન’ (૧૯૫૭) તથા ‘સર્વોદય અને્ શિક્ષણ’ (૧૯૬૩) એમનાં શિક્ષણવિષયક પુસ્તકો છે.
‘સોક્રેટીસ’ (૧૯૫૩), ‘ત્રિવેણીતીર્થ’ (૧૯૫૫), ‘ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ’ (૧૯૫૬), ‘નાનાભાઈ’ (મૂ.મો.ભટ્ટ સાથે, ૧૯૬૧), ‘ટોલ્સ્ટોય’ (૧૯૭૯) વગેરે એમનાં સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલાં ચરિત્રાત્મક પુસ્તકો છે. ‘ધર્મચક્રપ્રવર્તન’ (૧૯૫૬), ‘શાંતિના પાયા’ (૧૯૬૩), ‘અમૃતવલ્લરી’ (૧૯૭૩), ‘મહાભારતનો મર્મ’ (૧૯૭૮), ‘રામાયણનો મર્મ’ (૧૯૮૩) વગેરે એમનાં ચિંતનાત્મક પુસ્તકો છે.
‘મારી વાચનકથા’ (૧૯૬૯) ઉત્તમ પુસ્તકોના સહવાસનો ઋણસ્વીકાર કરતી આપઘડતરની કથા છે. તો, ‘ચેતોવિસ્તારની યાત્રા’ (૧૯૮૭)માં દર્શકે મૃદલાબહેનને લખેલા ભારતીય સંસ્કૃતિની ચર્ચા કરતાં પત્રો છે. ‘સદભિ : સંગ : ’ (૧૯૮૯)માં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ : સરણોસરાની ઘડતરકથા છે. (- નિરંજન વોરા)
બંધન અને મુક્તિ (૧૯૩૯) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની નવલકથા. ૧૮૫૭ના વિપ્લવની કથા નરસિંહપુરના રાજ્યના સીમિત સંદર્ભે આલેખાયેલી છે અને મૃત્યુદંડથી આરંભી મૃત્યુદંડ આગળ પૂરી થયેલી છે. પરંતુ આરંભ અને અંતના મૃત્યુદંડ વચ્ચેનો વિકાસ લક્ષ્યગામી અને સુયોજિત છે. વાસુદેવ અને અર્જુનની પૂર્વકથા તેમ જ સુભગા અને રાજશેખ ની આનુષંગિક પ્રેમશૌર્યકથા ઇતિહાસના આભાસ દ્વારા માનવધર્મને પ્રગટાવવામાં સફળ નીવડી છે. (- રમેશ ર. દવે)
દીપનિર્વાણ (૧૯૪૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની ઐતિહાસિક નવલકથા. પ્રાચીન ભારતનાં પ્રજાસત્તાક ત્રણ રાજ્યોએ મગધની સામ્રાજ્યલિપ્સાની સામે પોતાની આઝાદીની ખુમારી શી રીતે દાખવી એનું ભવ્યોજજ્વલ નિરૂપણ અહીં થયું છે. પ્રથમ ખંડનાં ચૌદ પ્રકરણોમાં કથાનાયક આનંદનાં માતા-પિતા આર્યા ગૌતમી અને દેવહુતિનાં પ્રણય-પરિણય અને દીક્ષા તેમ જ માતાવિહોણા બાળક આનંદના, માતામહ આત્રેય પાસેના ઉછેરની પૂર્વકથા તથા મહાશિલ્પી સુદત્ત દ્વારા મૌગલ્લાનવિહાર અને પદ્મપાણિની શિલ્પરચના, તેની કલા પર વારી જઈ મહાકાશ્યપની પુત્રી સુચરિતા દ્વારા સુદત્તને થતું વાગ્દાન, બ્રાહ્મણક ગણના સેનાની તરીકે આનંદનું મહાકાશ્યપ પાસે ઔષધવિદ્યાના અભ્યાસ માટે આવવું, સુચરિતા સાથેની તેની આત્મીયતાથી ઈર્ષા અનુભવતાં સુદત્ત દ્વારા રથસ્પર્ધામાં આનંદના ઘોડાને ઘાયલ કરી રથસ્પર્ધા જીતવાનો પ્રયાસ કરવો, એના આનુષંગે મળેલી ગણસમિતિ સમક્ષ આનંદને ગણનાગરિક તરીકે અપાત્ર ઠેરવી દેશનિર્વાચન અપાવવું, સુદત્તવધૂ બનવાના વિકલ્પને સુચરિતા દ્વારા પ્રવજ્યા લેવી, ગણદ્રોહી બની સુદત્ત દ્વારા મગધ-આક્રમણ કરાવવું-જેવી ઘટનાઓના આલેખન નિમિત્તે સુચરિતા, સુદત્ત અને આનંદના પ્રણયત્રિકોણનું નિરૂપણ થયું છે; તો મગધના આક્રમણ સામે લડી લેવાની ગણરાજ્યોની તૈયારી, સંભવિત શક-આક્રમણની શક્યાશક્યતાની તપાસ માટે હરૌવતી જતાં આનંદનું તક્ષશિલામાં મહર્ષિ ઐલને મળવું, એમનાં અંતેવાસી કૃષ્ણા-મૈનેન્દ્રના પ્રેમ-પ્રસંગો, મગધના આક્રમણ સામે ઘોર વિનાશ વહોરીને લડી રહેલાં ગણરાજ્યો, પશ્ચાત્તાપશુદ્ધ સુદત્તની પરોક્ષ મદદથી થતા વિજય સાથે પૂરા થતા બીજા ખંડ પછી મગધના ઈન્દુકુમારના મોંએ કહેવાયેલી કથારૂપે મુકાયેલ ઉપસંહાર સાથે કથા પૂરી થાય છે. વિવિધ પાત્રો અને દેશકાળ વચ્ચે વહેંચાઈને દ્વિકેન્દ્રી બનવા છતાં ઐતિહાસિક નવલકથાને અનુરૂપ રહેતું ગદ્ય, પ્રતીતિકર પાત્રનિરૂપણ અને વર્ણનકલાને કારણે કૃતિ ધ્યાનાર્હ બને છે. (- રમેશ ર. દવે)
ઝેર તો પીધાં છે જાણી જાણી- ખંડ ૧ (૧૯૫૨), ખંડ ૨ (૧૯૫૮), ખંડ ૩ (૧૯૮૫) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ ની બૃહદ્ નવલકથા. લેખકે એમાં, બે વિશ્વયુદ્ધોની વિભીષિકાનાં સાક્ષી બનતાં પાત્રોની વિવિધ ધર્મ પરત્વેની શ્રદ્ધાના સમાન્તર નિરૂપણ દ્વારા, કોઈ એક જ ધર્મનો આશ્રય ન લેતાં, સર્વધર્મોનાં શુભ-તત્ત્વોનો સમન્વય સાધતાં કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવો રચનાત્મક નિર્દેશ આપ્યો છે.
કૃતિના પ્રથમ ખંડમાં નાયક-નાયિકા સત્યકામ અને રોહિણીનો ગોપાળબાપાની વાડીમાં થતો ઉછેર, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રણય, ગોપાળબાપાનું અવસાન, શીતળાને કારણે દ્રષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, તેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધધર્મના વિશેષ અભ્યાસ નિમિત્તે વિદેશગમન, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર અચ્યુતના ઘડતરમાં રોહિણીની સક્રિયતા વગેરે મુખ્ય ઘટનાઓ દ્વારા લેખકે ગોપાળબાપાની ધર્મપરાયણ સેવાવૃત્તિ અને સત્યકામ-રોહિણીની રુચિર પ્રણયકથાનું આલેખન કર્યું છે.
પ્રથમ વિશ્વયુદ્ધે યુરોપમાં સર્જેલા વિનાશનો ભોગ બનેલાંઓના પુનર્વસવાટ માટે મથતાં જ્યોર્જ ક્લેમેન્શો, ભગિની ક્રિશ્વાઈન, વોલ્ટર રેથન્યૂ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નેતા હેર કાર્લ જેવા પાત્રોની વચ્ચે વસતા પંડિત કેશવદાસની નોંધપોથીરૂપે લખાયેલા કથાના બીજા ખંડમાં યુરોપનો ઇતિહાસ વિશેષ સ્થાન પામે છે. કૃતિના ત્રીજા ખંડમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતના ચરિત્રનો વિકાસ પણ આ ખંડમાં જ દર્શાવાયો છે.
વર્ષો પછી કેશવદાસ તથા ડૉ. અચ્યુતનું સ્વદેશાગમન, રેથન્યૂના પુત્રોની ભાળવણ માટે અચ્યુતનું ઈઝરાયેલ જવું, બીજા વિશ્વયુદ્ધ નિમિત્તે ભારતની બર્મા-સરહદે તબીબી સેવા આપતાં અચ્યુત-મર્સીનું પ્રસન્ન-દાંપત્ય તથા યુદ્ધ દરમ્યાન એમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમોરચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું, તેમ જ કથાંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખતા ત્રીજા ખંડમાં નવલકથાનું કથયિતવ્ય, યુદ્ધનાં તાદ્દશ વર્ણનો અને સ્થવીર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવર્ટી, ડૉ. અચ્યુત, બર્મી સેનાની ઓંગસો તથા જાપાની સેનાપતિ યામાશિટાએ કરેલ ધર્મમીમાંસારૂપે નિરૂપાયું છે.
વિશાળ ફલક પર પથરાયેલી આ કૃતિનું વસ્તુવિધાન અકસ્માતોના અતિરેકપૂર્ણ ઉપયોગને લીધે શિથિલ હોવા છતાં પ્રતીતિકર પાત્રનિરૂપણ અને પ્રસંગયોજના તથા ધ્યાનાર્હ ગદ્યથી કૃતિની મહત્તા પ્રગટ થાય છે. (- રમેશ ર. દવે)
સોક્રેટિસ (૧૯૭૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની ઐતિહાસિક નવલકથા. એમાં સોક્રેટિસના દ્રશ્ય-અદ્રશ્ય કે શ્રાવ્ય-અશ્રાવ્ય વ્યક્તિત્વની આબોહવા ઊભી કરવાનો આદર્શ નવલકથાકારે દ્રષ્ટિ સમક્ષ રાખ્યો છે. સમાન્તર ચાલતી કાલ્પનિક પાત્રો મીડિયા અને એપોલોડોરસની પ્રેમકથા નાયક સોક્રેટિસની વ્યક્તિત્વકથાને બલિષ્ઠ કરે છે. તત્કાલીન ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક પ્રજાજીવનનું ચિત્રણ પ્રતીતિજનક છે. લેખક પોતે પણ આ કૃતિને પોતાની મહત્ત્વની કૃતિ ગણે છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)
પરિત્રાણ (૧૯૬૭) : મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ‘મહાભારત’ના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રયવાસિકપર્વ પર આધારિત ત્રિઅંકી નાટક. નાટ્યકારે મહાભારતનું યુદ્ધ કર્ણ-અર્જુન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નહિ, પરંતુ કૃષ્ણ-શકુનિ વચ્ચેનું છે એવું દર્શન ઉપસાવ્યું છે. રસ્તો હોય અને છતાં રસ્તો લેવાય નહિં એવા સંકુલ સંસારમાં બળનું સત્ય નહિ પણ સત્યનું બળ એ જ ધર્મ છે એવો ધ્વનિ અહીં કેન્દ્રવર્તી છે. ભીષ્મ-શિખંડીનો પ્રસંગ કે શકુનિ-કૃષ્ણનો કુરુક્ષેત્રનો પ્રસંગ નાટકની અત્યંત ભાવાત્મક અને માર્મિક ક્ષણો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)
અંતિમ અધ્યાય (૧૯૮૩) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ નાટ્યગ્રંથમાં ત્રણ એકાંકીઓનો સમાવેશ થયો છે. નાટ્યવસ્તુ બીજા વિશ્વયુદ્ધમાંથી લીધું છે. નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત આ ત્રણ એકાંકીઓ-‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’ ને એકસૂત્રે પરોવે છે. આ પ્રત્યેક એકાંકી પરિસ્થિતિની પાર જઈ દશાંગુલ ઊંચા ઊઠનારા માનવીઓની જિજિવિષાના જયને નિરૂપે છે. મનુષ્ય કદી નાશ નહીં પામે એ શ્રદ્ધા આ કૃતિઓને સમકાલીન ન રહેવા દેતાં સર્વકાલીન સ્થાપિત કરે છે. (- મૃદુલા માત્રાવાડિયા)
વાગીશ્વરીનાં કર્ણફૂલો (૧૯૬૩) : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ના સાહિત્યવિવેચનલેખોનો સંચય. કુલ બાર લેખોનું રૂપ અભ્યાસસ્વાધ્યાયનું છે. મૂળ કૃતિનાં સૌંદર્યતત્વો –રસસ્થાનો ચીંધી બતાવીને એની મુલવણી કરતા અભ્યાસલેખો ગુજરાતી વિવેચનમાં, એમાંના માનવતાવાદી અભિગમને કારણે ઉલ્લેખનીય છે.
‘વૉર ઍન્ડ પીસ’, ‘ડૉ. જિવાગો’, ‘સિબિલ’, ‘આરણ્યક’, ‘ઘરે બાહિરે’, ‘સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ’ અને ‘માનવીની ભવાઈ’ જેવા અહીં કૃતિલક્ષી સ્વાધ્યાયલેખો છે; તો ‘મીરાંની સાધના’ અને ‘શરચ્ચંદ્રની ઉપાસના’ જેવા, સર્જકની સમગ્રલક્ષી પ્રતિભાને મૂલવતા અભ્યાસલેખો પણ છે. આમાં લેખકની નીતિવાદી-કલાવાદી સાહિત્યવિભાવનાનો પરિચય થાય છે. (- બળવંત જાની)
આપણો વારસો અને વૈભવ (૧૯૬૧) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ નું પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું આ અધ્યયન તત્કાલીન પ્રજાજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શે છે. આ અધ્યયન રાજ્કીય ઇતિહાસ નથી, સાંસ્કૃતિક ઇતિહાસ છે. વેદયુગીન ભારતીય સંસ્કૃતિથી માંડીને હર્ષવર્ધન (ઈ.૬૪૭) સુધીના ભારતના સાંસ્કૃતિક જીવનનું અહીં નિરૂપણ થયું છે. ઇતિહાસની તથ્યલક્ષિતાની સાથોસાથ એની દાર્શનિક દ્રષ્ટિભૂમિ પણ લેખકે અહીં પૂરી પાડી છે.
સમગ્ર ગ્રંથ તેર પ્રકરણોમાં વહેંચાયેલો છે. પહેલા પ્રકરણમાં ઋગ્વેદના આધારે આર્યોની સંસ્કૃતિનું નિરૂપણ થયું છે. બીજા અને ત્રીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યો વચ્ચેના સંબંધની પૂર્વભૂમિકા, તેનો વિકાસ, તેના પુરસ્કર્તાઓ વગેરેનું વાલ્મીકિ, વ્યાસ વગેરેનાં દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગમાં યજ્ઞાદિના થયેલા વિકાસનું નિરૂપણ છે. પાંચમાં અને છઠ્ઠા પ્રકરણમાં મહાભારત, ઉપનિષદ વગેરે ગ્રંથો, તેમાંનું વાતાવરણ, તેમાં વ્યકત થયેલાં પ્રકરણ બુદ્ધ અને મહાવીરના આચારવિચારોનું તુલનાત્મક અધ્યયન છે. નવમા પ્રકરણમાં આર્યોની સંસ્કૃતિનાં ચાર મુખ્ય અંગો-વિવિધતામાં એકતા જોવાની દ્રષ્ટિ અને અહિંસા, સ્ત્રી-સન્માન, વર્ણાશ્રમવ્યવસ્થા, તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ-બાબતે ઉલ્લેખ થયો છે. દસમાં પ્રકરણમાં વેદયુગથી માંડીને બુ્દ્ધ સુધીની વિવિધ રાજ્યપદ્ધતિઓનું નિરૂપણ છે. અગિયારમાં પ્રરકરણમાં હિંદુસ્તાનની અંદર અને એની બહાર એશિયામાં બૌદ્ધભિક્ષુકો, શિલ્પીઓ, વ્યાપારીઓ વગેરેએ સંસ્કૃતિનો વિસ્તાર કઈ રીતે સાધ્યો તે દર્શાવવામાં આવ્યું છે. બારમા અને તેરમા પ્રકરણમાં ‘અશ્વમેઘ-પુનરુદ્ધારયુગ’ નું,- લગભગ છસો વર્ષના ઇતિહાસનું નિરૂપણ છે. આમ, વેદ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીના સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ કરતો આ ગ્રંથ નોંધપાત્ર પ્રદાન છે.
-હર્ષવદન ત્રિવેદી
સૌજન્ય: gujaratisahityaparishad.com