ઠાકોર જિયાજીના દીવાનખંડમાં બત્તીનો પીળો પ્રકાશ, આથમતા સૂરજની પછવાડે ખીલેલી સંખ્યાની જેમ રેલાઈ રહ્યો છે અષાઢનો વરસાદ ત્રમકટ બોલાવીને નિરાંતવો બેઠો છે. પણ તેના અનગળ પાણી મોરબી ફરતે આંટો વાઢી ગયાં છે. મચ્છુનાં પાણી દરબારગઢની પાછલી બારી સુધી પહોંચી ગયું છે.
ઠકરાણાંને કંઈ સાંભરી આવ્યું હોય તેમ પૂછ્યું : ‘આપણા રાજમાં એવો કોઈ તરવૈયો ખરો કે, આ પાણીના પુરમાં તરીને તીરની જેમ સામે કાંઠે નીકળી જાય!’
‘હા, પાંચાપુરવાળો નાગજી એવો ખરો. આવાં પુર હોય તોપણ ખાબકે! એવું મેં સાભળ્યું છે.’
‘નાગજી એટલે… રાજ સામે બા’રવટે ચડ્યો તે!’ ઠાકોર ઉત્તર વાળવાના બદલે મોં ફેરવી ગયા.
મોરબી તાબેના પાંચાપર ગામનો નાગાજણ બોરિયા, જમીન બારામાં, ઠાકોર જિયાજી સામે વાંધો પડતાં, તે એકલપંડે રાજની સામે બહારવટે ચડ્યો. ઠાકોરના માણસોએ તેને પકડવા ઘણાય કારસા કરેલા પણ તે સકંજામાં સપડાતો નહોતો. જેને ભાળે તેને મારે. મોરબીની રૈયત નાગાજણથી ત્રાસી ગઈ હતી.
ઠાકોર જિયાજીને મારવા, એ નિમિત્તે નાગાજણ ગઢના પાછળના ભાગે, મચ્છુનાં ઘોડાપૂર વળોટીને સીધો જ દીવાનખંડની બારીએ ટીંગાઈ ગયો હતો.
પણ ખુદ ઠાકોરના મોંએ જ પોતાની વાત સાંભળતાં નાગાજણ, બારી કૂદીને સીધો જ દીવાનખંડમાં આવ્યો. ઠાકોર અને ઠકરાણાં બેઠાં હતાં તેની સામે ઊભો રહ્યો.
આમ અચાનક જ નાગાજણને કાળ સ્વરૂપે જોતાં ઠાકોર અને ઠકરાણાં ડઘાઈ ગયાં.
‘બાપુ! નદી તરીને આપને મારવા સારુ જ આંયા આવ્યો’તો. પણ, પણ… મારો દાખડો લેખે નહીં લાગે!’
‘કાં!?’ ઠાકોરથી બોલાઈ ગયું.
‘કાં શું બાપુ!’ નાગાજણ ઢીલા અવાજે બોલ્યો : ‘તમે હમણાં જ મારાં વખાણ ન કર્યાં!!?’
‘પણ તે..!’
‘તે શું બાપુ, હવે મારાથી થોડી તલવાર ઊપડે. લ્યો તંઈ, રામેરામ બાપુ!’ કહીને નાગાજણ પારૂઠ ફર્યો.
ઠાકોર જિયાજીના મનમાં વીજળીના જેવો ચમકારો થયો. તે બોલ્યા : ‘નાગાજણ!’
‘હા, બાપુ!’
‘આજથી આપણું સમાધાન… તું કાલ કચેરીમાં આવજે.’ કહેતાં ખાટોર ઊભા થયા. ને પછી મૃદુભાવે બોલ્યા : ‘હાલ તને દરવાજા સુધી વળાવવા આવું!’
‘ના, બાપુ.’ નાગાજણ બોલ્યો : ‘હું તો જે મારગે આવ્યો, ઈ મારગેથી જ વયો જાસ્ય!’
‘ભલે ત્યારે…’
નાગાજણે બારીમાંથી મચ્છુના સેલારા લેતાં પાણીમાં ધુબાકો માર્યો.
બીજા દિવસે કચેરી ભરાણી. નાગાજણને ઉચિત સ્થાન આપવામાં આવ્યું ને પછી રાતના બનાવની વાત કરવામાં આવી.
સમાધાન અંગેનો લેખપત્ર તૈયાર જ હતો. નાગાજણને આપવામાં આવ્યો ત્યારે રાજકવિથી બોલાઈ ગયું : ‘લ્યો ભણ્યું નાગાજણ! આ તમંણી બહાદુરીનું ઇનામ!!’
ઠાકોરની ભ્રુકુટી ખેંચાણી. તેમણે નાગાજણ જોઈને મહર કર્યો: ‘નાગાજણ, આ કવિરાજ કહે છે એ ખરું કહે છે ને!?’
‘હા બાપુ! મેં આપને ખુશી કરીને તો ગામ નથી લીધું ને!?
અને હજીય મન ચોળપચોળ થતું હોય તો લ્યો આ આપનો લેખ!’
નાગાજણના શબ્દે કચેરીમાં સોપો પડી ગયો. કેટલાંયનાં મોઢાં કાળાઠણક થઈ ગયાં. ઠાકોર સહેજ ઊંચા અવાજે બોલ્યા : ‘લઈ લ્યો, લેખ…’
લેખ નાગાજણના હાથમાંથી લેવાઈ ગયો. નાગજણને કોઈ જાતનો ખ્યાલ આવ્યો નહીં. તેણે પોતાના ગામની વાટ પકડી.
પાછળથી ઠાકોરના માણસોએ નાગાજણને અંતરિયાળ ભીડવ્યો ને લડાઈમાં નાગાજણ મરાયો.
નોંધ : વાવડી ગામની સીમમાં નાગાજણની સાક્ષી પૂરતા બે પાળિયા ઊભા છે.
(ધીંગી ધરાનાં જોમ – રાધવજી માધડ)
ટાઈપિંગ: નિલેશસિંહ સોલંકી