ભૂપત બહારવટિયા ને દેશ છોડાવનાર કાઠીયાવાડી ખમીર એટલે -નારણભાઇ આહિર
‘ભૂપત! છોડી દેજે તારા આ લાશોના ઢગલા કરવાના ધંધા! તું બહારવટિયો છે તો હું બહારવટિયાનેય બગલામાં દબાવી રાખું એવો છું!’
જેના મુખમાંથી આ વજનદાર- પાણીદાર બળુકા શબ્દો ધાણીફૂટ નીકળી રહ્યા છે, એ છે સાડા પાંચ ફૂટની જોરાંતી કાયાવાળા, લેંઘા ઝભ્ભામાં સજ્જ અને નદીના પાણકા જેવા અવાજવાળા ચાવંડના નારણભાઇ આહિર.. ઘાટી ઘાટી મૂછો છે, ગોરું ગોરું બદન છે અને પાટલા ઘો જેવી છાતી છે. એમનો અવાજ એટલે જાણે બંદૂકમાંથી ગોળી છૂટી. એમના અવાજનો પ્રતિકાર કોઇ ન કરી શકે. કાંડાબળિયા જોરાવર જણ છે નારણભાઇ! બે કાંઠે વહેતી વરસાદી નદી જેવી જુવાની અંગ અંગમાંથી ઉભરાય છે.. ને જેના ભણી આ શબ્દો ફેંકાયા છે એ છે એક જમાનામમાં સૌરાષ્ટ્રની સરકારને હંફાવતો, ભલભલા ખેરખાં પોલીસવાળાંનીય ખો ભૂલાવી દેતો, લાશો પર લાશો ઢાળતો, ખભે બબ્બે બંદૂકો રાખીને ફરતો ભૂપત બહારવટિયો! સામે જ દેવાયત આહિર છે, તો બે-ત્રણ બીજા જણ પણ છે.
ઘટના પર થઇને દાયકાઓ વહી ગયા છે. પોતાના સાથીદારના બાપને હેરાન કરનાર કરસન કણબીને ભડાકે દીધા પછી સરકારની મેલી નીતિ અને પોતાના પરિવાર પર વરતાવાતા ત્રાસને કારણે ભુપતસિંહ મેરુજી સાથીદારો એકઠા કરીને બહારવટે ચઢ્યો છે. રોજ રોજ અન્યાયી ઈસમો અને ગરીબોને રંજાડતા જમીનદારોની લાશો પર લાશો ઢળી દેવાય છે. વાંકડી મૂછોને વળ ચઢાવતા ભૂપતે પડકાર ફેંક્યો છે: ‘જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તે આવી જાય અમારા મારગમાં.. સરકાર? અરે, અન્યાયી સરકારને તો પેશાબ નોં કરાવી દઉં તો મારું નામ ભૂપત નહિ!’
ભૂપત કહે છે: ડર શાનો?
ભૂપત ડરતો નથી.
ભૂપતની સામે જવાની વાત થતાં જ ખાખીવર્દીવાળાઓનાં તો પેન્ટ પલળી જાય છે, તો સત્તા પક્ષના ખાદીદારી કાર્યકરોનાં તો ધોતિયાં જ ઢીલાં થઇ જાય છે!
ધ્રાં..ય!
ધ્રાં..ય!!
ધ્રાં..ય!!!
ભૂપત ત્રાટકે છે.. ને સૂનો વગડો બોલકો બની જાય છે. વાઘણિયા દરબાર અમારાવાળાનો આ લાડકો જુવાન ગામેગામ, વગડેવગડે ફરે છે.. એની ઘોડી પરના પલાણ પર બેઠેલો ભૂપત જઇ રહ્યો હોય ત્યારે એમ જ લાગે કે જાણે સાક્ષાત્ મોત જઇ રહ્યું છે! ભૂપતનાં પગલાં જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં મોતના પડછંદા ઊઠે છે.. કાળા દરેશવાળો જમડો મોતના ખેલ ખેલવા જઇ રહ્યો હોય એવું જ લાગે! ને એની બંદૂક? જાણે જટાળી જોગણી ખૂનનું ખપ્પર ભરવા તલપાડ થઇ રહી છે… એનો અવાજ વગડાની છાતીને ચીરી નાખે છે, તો વસ્તીનાં અત્યાચારી જનોની છાતીનાં પાટિયાં બેસાડી દે છે: ‘એ આવ્યો ભૂપત! મા ખોડિયાર, બચાવી લે જે.’
કોણ રોકે ભૂપતને?
કોણ ટોકે ભૂપત બહારવટિયાને?
કોણ અટકાવે મોતના ખેલૈયાને?
છે કોણ જોરાવર જણ?
પોલીસનાં તો પાણી ઉતારી નાખ્યાં છે બહારવટિયા ભૂપતે! ત્યારના જૂનાગઢના પુલીસ અફસર મિ. મેઘા ભૂપતને મળીને બહારવટું પડતું મૂકવા સમજાવી ચૂક્યા છે. સરકારના ઓર્ડર પર ઓર્ડર છુટ્યા છે: ‘પકડો ભૂપતને! જીવતો કે મરેલો ભૂપત અહીં લઇને આવો, ને ઈનામના હકદાર બનો!’ પણ કોમની હિંમત ચાલે? સૌની હિંમતને કબજિયાત થઇ ગઇ છે! પોલીસ ફીફાં ખાંડે છે. જેતપુર પાસેના વાળા ડુંગરની તળેટીમાં ભૂપત હતો ત્યારે સાત સો પોલીસોના બંદૂકધારી કાફલા એ વાળા ડુંગરને ઘેરો ઘાલ્યો. પણ અફસોસ, ભૂપત બધાયની વચ્ચે થઇને સરકી ગયો ને પોલીસકાફલો હાથ ચોળતો રહી ગયો!
કોણ એના આ ખૂની ખેલને થંભાવે?
છે કોઇ?
હા, છે એક જણ.
અમરેલી જિલ્લાના ચાવંડ ગામના એ વતની છે. નામ છે એમનું નારણભાઇ આહિર. જન્મથી સવા મણનું કાળજુ લઇને જન્મ્યા છે મિ. આહિર! એમની જનેતાએ સવા શેર નહિ, કદાચ સવા મણ સૂંઠ ખાધી છે. ડરવાની વાત નહિ. ગભરાવાની વાત નહિ. આખીય વાત જામીને એ બોલી ઊઠે છે: ‘શું કામ એને વાંક વિના રંજાડ્યો? શું કામ એના પરિવાર પર ત્રાસ વર્તાવ્યો? તમે જ એને બહારવટિયો બનાવ્યો છે. પણ કંઇ વાંધો નહિ. હવે જોઇ લો આ નારણ આહિરના ઝપાટા.’ મૂછે તાવ દે છે નારણભાઇ આહિર. હવામાં હાથ વીંઝે છે નારણભાઇ આહિર. દેવાયત ખાચર નારણભાઇની માસીના જેઠ થાય. ને દેવાયત ખાચર જોડાયા છે ભૂપતની ટોળીમાં.
‘દેવાયતભાઇ..’
‘બોલો, નારણભાઇ!’
‘મારે ભૂપતને મળવું છે!’
‘કાં?’
‘આવા ખુમારી અને ખુદ્દારીવાળા જોરાવર જણને મળવાની ઈચ્છા કોને ન થાય? કહેજો કે નારણભાઇ મારા નજીકના સગા છે.’
‘ભલે.’
ધારીના ધારી ડેમની ગુજરાતમાં આગવી મહત્તા છે. એથીય વિશેષતા ધારી ગામ પાસે ખોડિયાર માતાનું મંદિર છે… જગ્યા બહુ સરસ છે. કુદરતે છુટ્ટાહાથે સૌંદર્ય વેરી નાખ્યું છે. વગડોય વહાલો લાગે એવું ગામ છે. વગડો છે. ખિલખિલાટ હસતી કુદરત છે. ધારી ડેમ છે. ડેમમાં પાણી છે. ડેમથી થોડેક દૂર ઘટાદાર વૃક્ષની આસપાસ ઓટલો છે. છેક અમદાવાદથી આવવા નીકળી પડ્યા છે નારણભાઇ આહિર.. દેવાયત ખાચર સગા છે ને તેમણે બઘું જ ગોઠવી દીઘું છે. આમ તો નારણભાઇ અમદાવાદની મીલમાં નોકરી કરે છે. મોટી ને જાડી મીલ છે. મીલના સંચાઓ તાકાઓના તાકા કાપડ ઊતારે છે. ત્યાં નારણભાઇ જોબર છે. હાથ નીચે વીસ-પચીસ કારીગરો છે. નારણભાઇ જબાનના પાક્કા છે… એ બોલે, તેમજ કરે.. એમનો એક ઉપરી જરા તોછડો હતો. જે તેને ઉતારી પાડવાની જ વાત. એણે એક દિવસે નારણભાઇને કહ્યું, ‘એ ઈ નારણ!’
‘જબાન સાચવીને બોલો, સાહેબ!’
‘તું મને બોલતાં શીખવીશ?’
‘હજી કહું છું ભાષામાં વિવેક રાખો.’
‘મારે ભાષા તારી પાસે ભણવી પડશે?’
‘હવે છેલ્લી વાર તને કહી દઉં છું, સાંભળ! તારો સગો ભલે મોટો લાગવગિયો હોય, પણ તારી જણનારીએ તને સંસ્કાર નથી આપ્યા!’
‘મને તું- તારી કરે છે?’
‘હા.’
‘કેમ?’
‘બોલ, મેં તને ચેતવ્યો હતો કે નહિ? ત્રણ ત્રણ વાર તને ટાઇમ આપ્યો કે નહિ? બસ ત્યારે, તારા કરતાં ઉંમરમાં હું મોટો છું.. તું તુંકારાથી બોલાવે છે, પછી હું તુંકારો કરું એમાં ખોટું શાનું લાગે છે..’
‘ચૂપ્પ..’
‘ચૂપવાળી! ઓળખતો નથી તું હજી મને! આ નથી કોઇ રેંજી પેંજી કારીગર! ખોટું લાગે છે તો શું કામ તારી બોંન પૈણાવા તુંકારાથી બોલાવે છે?’
‘નારણ!!’
રાડ પાડી ઊઠ્યો ઉપરી.
‘અવાજ નીચો કર.. નહિ જાણતો હોય તો જાણી લે.. આ છે નારણભાઇ આહિર… બહુ કરીશ તો બગલમાં દબાવી દેતાં વાર નહીં કરું, હા! ગોલકીના, ભાગ અહીંથી!’
પેલો તો ભાગી ગયા, પણ નારણભાઇએ મિલમાંથી રાજીનામું આપી દીઘું: ‘તું નહીં તો ઓર સહી..’ તીખો તેજમિજાજ અને ખુમારીનો બંદો એટલે નારણભાઇ આહિર! કાયામાં જુવાની ઘુબાકા મારે છે.. બીક? કોઇના બાપનીય નહિ! ગભરાવાનું? કોઇથી નહિ! ભડ છે નારણભાઇ.. ખુદ્દારીની જીવતી જાગતી મિસાલ છે તેઓ! ખોડિયાર નગરમાં રહેતા ત્યારેય એમનો બોલ કોઇ ઉથાપી ન શકતું!
ત્યાં જ એમને સમાચાર મળ્યા કે ભૂપત જ નહિ, આખીય ટોળકીના માથે ખતરો મંડરાઇ રહ્યો છે. પોલીસની ધોંસ છે.. સરકાર ભૂપતને પકડવા સાણસો પહોળો કરીને જ બેઠી છે. ને તેઓ ચાવંડ આવીને મળ્યા દેવાયત ખાચરને. બોલ્યા: ‘મને ભૂપતનો ભેટો કરાવો.’
ધારી ડેમ છે.
વૃક્ષ નીચે ઓટલો છે.
ઓટલા પર બેઠા છે. નારણભાઇ આહિર… ભૂપતની રાહ જોવાઇ રહી છે.. ત્યાં જ દબડક દબડક અવાજ સંભળાય છે.. હં.. ભૂપત આવી ગયો લાગે છે! કરડો ચહેરો છે. લાંબી વાંકડી મૂછો છે. ખડતલ મઘ્યમ બાંધાની કાયા છે. બબ્બે બંદૂકો ભરાવી છે.
તે નારણભાઇ પાસે આવીને ખડો થઇ જાય છે.. નારણભાઇ ભૂપતના ખભે હાથ મૂકે છે. ને સિંહ ડણક નાખતો હોય એમ બોલી ઊઠે છે: ‘ભૂપત! આ લાશોના ઢગલા કરવાનું છોડી દે જે.. ઓળખી લે, હું તારા જેવા બહારવટિયાને તો બગલમાં દબાવી રાખું એવો છું!’ ભૂપતે નારણભાઇનો હાથ પકડી લીધો: ‘નારણભાઇ, હુંય એ જ વિચારું છું. આ દેશને સલામ કરવા માગું છું. કરાંચીના પંથે પળવા માગું છું. ભલે મારે દેહ પાકિસ્તાનની કોઇ કબરમાં પોઢી જાય!’ ને પાછો એ ઘોડા પર બેસતાં બોલ્યો: ‘હવે લાશો નહિ ઢળે… મારું આ વચન છે!’
– ને પછી ભૂપત પુનઃ ક્યારેય જોવા નથી મળ્યો! હા, એ આ દેશમાંથી ઉચાળા ભરીને પાકિસ્તાન જઇને ‘ભૂપત’ મટી જઇ ‘અમીન યુસુફ’ નામનો દૂધ વેચનારો બની ગયો હતો!!
– સાવ સાચી ઘટનાના નાયક છે, નારણભાઇ આહિર.. અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે. કૃષ્ણનગરની પાછળનો રોડ છે. ખારીકટ કેનાલ છે. કેનાલ નજીક નવા નરોડાનો નવો નવો વિસ્તાર છે. ધરણીધર સોસાયટી છે. ને આ જ ધરણીધર સોસાયટીમાં ડૉ. સોનીના બંગલાની સામેના ડુપ્લેક્ષમાં વસે છે, બબ્બે કંધોતર દીકરાઓની અર્થી પોતાની કાંધ પર ઉપાડનાર અઠ્ઠયાસી વર્ષના યાદદાસ્ત ગુમાવી બેઠેલા નારણદાદા! ભૂપત જેવા બહારવટિયાનેય બગલમાં દબાવવાની કાળજાફાડ ખુમારીવાળા, વિધવા પુત્રવઘૂ અને બાળકો સાથે રહેતા દાદાના દિમાગમાં વીતી ગયેલા સમયનાં જળ ડહોળાઇ ગયાં છે!!
-ઝાકળઝંઝા (પરાજિત પટેલ)
(કથાબિંદુ: નટુભાઇ જયભોલે, અમદાવાદ)
સૌજન્ય: gujaratsamachar.com