એક ઝાડ માથે ઝૂમખડું
ઝુમખડે રાતા ફૂલ, ભમર રે રંગ ડોલરિયો
એક ડાળ માથે પોપટડો,
પોપટડે રાતી ચાંચ, ભમર રે રંગ ડોલરિયો
એક પાળ માથે પારેવડું,
પારેવડે રાતી આંખ, ભમર રે રંગ ડોલરિયો
એક મોં’લ માથે મરઘલડો,
મરઘલડે માંજર લાલ, ભમર રે રંગ ડોલરિયો
એક નાર માથે ચૂંદલડી,
ચુંદડીએ રાતી ભાત્ય, ભમર રે રંગ ડોલરિયો
એક માત-કાખે બાળકડુ,
બાળકળે રાત ગાલ, ભમર રે રંગ ડોલરિયો
એક બે’ન માથે સેથલિયો,
સેથલિયે લાલ હિંગોળ, ભમર રે રંગ ડોલરિયો
ધોરણ ચાર માં આવતું એક બાળકાવ્ય જેમાં આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજી એ બાળકો ને રાતા (લાલ) રંગ ની ઓળખાણ કરાવવા માટે અલગ અલગ ફૂલ અને પક્ષીઓ નો સહારો લઇ અને સરળ અને શુદ્ધ ભાષા માં લય સાથે બાળગીત ને ઢાળ્યું છે.. આજે ઇન્ટરનેટ પર ફરતું ફરતું આ બાળકાવ્ય અથવા લોકગીત નજરે ચડ્યું અને બાળપણમાં શાળામાં આવા બાળગીતો આપણે સહુ હર્ષોલ્લાસથી ગાતા, તે યાદ આવી ગયું.. આજની રાઇમ્સ ગાવા વળી પેઢી કદાચ આવા બાળગીતો નો આનંદ ક્યારેય નહિ લૂંટી શકે…