સદગુરુ વચનના થાવ અધિકારી
મેલી દો અંતરનું અભિમાન,
માન મેલીને તમે આવો મેદાનમાં,
સમજો ગુરુજીની શાન રે … સદગુરુના.
અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે
નહીં થાય સાચેસાચી વાત,
આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે
પ્રભુજી દેખાય સાક્ષાત રે … સદગુરુના.
સત્સંગ રસ તો અગમ અપાર છે,
એ તો પીવે કોઈ પીવનહાર,
તનમન કેરી જ્યારે સુધબુધ ભૂલાશે
ત્યારે અરસપરસ મળશે એકતાર રે … સદગુરુના.
ધડની ઉપર જેને શીશ મળે મહીં
એવો ખેલ છે આ ખાંડાની ધાર રે,
એમ રે તમારું તમે શીશ ઉતારો
તો તમને રમાડું બાવન વાર રે … સદગુરુના.
હું અને મારું એ મનનું કારણ પાનબાઈ!
એ મન જ્યારે મટી જાય રે,
ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ,
ત્યારે અંતરમાં અલખ દેખાય રે … સદગુરુના.
– ગંગા સતી