સંતો અને સતીઓ

સંતશ્રી ત્રિકમાચાર્ય બાપુ

Aabhapara na Yogi Sant Shree Trikmacharyji Bapu

આભપરાના યોગી સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ

“સચ્ચિદાનંદ પ્રભુ પરમ કૃપાળુ પરમેશ્વર તમે
દિન દયાળ વિશ્વભર ઓમ ઓમ ઓમ”

આપણાં પૂ. બાપુએ આપેલ આ મંત્ર ઉચ્ચારણ કરતાં રોમ રોમ પુલકિત થઇ ઉઠે છે. આ મંત્ર જેવા જ દિવ્ય આપણાં બાપુ વિશે થોડુંક જાણીએ –

Trikmacharyji Bapu no Janmપૂ. બાપુનો જન્મ કુણવદરમાં ૧૯૨૦માં ૭સુદ પોષ માસમાં થયો હતો. પિતાનું નામ હરિદાસજી અને માતાનું નામ લાબાઇ હતું. એક પુત્ર હતો અને બીજા પુત્રનો જન્મ થયો. દાયણે વધાઇ આપી કે ઋષિ જેવો પુત્ર જન્મયો છે ત્યારે પિતાનાં મનમાં વિચારો નૃત્ય કરવા લાગ્યા – હું આ દીકરાને ગોર મહારાજ બનાવીશ. રાણા સાહેબનો ગોર બનાવીશ. દેશ અને દુનિયા પગે લાગશે. અને એવા દિવા સ્વપ્ન જોવા લાગ્યા. હજી પુત્રનું મોઢું તો જોયું જ નથી પણ કલ્પનાની પાંખે વિહરવા લાગ્યા. જયારે પુત્રને તેમની સામે લાવવામાં આવ્યો ત્યારે તેમનાં મુખથી અચાનક આ શબ્દો સરી પડયા, “વાહ ત્રિકમજી વાહ” શ્રી દ્વારકાનાથને એમણે સ્મર્યા ત્રિકમજીના સ્વરૂપે અને બાળકનું નામ પડી ગયું ત્રિકમજી. કેટલું વિલક્ષણ નામ!  નામમાં કેટલો પ્રભાવ હોય છે ?

નામ પ્રમાણે જ વિલક્ષણ ગુણ ધરાવતા ત્રિકમજીને પાઠશાળામાં અભ્યાસ કરવા માટે મૂકવામાં આવ્યા ત્યારે પાટીમાં માત્ર મીંડા જ કરે. મીંડા મીંડાને મીંડા જ કરે. આગળ લખે જ નહીં. કહે કે આ મનખા દેહ મીંડા જેવો જ છે. પિતાને થયું ભણતો નથી. કામે લગાડી દો.


Trikamji Doing Bhajan in Childhoodએક દિવસ ત્રિકમજીને બળદ ચારવા મોકલ્યા. બળદ ચરતા રહે અને ત્રિકમજી આકાશ સામે જોઇને કાંઇ કાંઇ વિચારોમાં વિહરવા લાગે. કોઇ માણસે એમ કહ્યું કે, “તારા બળદ તો ખેતરમાં ચાલ્યા જાય છે” પણ ત્રિકમજી તો સતત ચિંતનમાં ડૂબેલા જ રહેતા અને જવાબ આપતા કે, “તમો એની ચિંતા ન કરો બળદ પાછા આવી જશે.” પેલા માણસને અપમાન લાગ્યું અને ત્રિકમજીના પિતાને ફરિયાદ કરી કે તમારા ત્રિકમજીએ મારું અપમાન કર્યું કોઇ વાત કે શીખામણ સાંભળવા તૈયાર નથી.

ત્રિકમજીનાં પિતાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને પરોણો હાથમાં લઇનકકી જ કર્યું કે, સોટીથી ઝૂડી નાખવો. પણ જયાં ત્રિકમજી પાસે આવીને જુએ છે – ત્રિકમજીનાં મુખ પરની લાલી, તેજ, દિવ્યતા, તેના આ ઝૂડી નાંખવાના નિર્ણયને પીગળાવી ગઇ.

મોટા થવા છતાં ત્રિકમજીનાં વર્તનમાં કાંઇ સુધારો ન થયો. એજ નિશફીકર જીવન, ચિંતન, મનન સતત ચાલુ રહ્યું. તેમના પિતાથી એક વાર ગુસ્સામાં બોલાઈ ગયું, “જા ભાગી જા’ અને ખરેખર ત્રિકમજી ઘરમાંથી ભાગી ગયા. પછી તો પસ્તાવાનો પાર નહીં, પોરબંદર, ખેપિયા દોડાવ્યા પણ કયાંય પત્તો ન લાગ્યો, ચારે બાજુ તપાસ કરી પણ ત્રિકમજી ન મલ્યા. માતા આક્રંદ કરે છે કે જો દિકરાને પરણાવી દીધો હોત તો વીસનોરીને છોડીને કયાંય જત નહી.

Trikamji in Jatraબે – ત્રણ મદિના પછી પત્ર આવ્યો પણ પત્ર કોઈ બીજાનો લખેલ હતું. ગામમાંથી યાત્રા માટે સંઘ ગયેલ તો તેમાં થી કોઈ વ્યકિતએ લખ્યો હતો – પત્રમાં લખેલું હતું કે, “અમો દેવદર્શન કરીએ છીએ, શ્રી યમુનાજીમાં ન્હાઈયે છીએ. ભોગ ધરાવીએ છીએ અને ત્રિકમજી અમારી સાથે છે.’

પિતાનાં મનને શાંતિ થઈ કે ચાલો યાત્રામાં ગયો છે. ભાગ્યો તો નથી. બાવો તો નથી થયો. પિતાએ મોટા દીકરાને વાત કરી “એને તું લઇ આવ યાત્રાએ ગયેલ સંઘ પાછો આવશે ને ત્રિકમજી પાછો નહીં આવે તો?’,

આ તરફયાત્રામાં બધાની સાથે હોવા છતાં એ અલગારી જીવ પોતાના ચિંતનમાં જ મગ્ન રહેતા હતા, બધાને દર્શન કરતાં, ભગવાનને ઝૂલાવતા અને ઝધડતા જોતા હતા. બ્રાહ્મણોને, પંડિતોને ભગવાનના નામે ઠગતા જોતા હતા. એટલે તેઓની સાથે રહેતા હોવા છતાં જગતથી દૂર હતા, શાંતિ કયાંય નથી, એમ વિચારતા હતા કે, ‘ઘેરથી કોઈ તેડવા આવે તો ચાલ્યો જાઉં.’

આ તરફ મોટા ભાઇને ઘરેથી પિતાએ સમજાવ્યા તા કે તું ત્રિકમજીને સમજાવી, પટાવીને લાવજે. ગુસ્સે થઈને વાત નહીં તો. પણ અહીં આવીને જોયું તો તેમને કાંઈ કરવાની જરૂરત જ નહીં દેખાઈ આશ્ચર્ય સાથે જોયું કે ત્રિકમજી કાંઇ પણ કહ્યા વગર જ સાથે આવવા તૈયાર હતાં,

Wedding of Trikamji ઘરે આવ્યા પછી માતાને જે કરવું તું કરીને જ રહ્યા. સારા ઘરની છોકરી જોઈને લગ્ન કરી દીધા. આ બાપુનાં જીવન નો પ્રથમ તબકકો કહી શકાય. લગ્ન સામાન્ય રીતે તો સામાન્ય માણસ માટે બંધન રૂપ નીવડે છે. પણ પ્રભુના કૃપાપાત્ર લોકો માટે મુક્તિ દાયક હોય છે. ત્રિકમજીની બાબતમાં પણ આમજ બન્યું. લગ્ન થયા એટલે જવાબદારી આવી. સામાન્ય કુટુંબ હતું. રોજી રોટી માટે સામાન્ય ખેડ હતી. સખત મહેનત મજૂરી કરવી પડતી હતી. આવા સમયે એમને એમ લાગતું તું કે ‘હું ભગવાનને ભૂલતો જાઉં છું. પણ ભગવાન તેમને ભૂલ્યા ન હતા. આ જવાબદારીને કારણે તેમને આધ્યાત્મિક માર્ગમાં જવામાં ૪ વર્ષ મોડું થયું.

આ ૪ વર્ષના સમય દરમ્યાન એક પુત્રીના પિતા બન્યા. અને નાનકડી દીકરીને મુકીને એમના પત્ની સ્વર્ગે સિધાવી ગયા. એક બંધન તો અનાયાસે છૂટી ગયું. પણ પુત્રીની જવાબદારી પોતાના પર આવી પડી, માયાનું બીજું બંધન છોડીને જઇ શકાય તેમ ન હતું.

આધ્યાત્મિક નો માર્ગ સંઘર્ષ વગર તો પસાર થતો નથી. ડગલેને પગલે અગ્નિ પરિક્ષા થતી જ રહે છે એક તરફ પુત્રીની જવાબદારી અને બીજી તરફ કીર્તન સૂરનો ખેંચાવ, કીર્તન ભજનના સૂર સાંભળીને એમનું અંતર ખેંચાઈ જતું અને પછી તો પોતાનાં ભાભી પર નાનકડી દીકરીની જવાબદારી સોંપીને કીર્તન -સત્સંગમાં ચાલ્યા જતા. સંયુક્ત કુટુંબ હતું ભાભીએ દીકરીની જવાબદારી સ્વીકારી તો લીધી પણ તે કહેતી કે તમારે આવી રીતે રોજ ભજન કીર્તન કરવા જતા રહેવાનું હોય તો મારાથી તમારી દીકરીની જવાબદારી વેંઢારી નહિ શકાય. એકદિવસ ભજનમાંથી મોડું થયું. ભાભીએ કહ્યું કે, “તમારા માટે અમારે રોજ ભૂખ્યા રહેવાનું ? આતો રોજનું થયું આના કરતાં તો બાવા થઈ ગયા હોત. ઘર છોડીને ભાગી ગયા હોત તો સારું થાત, મફતમાં રોટલા ખાવા અને ભજન ગાવા.’

અને આ શબ્દો ત્રિકમજીને હાડોહાડ લાગી ગયા. આખી રાત મનોમંથન ચાલ્યું અને હવે ઘરમાં એક દિવસ વધારે રહેવાય નઈ. એમ વિચારી ઘર છોડી ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. ભાભીનાં શબ્દો જાણે કે માયામાંથી મુકત થવા માટે ત્રિકમજી માટે દેવી શકિતનો પ્રકાશ હતો.

Trikamji With his Daughter Leaving Homeસવારે કપડાંની પોટલી અને નાનકડી પુત્રીને તેડીને ચાલતા થયા. ભાઈને કહ્યું કે, “હું જઉં છું” ભાઈએ રોકવા પ્રયાસ કર્યો. પણ ત્રિકમજી કહે “ના હું જાતે કમાઇશ છોરીનું ધ્યાન પણ રાખીશ હું જાઉં છું.”

એટલામાં ભાભી આવ્યા અને બોલ્યા કે, ‘‘જવા દો, ન રોકો માથે જવાબદારી આવશે તો ખબર પડશે કે જવાબદારી કેમ ઉપાડાય છે ? જવા દો, એમને રોકયા છે તો મારા સમ. થોડા દિવસમાં પાછા આવી જશે.’

પણ ત્રિકમજી ભાભીના આ શબ્દોને સાંભળવા ઉભા ન રહ્યા. ચાલતા ચાલતા કુણવદરથી રોઝડા આવ્યા. ત્યાં ૨ વર્ષ રહ્યા. ખેતરમાં કોઈને ત્યાં સાથીપો કરીને ગુજરાન ચલાવતા. માતા વગરની પુત્રીના માતા અને પિતા બન્યા. એક તરફ ખેતરમાં કામ અને બીજી તરફ નાની પુત્રીની જવાબદારી, રાત્રે ભજન કીર્તન અને ચિંતન.

આખરે ઇશ્વરને જે કરવું હતું તે થઇને જરહ્યું પુત્રી પણ માતાનાં રસ્તે સ્વર્ગે સીધાવી આમ બીજું બંધન પણ છૂટી ગયું.

હવે તો માત્ર ખેતી અને કીર્તન-ભજન બસ જાણે કે આજ જીવન ક્રમ બની ગયો. સમય જતાં કયારેક તો દિવસે પણ ભજન કીર્તન અને રાત્રે પણ એજ.

એક રાત્રે ખેતરમાં રખોપા રવાનાં હતાં પણ એ તો અલગારી જીવ. કીર્તન ભજનમાં એટલા મસ્ત બની ગયા કે એમને યાદ ન રહ્યું કે તેઓ ગામના ચોરે બેસીને ભજન કરે છે કે ખેતરમાં રખોપા કરે છે?

કોઈ માણસે ખેતરનાં માલિકને ફરિયાદ કરી કે ત્રિકમજી તો ખેતરમાં રખોપા રવાને બદલે ચોરે બેસીને ભજન કરે છે. ખેતરનાં માલિક ખેતર પર જઈને જુએ છે તો ત્રિકમજી ખેતરનું રખોપું કરે છે. અને ચોરા પર આવીને જુએ છે તો કીર્તન કરે છે. ફરી ખેતર જઈને જુએ તો ખેતરમાં રખોપું કરે છે. વિચારમાં પડી ગયા કે આ સાચું કે આ સાચું? હદ થઈ ગઈ બન્ને જગ્યા પર ત્રિકમજી ? આવીને ત્રિકમજીના પગમાં પડી ગયા કે, ‘બાપુ મને માફ કરો. હું તમને ઓળખી ન શકયો.’

Trikmacharyji In Bhajan Kirtanત્રિકમજી આપણાં બાપુ કહે છે કે “હાઉં, રહેવા દે હવે રહેવા દે’ અને બીજે દિવસે બધું છોડીને આધ્યામિકની વાટપકડી લીધી. વિચારવા લાગ્યા કે અરે રે, મારા માટે ભગવાને આટલો શ્રમ કર્યો? આ ટર્નિંગ પોઈન્ટ હતો. દરેક માણસ પાસે બે રસ્તા હોય છે, જેમાંથી એક સંસાર નાં કળણ તરફ તો હોય છે. અને બીજો ઈશ્વર તરફ અને બાપુએ બીજો રસ્તો પસંદ કરી લીધો. આ બાપુનાં જીવનનો બીજો તબકકો શરૂ થયો.

એમનું મંથન ચાલુ જ રહ્યું કે મારા માટે ભગવાનને સાથીપો કરવો પડ્યો? ખલાસ હવે મારે મારું આખું જીવન ભગવાનનાં કીર્તન-ભજનમાં ગાળવું છે. અને આ આધ્યાત્મિક તરફ જવાની શરૂઆત હતી.

ગુરૂ વગર આધ્યાત્મિકની વાટ પર આવતી અડચણો, મુકેલીઓથી કોણ બચાવે? ગુરૂ જોઇએ, ગુરૂ જોઇએ એમ એમને લાગવા માંડ્યું.

ચાલતાં-ચાલતાં બીલખામાં નથુરામ શર્માજીનાં આશ્રમ પાસે આવી ઉભા રહ્યા. કથા ચાલુ હતી. કથા પૂરી થાય તો શર્માજીને મળી શકાય. મેલાંઘેલાં કપડાં, માથે ફેંટો હતો, પણ ઝગારા કરતું મુખ જોઈ નથુરામ શર્મા ઓળખી ગયા કે પાત્ર યોગ્ય છે. કથા પૂરી થયા પછી પાસે બોલાવ્યા અને પૂછયું કે, ‘કયાં રહેવું ? જવાબ મલ્યો ‘ધરતી પર’ શા માટે આવ્યા છો? તો કહે ‘ભગવાનને મેળવવા માટે ગુરૂએ ટકોરો માર્યો ‘યુવાન છો, આખું જીવન પડયું છે, વૈરાગ્ય નો માર્ગ સહેલો નથી, તલવારની ધાર પર ચાલવાનું કામ છે. માટે તમો પાછા ચાલ્યા જાવ.’ જવાબ મળે છે “પાછા જવા માટે નથી આવ્યો”

આકરા અને ચૂસ્ત નિયમોમાં બંધાઇને છ મહિના ત્યાં રહ્યા. ખૂબ આકરી કસોટી સહન કરી.પણ ક્રોધ હજુ છૂટયો નહતો. અન્યાય થતો હોય કે જુલ્મ થતો જોઈને સહન કરી શકતા નહતા. આંખ લાલ થઈ જતી અને જાણે અંગારા વરસતા હોય તેમ લાગતું હતું. આ છ મહિના દરમ્યાન ક્રોધ પર કાબુ રાખવામાં તેઓ મહદઅંશે સફળ થયા, કેટલીક વાતો એવી હતી પોતાને ગમતી ન હતી. પણ તેઓ પોતાના પર સંયમ રાખતા અને વિચાર કરતા કે “હું ગુરૂની નિશ્રામાં છું તેથી મારે ઉગ્ર થવું ન જોઈએ.”

આશ્રમ વાસ દરમ્યાન એક પ્રસંગ બન્યો. આ એક એક પૈસાનો હિંસાબ રાખવો પડતો, આપવો પડતો હતો. એક વાર ત્રિકમજી શાકભાજી લેવા ગયા અને ચાર આનાની હિસાબમાં ભૂલા થઈ ગઈ. ગુરૂજી ખૂબ ખીજાયા અને બધાની વચ્ચે ઠપકો આપ્યો. ગુરૂ એમ ઇચ્છતા હતા કે શિષ્યમાં બિલકુલ કચાશ ન રહે. એકએક વાતમાં શિષ્યખરો ઉતરે માટેઆમ ટકોરા મારીને ઘડતા હતા પણ સ્વમાની બાપુને આમ બધાની વચ્ચે ઝાડી નાખ્યા એટલે ખૂબ લાગી આવ્યું એક પણ શબ્દ બોલ્યા નહીં, પણ મનમાં, “હવે અહીં નહીં રહેવું એમ નકકી કરી લીધું.” બીજા દિવસે બહાર જઇને આખો દિવસ મજૂરી કરી ચાર આના ભેગા કર્યા અને ગુરૂના ચરણમાં મૂકી દીધા. ગુરૂ કાંઈ જ બોલ્યા નહીં. ગુરૂને તો શિષ્યને ઘડવા હતા પૂર્ણ બનાવવા હતા.

Trikmacharyju Bapu in Girnaarસવારે મોડે સુધી બાપુ દેખાયા નહીં આશ્રમમાં કોઈ માણસને ગુરૂએ ત્રિકમજી ના રૂમમાં જોઈ આવવા કહ્યું જઇને જૂએ તો ત્રિકમજી નહોતા. ત્રિમજીતો એજ રાત્રે આશ્રમ છોડીને જતા રહ્યા હતા બીજા દિવસે ગુરૂ કાંઈ કહેવાના હતા પણ કોને કહે?

બિલખા થી ચાલતા-ચાલતા ત્રિકમજી ગિરનાર આવ્યા. ગિરનારની અંદર કયાં જવું? એ પ્રશ્ન હતો. ગિરનાર પવિત્ર ભૂમિ છે. સાધુ-સંતોનું રહેઠાણ છે. મનમાં વિચાર છે કે કોઈ યોગી, સાધુ, સન્યાસી જરૂર મળી જશે. પૂરી શ્રધ્ધા સાથે ચાલતા હતા. દૂર-દૂરથી એક ધૂણી ધખતી જોઇ સફેદ ફર ફરતી દાઢી, સફેદ જટા અને આહુતિ હોમતા સાધુ જોયા બન્નેની દૃષ્ટિ એક બીજા પર પડી. સાધુ પૂછે છે. કેમ આવ્યો ? “એજ જવાબ “ભગવાનને મેળવવા છે” સાધના કરવા આવ્યો છું. સાધુએ પાસે પડેલો ચિપિયો જોરથી માર્યો એક નહીં બે નહીં ત્રણ ચિપિયા મારી ફરી પૂછ્યું શું કામ આવ્યો છે, એ જ જવાબ. સાધુએ ફરી ચાર ચિપિયા માર્યા તો પણ મોઢામાંથી એક શબ્દ બોલ્યા નહીં. ત્રિકમજીની સહન શકિત ધીરજ અને ગાંભીર્યને જોઈ સાધુએ ચિપિયો ફેંકી દીધો અને દોડીને ભેટી પડયા આશીર્વાદ આપ્યા કે, “બેટા તું મહાન માણસ બનીશ. આધ્યાત્મિકની અંદર ઊંડામાં ઊડું અને ઊંચામાં ઊંચુ જ્ઞાન પ્રાપ્ત કરીશ. આજે તું મારી કસોટીમાંથી પાર ઉતર્યો છે.”

ત્રિકમજી સાધુ પાસે થોડો સમય રોકાયા. આ સાધુ પાસે ગંજેરીઓ ગાંજો પીવા આવતા ત્યારે ત્રિકમજીએ બહાર રહેવું પડતું હતું તેઓ કોઈ સાથે ભળતા નહીં, પોતાના ધ્યાન, મનન, ચિંતન, ભજનમાંજ મસ્ત રહેતા હતા. વિચાર્યુ કે અહીં ફાવશે નહીં. એ દિવસ સાધુ પાસે પાસે આવીને ઉભા રહ્યા . કાંઈ પણ બોલે તે પહેલા સાધુએ કહ્યું કે, “બેટા જાના ચાહતે હો’, “હા” સાધુએ ખૂબજ આશીર્વાદ આપતા કહેલ કે “જાવ બેટા જાવ , તુમ્હારા સ્થાન નિશ્ચિત હૈ. જાવ તુમ્હારા વતન તુમ્હારી રાહ દેખ રહા હૈં.”

Aapbhapar Dungarચાલતાં ચાલતાં ત્રિકમજી ધુમલી આવ્યા ભૃગુકંડ પર આવ્યા. ત્યાં એક રબારી ભાઇ સૂતા હતા. તેમણે ત્રિકમજીને જોયા. કપડાં મેલાં-ઘેલાં હતાં પણ મુખ ઝગારા કરતું હતું. રબારી ભાઈએ પૂછ્યું કે ‘ક્યાં જવું છે ?” ત્રિકમજી કહે – આભપરા. રબારી ભાઈએ તાપમાં ન જવા તેમજ થોડો વિશ્રામ કરવા જણાવ્યું. રબારી ભાઈની પ્રેમભરી વાત સ્વીકારીને ત્રિકમજી થોડીવાર રોકાયા. રબારી ભાઇ ગાયનું તાજું જ શેડ કઢું દૂધ લાવ્યો અને પીવા માટે વિનંતી કરી અને ડુંગર ચઢવામાં તાકાત આપશે એમ કહ્યું. રબારી ભાઇએ કહ્યું કે ઉપર જાવ ભલે પણ સાંજે વહેલા પાછા આવી જજો. કારણ કે રાત્રે ત્યાં દિપડા આવે છે. આભપરામાં કોઈ રાત રોકાઇ શકતું નથી. ભૂલથી પણ ઊતરવામાં મોડું થાય તો ઉપર જવા વાળાને દિપડા ફાડી ખાય છે.

અને ત્રિકમજી ડુંગર પર ચડયા કે પાછા ૭ વર્ષ સુધી નીચે ઉતર્યાજ નહીં. બાપુએ તપ સાધના ભજનથી પવિત્ર વાતાવરણ સર્જી દીધું કે ત્યાં આવતા સાપ, નાગ, સિંહ, દિપડા કે શિયાળ બધાનાં સ્વભાવ બદલાઇ જતાં. ૭ વર્ષમાં પહેલાં ૨ વર્ષ ફૂલ-ફળ પર, ૪ વર્ષ પાંદડા પર અને ૧ વર્ષ માત્ર પાણીની ત્રણ અંજલી ભર દિવસ કાઢ્યા. આધુનિક સમયમાં માણસ સિદ્ધી જુએ છે પણ સિદ્ધિ માટે કરેલી તપસ્યા, સાધના, ત્યાગને ભૂલી જાય છે.

Trikmacharyji bapu in samadhi at aabhapraબાપુએ કોઈને પોતાની અંગત વાત બતાવી હતી કે એક રાત્રે ડુંગર આભપરો તેમની પાસે આવ્યો અને પોતાનું સ્વરૂપ ખોલ્યું. એમાં ડુંગરે એક ગુફા બતાવી, એ ગુફા ઝાડ, પાન, ફળ ફૂલથી ભરેલી હતી.

બાપુએ વિચાર્યું કે અહીં બેસીને હું તપ કરીશ. ગળામાં નાગ વિંટળાય જાય. આજુબાજુ દિપડા ને સિંહ બેઠા હોય તો પણ બાપુને કાંઇ ખબર ન પડે એવા ચિંતન, તપ, તપસ્યામાં બાપુ ડૂબેલા રહેતા.

એક સમયે જે વ્યકિત – ૨ ગરાસિયા અને ૨ બ્રાહ્મણ – બાપુને મળવા ગયા હતા. તેમણે જોયું કે બાપુના ગળામાં એક ખૂબજ મોટો ઝગારા મારતો નિલમ, માણેક હીરાનો હાર હતો. તેઓએ પૂછયું કે, “બાપુ આ હાર કયાંથી ?” બાપુ કહે કે, “કોઈ દેવતા આવીને પહેરાવી ગયા હશે.”

આ દુનિયામાં કોઇ ચમત્કાર નથી કે કોઇ વસ્તુઅશકય નથી. તપ, તપસ્યા, સિદ્ધિ જેમ જેમ ઊંચી ભૂમિકા પર જાય તેમ તેમ નીચેની ભૂમિકા વાળાને બધુંજ ચમત્કાર દેખાય. હકીકતે સંતોને આ બધું જ સહજ હોય છે. પૂરા વર્ષ આકારા માં આકરી તપસ્યામાં બાપુએ ગાળ્યા અને એક દિવસ ગુફામાં દિવ્ય પ્રકાશ ફેલાઇ ગયો. એ પ્રકાશ એમનાં હૃદયમાં થયો. એ જ્ઞાનનો પ્રકાશ હતો. જીવનનું રહસ્ય, મર્મ, હેતુ, સફળતા સમાઈ ગયાં. એ પ્રકાશ પુંજ ભગવાનનો સાક્ષાત્કાર હતો. થોડા સમય પછી બાપુ આભપરાથી નીચે ઉતર્યા.

ઇશ્વર પહેલા સંતોને દર્શન આપે અને પછી આદેશ આપે છે કે જગતમાં પ્રકાશ ફેલાવો. માણસોને સત્યનો માર્ગ બતાવો. માણસો પર કૃપા કરો.

આભપરા પરથી નીચે ઉતર્યા પછી બાપુનાં જીવનનો ત્રીજો તબકકો શરૂ થયો આ તબકકો હતો – લોક કલ્યાણનો – જન કલ્યાણનો – જ્ઞાતિ ઉદ્ધારનો – જ્ઞાતિ ઉત્કર્ષનો.

જે જે માણસો બાપુનાં સંપર્કમાં આવ્યા તેમની ચેતના જાગૃત થાય માટે બાપુએ પ્રયત્ન કર્યા. ત્યાર પછી બાપુ ચાલતા ચાલતા દ્વારકા ગયા અને ત્યાં ગુફામાં તપ કર્યું. ત્યાં એમને થયું કે હવે મારે દેહ મૂકી દેવો છે. આવો વિચાર તેમણે ચાર વાર કર્યો. પણ તેમનાં ભકતોએ વિનંતી કરી કે બાપુ બ્રહ્મજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર અમારા માટે કરો. અને અમારો ઉદ્ધાર કર્યા વગર આપનાથી જવાય નહીં તેથી – બાપુએ ૬૬ વર્ષ સુધી પોતાનું જીવન લંબાવ્યું.

બાપુએ જોયું કે બર્ડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ ખૂબજ પછાત છે. કારણ શું છે? ગરીબાઈમાં જીવતા, એક સાંધો તો તેર તૂટે જેવી પરિસ્થિતિમાં જીવતાં, જ્ઞાતિજનો ખેતી સાથીપો કરીને જીવન ગુજારતા હતા.

બાપુએ આ પરિસ્થિતિનો ભોગ જ્ઞાતિજનો શા માટે બન્યા તેનું કારણ, જ્ઞાતિજનો દીકરીના પૈસા લેતા તે જાણ્યું. એ સમયમાં કન્યાની અછત હતી. કન્યા જન્મ ખુશીનો અવસર માનવામાં આવતો અને કન્યાના લગ્ન સમયે ૪૦૦ કોરી (તે સમયનું નાણું) વર પક્ષ પાસેથી લેવામાં આવતી.

બાપુએ બતાવ્યું કે દીકરીના પૈસા લે એતો કસાઈ કરતાં પણ બદતર છે. કસાઈ તો બીજાના પશુને મારે છે જયારે આ રીતે પૈસા લેનાર તો પોતાના જ સંતાનને મારે છે. શોષણ કરે છે.

Trikamacharyji Bapu in Natvarએક સમયે નટવરમાં જ્ઞાતિ આગેવાનોએ સભા કરી, બાપુને ત્યાં પધારવા માટે આમંત્રણ આપ્યું કે ‘અહીં પધારો અને અમોને આશીર્વાદ આપો.’

બાપુ એ જણાવ્યું કે “હું તો જ આવું કે જો તમો મારી વાત માનવાના હોય’ બધાજ બાપુની વાત સાથે સહમત થયા. અને બાપુએ ઉપરની વાત સભામાં બતાવી આ રીર્ત જ્ઞાતિ ઉતકર્ષનું પ્રથમ ચરણ આ નટવરની સભા માં ભરાયું. બાપુએ આદેશ આપ્યો છે કે, “જ્ઞાતિ બંધુઓ, દીકરીનાં પૈસા લેવા નહીં. દહેજ પણ લેવું નહીં. દીકરીને કંકુ અને ઘાટડીએ પરણાવવી” બાપુ માત્ર આધ્યાત્મિક ઋષિ જ નહોતા પરંતુ મોટા સમાજ સુધારક પણ હતા.

બાપુએ સભાનાં આગેવાનને કહ્યું કે “નહીં, માત્ર તમે જ નહી, માત્ર નટવર જ નહીં, પણ ગામે ગામે માણસો મોકલીને આ ખબર પહોંચાડો અને દીકરીનાં પૈસા લેવાની એ વાતનો પ્રચાર કરો ”અને એવો આશીર્વાદ પણ આપ્યો કે જે દીકરીનાં પૈસા લેશે નહીં તેઓ સુખી થશે. તેમનો ઉત્કર્ષ થશે.

અને આ રીતે બાપુનાં આદેશ અને આશીર્વાદથી જ્ઞાતિજનો નો ઉતકર્ષ શરૂ થયો.

એક સમયની વાત છે – બાપુ ફૂલઝર પાસે એક રબારી ભાઈને ત્યાં હતા. રબારી ભાઈએ તેમને આગ્રહ કરીને રોકયા અને તેમનું એક આસન બનાવ્યું નાનકડી એવી રૂમ બનાવવી હતી – તેમના માટે વાંસ જોઈતા હતા. રબારી ભાઈ વાંસ લેવા નજીકમાં જંગલમાં ગયા ત્યાં તેઓને જામ સાહેબના માણસો વાંસ કાપતાં જોઈ ગયા અને તેમણે જામ સાહેબને ફરિયાદ કરી અને રબારી ભાઇને દંડ કર્યો બાપુએ કહ્યું કે, “આ ગરીબ રબારીને કનડો નહીં. હું તારું રાજય છોડીને જતો રહું

બાપુ પછી ગોંડલ ચાલ્યા ગયા. અને બરડા પંથકમાં વરસાદ પાડવાનો બંધ થયો. દુકાળના ઓળા ઉત્તરી આવ્યા. જામ સાહેબને થયું કે સંત દુભાયા તેથી વરસાદ પડવાનો બંધ થયો છે.

સંત કદી શ્રાપ આપતા નથી, તેમના હૃદયમાંથી હંમેશા કરુણાનું ઝરણું વહેતું હોય છે. પણ સંતનાં દુભાવાને ભગવાન સહન કરતા નથી.

જેણે ફરિયાદ કરેલી તે રબારીને બોલાવીને જામસાહેબે બાપુને પાછા વાવ પર બોલાવ્યા જે વાવ આપણે ‘બાપુની વાવ” તરીકે ઓળખીએ છીએ.

જામ સાહેબને બાપુના દર્શન કરવાની ખૂબજ ઇચ્છા હતી. બે-ત્રણવાર પ્રયત્ન કર્યા પણ બાપુએ કોઠું આપ્યું જ નહીં બાપુ જામ સાહેબને પાઠ શીખવવા માગતા હતા કે કોઇ દિવસ ગરીબ-નિર્દોષ માણસને પરેશાન નહીં કરો. પ્રજાને રંજાડો નહીં.

એક સમયે બાપુ કિલેશ્વર આવ્યા હતા અને જામ સાહેબના પિતરાઇ ભાઇ દેવુભાઇના બંગલામાં બાપુનો ઉતારો હતો. બાપુ ભજન -ચિંતનમાં તલ્લીન હતા ત્યારે તેમણે ચૂપકીથી દરવાજો બંધ કરી તાળું મારી દીધું અને ઝડપભેર બાપુના દર્શન કરવા જામ સાહેબને બોલાવ્યા જામ સાહેબ પણ ખૂબજ ઝડપથી આવ્યા. કારણ કે તેમને બાપુનાં દર્શન ની ખૂબજ તાલાવેલી હતી.

પણ જેવું બારણું ખોલ્યું જઇને જુએ તો આસન ખાલી, બાપુ ત્યાં નહોતા. આ વાત શકય છે ? આપણને આ વાત ચમત્કાર લાગે ને! આપણું શરીર ભૌતિક છે અને તે બંધ દરવાજામાંથી પસાર ન થઇ શકે, પણ સૂક્ષ્મ જગતની અંદર-શરીર સાધના કરનાર, તપ કરનાર વ્યકિત પોતાનાં શરીરને સૂક્ષ્મ બનાવી શકે તેમજ ભૌતિક વસ્તુ પર કંટ્રોલ કરીને તેમને ખસેડી શકે છે.

બાપુએ કરેલી પ્રચંડ સાધનાની સિદ્ધિનું આ જવલંત ઉદાહરણ આપણી સામે છે અણીમાં ગરીમા મહિમા લધુમાં વગેરે સિદ્ધિઓ બાપુએ પ્રાપ્ત કરેલી હતી.

Sant Shree Trikmacharyji Bapu
પરમ પૂજ્ય બ્રમ્હનિષ્ઠ મહાત્મા શ્રી ત્રિકમાચાર્યજી

આવો જ એક પ્રસંગ બળેજમાં બન્યો હતો. આપણી જ્ઞાતિના આગેવાન જૂઠાભાઈને ત્યાં બાપુ ગયા હતા. હોળીનો સમય હતો. બાપુને કાન મેરા અને આભપરાની હોળી કરવા જવું હતું પણ જૂઠાભાઇ કહે ‘તમને ન જવા દઉં.’

બાપુ કહે ભલે ‘હું મારા રૂમમાં બેઠો છું તું આવતી કાલે ૪ વાગ્યે દરવાજો ખોલજે. ‘જૂઠાભાઇ કહે ‘ભલે’ તેમને તો બાપુને રોકવા હતા ને.

આ તરફ બાપુ કાનમેરા જઇ આવ્યા હોળી કરી આવ્યા. પ્રસાદ લઇ આવ્યા રસ્તામાં એક રબારી સાંઢણી લઇને આવતો હતો. તેમણે બાપુને સાંઢણી પર બેસી જવા કહ્યું બાપુ કહે કે, “તું મારી પાછળ પાછળ ચાલ્યો આવ.” સાંઢણી પર બેસેલ રબારી બાપુની ચાલને પહોંચી ન શકયો અને જોત-જોતામાં રબારીની આંખથી બાપુ ઓઝલ થઈ ગયા,

રબારીભાઇએ આવીને જૂઠાભાઇને કહ્યું કે “બાપુ કાનમેરા આવ્યા હતા.” જૂઠાભાઇ કહે કે ‘બાપુ તો અહીં રૂમ માં બેઠા છે. રૂમ ખોલીને જુએ તો બાપુ બેઠા-બેઠા કીર્તન-ભજન કરે છે. અને પછેડીમાં બાંધેલ પ્રસાદ જૂઠાભાઇને આપતાં કહે છે. “લે જૂઠા કાનમેરાની હોળીનો પ્રસાદ લે.”

જૂઠાભાઇ બાપુના પગમાં પડી ગયા અને વિનંતી કરી, “મારો અપરાધ ક્ષમા કરશો. હું હવે કદી તમારી ઇચ્છા વિરૂધ્ધ રોકીશ નહીં.” આવી હતી આપણા બાપુની શકિત અને સિદ્ધિ.

એક સમયે જૂઠાભાઇ બાપુને બળેજ લઇ જવા માટે આવ્યા. કારણ કે તેમનો દીકરો બિમાર હતો અને તેમને બાપુના દર્શન કરવા માટેની ખૂબજ ઇચ્છા હતી. અને કદાચ છેલ્લી. જૂઠાભાઇ બળદ ગાડું લઈને બાપુને લેવા માટે આવ્યા હતા. જૂઠાભાઇને બાપુએ આશ્વાસન આપ્યું કે તારા દીકરાને કશું થશે નહીં. તેણે તો હજુ ઘણા કામ કરવાના બાકી છે.

રસ્તામાં વેંકળો આવ્યો. બળદને પાણી પીવા અને આરામ કરવા છોડ્યા. બાપુ વેંકળામાં નહાવા ગયા. પાછા આવ્યા ત્યાં બળદને સાપ કરડયો અને બળદ મરવા જેવો થઈ ગયો. જૂઠાભાઇ કહે – “હવે આપણે થોડી રાહ જોવી પડશે. બીજો બળદ આવે તો ગાડું ચાલે.”

બાપુ તો કરૂણાનાં સાગર, બળદ પાસે જઈને કહ્યું “ચાલ ઉભો થા. તારે હજુ અમને બળેજા પહોંચાડવાનાં છે.’ અને બળદ ઉભો થઇ ગયો. આ બાપુની શકિત, સિદ્ધિનું બીજુ ઉદારણ, બાપુ કેટલા દયાળુ, કૃપાળુ, કરૂણા સભર હતા, છે અને હંમેશાં રહેશે.

એક સમયે ભાટીયા ગામમાં શેઠ રતનસિંહ ધરમસિંહનો દીકરો બિમાર થઇ ગયો. મંદિરનાં કોઇ મહારાજશ્રીની પધરામણી તેમના ઘરે હતી. મહારાજશ્રીની સ્વાગતની તૈયારીને તેમને આપવાની ભેટની રૂ ૩૨૦૦ ની થેલીની સેવા વગેરેમાં શેઠ લાગેલા હતા. મહારાજશ્રી ની વિદાય પછી ઘરમાં આવીને જુએ છે તો દીકરો મૃત પડેલ હતો.

શેઠાણી કાળું કલ્પાત કરે છે. કોઇએ કહ્યું કે અહીં ત્રિકમજી બાપુ બિરાજે છે તેમને બોલાવી-દીકરાને આશીર્વાદ અપાવો. દીકરો તરત બેઠો થશે – સાજો થઇ જશે. – બાપુ પાસે જઈ ઘરે પધારવા અને દીકરાને સારો કરવા શેઠે વિનંતી કરી. બાપુ કહે – ‘લેણ દેણના સંબંધો પૂરા થયા. જેમનો જન્મ તેમનું મૃત્યુ નિશ્ચિત છે. ચિંતા ન કરો.”

શેઠ શેઠાણી કલ્પાંત કરતાં વિનંતી કરે છે. ‘અમારો એક નો એક દીકરો આ રીતે ચાલ્યો જાય તે કેમ સહન થાય ?”.

બાપુ તો કૃપાળુ છે વિનંતીથી બાપુનું હૃદય દ્રવી ઉઠયું . રૂમમાં આવ્યાને કહે, ‘બેટા ઉભો થા. તારે ધરમનાં ઘણાં કામ કરવાના છે.’ અને શેઠનો દીકરો આળસ મરડીને જાણે નિંદ્રામાંથી જાગે તેમ બેઠો થયો.

બધા બાપુના પગમાં પડી ગયા. બાપુ કહે કે હું તો વગડામાં રઝળતો એક સાધારણ બ્રાહ્મણ છું. કોઇ સિદ્ધિ, શકિત કે સાધના મારામાં નથી. આ તો ઇશ્વરની, શ્રી હરિની શકિત, કૃપા છે. તમારે પગે લાગવું હોય તો ઇશ્વરને લાગો. જય બોલાવવી હોય તો ઇશ્વરની બોલાવો અને બાપુ ચાખડી પહેરીને ચૂપ ચાપ ત્યાંથી ચાલી નીકળ્યા કેટલો મહાન આત્મા !

આવા બાપુનાં કરૂણા સભર કાર્યથી માણસોના હૃદયમાં શ્રદ્ધા, પ્રેમ, દયા, જાગૃત થયા. ત્રિકમજી બાપુના સંપર્કમાં આવેલ માણસોનાં હૃદય પરિવર્તન થયા. આપણાં બાપુ એ પારસમણી હતા. કે જે તેમના સંપર્કમાં આવ્યા તેમને સોનું નહીં પારસમણી જ બનાવ્યા.

એક સમયે ભેટકડીમાં એક સામાન્ય ખેડૂતને સમાચાર મલ્યા કે બાપુ મજીવાણામાં બિરાજે છે એટલે એમનાં દર્શન કરવા એ મજીવાણા આવ્યા. ત્યાં એમને સમાચાર મળ્યા બાપુ સોઢાણા છે. તો ચાલતા – ચાલતા સોઢાણા પહોંચ્યા. ત્યાં એમને સમાચાર મળ્યા કે બાપુ બીજા કોઇ ગામ બિરાજે છે. બાપુને મળવું તો હતું જ તેથી ગમે તેમ કરીને બાપુ પાસે પહોંચ્યા. તો હાલ હવાલ થઇ ગયા હતા. બાપુએ કહ્યું કે, ચાલ ભાઇ રોટલા ખાઇ લે. ‘ખેડૂતભાઇ કહે ના ભૂખ નથી.’ બાપુ કહે, ‘વડલાની ડાળ પર રોટલા બાંધેલા છે એમાં તારો જીવ છે એટલે તને અહીં રોટલા કયાંથી ભાવે?” ખેડૂતભાઇ બાપુના પગમાં પડી ગયો. બાપુ શી રીતે જાણી ગયા? કે મેં વડલાની ડાળે રોટલા બાંધ્યા છે? બાપુ માણસના વિચારો, અવ્યકત વિચારો જાણી જતા હતા.

આવી રીતે માણસના હૃદયમાં શ્રદ્ધા, પ્રેમ, સંતો પ્રત્યે આદર ભાવ જાગૃત થાય છે. આવી ભાવનાથી માણસની અંદરનો આત્મા જાગી શકે છે.

આપણાં બાપુએ સમાજ સુધારાનાં પણ કાર્યો કર્યા છે.

સંતો પાસેથી કાંઇ શીખવું હોય, કાંઇ અલૌકિક લાભ મેળવવો હોય તો કોઇ પણ જાતનાં આડંબર વગર જેવા છીએ એવાજ તેમની પાસે જવું જોઇએ. જેવી રીતે કાચના કબાટમાં રહેલી વસ્તુ જોઇ શકાય છે. તેમ સંતો પોતાની સિદ્ધિ, સાધના, તપ દ્વારા આપણાં મનમાં રહેલા વિચારો, ઇચ્છા, મનોરથો જાણી શકે છે.

બાપુ હંમેશાં કહેતા કે સ્વઅનુભવ જેવો કોઇ ગુરૂ નથી. ગુરૂની જરૂર અલબત છે, પણ યોગ્ય ગુરૂ ન મળી શકે તો સ્વઅનુભવમાંથી બોધ પાઠ લઇને શીખવાનું. અંતરમાં એકવાર પ્રભુનો સાક્ષાત્કાર થઇ જાય, પછી કોઇ ગુરૂની જરૂરત રહેતી નથી. આ સાક્ષાત્કાર થવા માટે આપણું હૃદય શુદ્ધ, પવિત્ર, વાસના રહિત હોય તે આવશ્યક છે. જ્ઞાનનો ઉપદેશ મેળવવા માટે બહાર ભટકવાની જરૂર નથી.

બાપુએ બર્ડાઇ જ્ઞાતિના ઉત્કર્ષ માટે કન્યા વિક્રય જેવા કુરિવાજો બંધ કરાવ્યો. આભપરાના એ યોગીએ ગ્રામ્યજનો, રબારીઓ, ખેડૂતો, બ્રાહ્મણો, વેપારીઓ, અધિકારીઓ વગેરે – જે કોઇ એમની સમીપ આવ્યું એમને જીવનનો સાચો રાહ બતાવ્યો

એમના જીવનના દુઃખોને દૂર કરી એમનામાં ભગવદ્ભાવ જગાડયો. ધર્મ અને નીતિના સિધ્ધાંતો સરળ ભાષામાં સમજાવી લોકોના જીવનને સન્માર્ગે વાળ્યાં. આ માટે તેઓ પગપાળા જ પ્રવાસ કરતા હતા. ઝૂંપડીઓમાં, નેસડાઓમાં, ખેતરોની વચ્ચે રહીને પણ તેઓ લોકોને જગાડતા રહ્યા. ભવિષ્યની પેઢીને સાચું જ્ઞાન મળે એ માટે પોતાના અનુભવોના નિચોડ રૂપે ‘જ્ઞાન પ્રકાશ’ નામનો ગ્રંથ પણ તેઓ લખાવતા રહ્યા. આ કાર્ય પૂરૂં થતાં એમને એમ લાગ્યું કે હવે પૃથ્વી ઉપરનું તેમનું કાર્ય જાણે પૂરું થયું છે. તેથી તેમણે પૃથ્વી ઉપરથી વિદાય લેવાનું નકકી કર્યુ.

એ વખતે તેઓ આદિત્યાણામાં કરશનભાઇને ત્યાં હતાં. તેમણે કહ્યું, “ભાઈ કરશનજી, હવે અમને જવાની રજા આપો, હવે અહીં પળભર પણ રહેવું નથી.” ના બાપુ, એમ ન જવાય તો પછી અમારા બધાનું શું થશે ? અમારે હજુ આપની બહુ જરૂર છે. કરશનજી ભાઇએ કહ્યું.

“જરૂર હતી, ત્યારે તમારા સહુના આગ્રહથી મેં ત્રણ ત્રણ વખત જવાનું મુલતવી રાખ્યું હતું, પણ હવે રોકાવાય તેમ નથી” બાપુએ કહ્યું. વધારામાં ઉમેર્યું, “હું કહું છું ને કે હવે તમે અમારા જવા માટેની તૈયારી કરો.”

“આજે અગિયારસ છે”

“અરે બાપુ આજે ને આજે જ? એ શી રીતે શકય બને ? એક તો આદિત્યાણા જેવડું નાનું ગામ એમાં અગર, ચંદન શ્રીફળ એ બધું પૂરું મળે નહીં. વળી ગામમાંથી આપણા સંબંધીઓ જુનાગઢ શિવરાત્રીના મેળામાં ગયા છે. તો હું એકલો બધે નહીં પહોંચી વળું. બાપુ બે ચાર દિવસ થોભી જાઓ.” કરશનજીભાઇએ આજીજી કરતાં કરતાં કહ્યું

“અરે, ભાઇ ટાણું આવે ત્યારે કોઇ રોકી શકતું નથી જેનો જન્મ છે, તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે.”

‘પણ બાપુ, તમે તો સિદ્ધ યોગી છો. મૃત્યુ તમારા વશમાં છે. અને બાપુ પછી અમે કોની પાસે દોડી જશું ? અમારા દુઃખ કોણ દૂર કરશે? ત્યારે બાપુએ કહ્યું, ‘ભલે હું શરીરથી તમારી પાસેથી જતો રહીશ, પણ એકબીજા સ્વરૂપે તો હું તમારી વચ્ચે જ રહી. બસ પછી કંઈ? હવે તૈયારી કરો બાપલા’

‘ના બાપુ આજે નહીં, જુનાગઢથી બધાંને આવી જવા દો”
“ઠીક તો પછી બધાંને જુનાગઢ ખબર મોકલાવીને તેડાવી લો. પોરબંદરથી બધી વસ્તુઓ મંગાવી લો”

બાપુએ પોતાની મહાસમાધિને બે દિવસ મુલતવી રાખી. તે દરમ્યાનમાં સંદેશો મળતાં જુનાગઢથી બધાં ભકતો આવી ગયા. કરશનજીભાઇએ બધી વસ્તુઓ પોરબંદરની મંગાવી લીધી. મહાશિવરાત્રીના દિવસે બાપુએ જાણ્યું કે હવે બધી તૈયારી થઈ ચૂકી છે. એટલે મહાસમાધિની ઘડી પણ તેમણે નકકી કરી લીધી. તે દિવસે ઘણાં લોકો બાપુના દર્શને આવ્યા. બાપુ તો ખૂબ જ સ્વસ્થ હતા. એટલે કોઈ જાણી શકાયું નહીં કે આ બાપુના છેલ્લા દર્શન છે. હવે પછી આ મધુરવાણી સાંભળવા નહીં મળે. શિવરાત્રીનો આખો દિવસ ખૂબ જ આનંદમાં ગયો. મોડી સાંજે બાપુ મેડીએથી નીચે ઊતર્યા અને બોલ્યા. “હવે ઉપર જવું જ નથી. કહીને હિંડોળા પર બેઠા. ત્યારે પણ ખૂબ જ સ્વસ્થ અને પ્રસન્ન હતા. ધીમે ધીમે ઊંડી સમાધિમાં લીન થઇ ગયા. જયારે જાગ્યા ત્યારે રાત્રીના અગિયાર વાગ્યા હતા. તે સમયે તેમણે કહ્યું, “કરશનજી હવે તૈયારી કરો. સમય થઇ ગયો છે.”

Samadhi of Trikmacharyji Bapu“બાપુ, શી તૈયારી કરૂં? મને તો કંઇ ખબર પડતી નથી.” હાથ જોડીને કરશનજીભાઇ બાપુની સામે ઉભા રહ્યા પછી બાપુની સૂચના પ્રમાણે ગાયના છાણથી જમીન લીપી ઉપર દર્ભ મૂક્યું. બાપુ તેના ઉપર ૐ બોલીને સૂઇ ગયા. આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને બ્રહ્મરંધ્રમાંથી એ મહાન આત્મા શરીરનું પિંજર છોડીને ચાલી નીકળ્યો એ સમયે સમગ્ર વાતાવરણ સુગંધથી મહેંકી ઊઠયું. આકાશમાં એક તેજસ્વી તારો તેજનો લીસોટો કરતો આકાશગંગા તરફ જતો અદશ્ય થઇ ગયો. ત્યાં હાજર રહેલા સહુ દિમૂઢબની ગયા! શું મૃત્યુ આટલું બધું સહજ હોઇ શકે? જાણે બહારગામ જતા હોય એટલી સહજતાથી શરીર છોડી દીધું! પોતાના શરીર પ્રત્યે પણ જરાય મમત્વ નહીં! કેવી અનાસકિત ! પછી એ દિવ્ય શરીરના અગર ચંદનની ચિતામાં અગ્નિ સંસ્કાર કર્યા પંચમહાભૂતનું શરીર પંચમહાભૂતમાં ભળી ગયું.

ભલે આજે આપણી વચ્ચે બાપુ સદેહે નથી, પણ સૂક્ષ્મ દેહે, જ્ઞાન દેછે, અક્ષર દેહે તેઓ આપણી વચ્ચે જ છે. તેમના વચનો આજે પણ એટલાં પ્રસ્તુત છે. એમની વાણી આજે પણ આપણને સમાર્ગે લઈ જાય છે.

બાપુના વિચાર ખૂબજ સરળ અને હૃદય સ્પર્શીછે. બાપુ કહેતા – સાચું બોલો, સારૂં બોલો, ‘વાસનાથી મુકત થાવ, ચિત્તને શુદ્ધ રાખો અને સતત હરિનું નામ જપો.’ આટલું કરવાથી મન સતત ઈશ્વરનું સાનિધ્ય અનુભવે છે. અને શાંતિનો અનુભવ થાય છે.

વાસનાનું ખપ્પર લઇને જીવ ૧૪ બ્રહ્માંડમાં ભટકયા જ કરે છે. જો મુકિત જોઇતી હોય તો માણસે પોતાની અંદર રહેલ જ્ઞાનને જગાડવું જોઈએ.

બાપુ કહેતા કેપવર્ષ સુધી મેં જીંદગીમાં નિઃસ્વાર્થ, નિષ્પાપ માણસની શોધ કરી. સંત, ફકીર, રાજા, સાધુ ઓલિયા, રંક જોયા દરેકમાં કોઇને કોઇ પ્રકારનો સ્વાર્થ રહેલો જોયો. શુદ્ધ, નિષ્પાપ, નિઃસ્વાર્થ માણસ કોઇ જોવા ન મળ્યો. એટલે જેમને ઇશ્વર તત્વ, પરમાત્મા વિશે જાણવું છે. તેમના માટે ‘જ્ઞાન પ્રકાશ’ મુક્તો જઉં છું. કે જેના દ્વારા માણસ આત્મખોજ કરી જીંદગીનાં વમળમાંથી રસ્તો શોધી ઇશ્વરને પામી શકે. આ પુસ્તક ‘જ્ઞાન પ્રકાશ’ માંથી જે કોઇ જ્ઞાન લેશે અને આચરણમાં મૂકશે. તેને ઇશ્વર, સત્ય, પરમાત્મા, પરમ ચૈતન્યનું ચૈતન્ય જરૂર પ્રાપ્ત થશે.

બાપુ કહેતા કે સમાજમાં ઢોંગી, ધૂતારા, છળ-કપટ કરવાવાળા ખૂબજ છે. તેમનાંથી સતત બચતા રહેવું આ માટે એક ઉદાહરણ બતાવે છે કે

એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હતા. તેમને ધન કમાવવાની ખૂબજ લાલસા હતી. ધન મેળવવા તેઓએ એક નુસખો કર્યો. મોટા પંડિત, શાસ્ત્રી, વિદ્વાન હોવાનો પ્રચાર કર્યો. રાજાનાં રાજમહેલમાં રાજકુમાર અને રાજકુમારીને ભણાવવા જવાનું શરૂ કર્યું. રાણીનો સ્નેહ પ્રાપ્ત કર્યો. પણ ઇચ્છા મુજબનું ધન મળતું ન હતું. એક દિવસ તેમણે પેંતરો રચ્યો. તેમની પાસે એક જડીબુટ્ટી હતી કે જે ખાવાથી માણસ ત્રણ દિવસ નિશ્ચિત બની જાય. પોતાના દીકરાને એ જડીબુટ્ટી ખવડાવી અને એ નિશ્ચંત બની ગયો.

માં એ કલ્પાંત શરૂ કર્યું. મગરના આંસુ. રડવા લાગી કે મારો એક નો એક દીકરો છે. એને કાંઇક થઇ ગયું એમને સાજો કરી દો.

રાજાનાં મનમાં લાગી આવ્યું કે આતો બ્રાહ્મણ, પંડિતનો દીકરો અને વળી રાજકુમાર, રાજકુમારીનો ગુરૂ એટલે એમણે ઢઢેરો પીટાવ્યો કે આ છોકરાને સાજો કરે તેમને એક લાખ સોના મહોર આપીશ.
ત્યાં ગામમાં એક મંદિર હતું ત્યાં એક સાધુ આવ્યા હતા. ગામના જોશીએ બતાવ્યું હતું કે મંદિરમાં સાધુ આવશે તે આ બ્રાહ્મણનાં દીકરાને સાજો કરશે. બધા સાધુને લઈ આવ્યા અને દીકરાને સાજો કરવા કહ્યું. આ વાત બની ત્યાં જડીબુટ્ટી ખાવાને ત્રણ દિવસ પૂરા થવા આવ્યા હતા. બ્રાહ્મણ, સાધુ અને જયોતિષ ત્રણે આવીને દીકરાને હોંશમાં લાવવા પ્રયત્ન કરવા લાગ્યા અને પ્રયત્ન – સફળ થયો હોય તેમ દીકરો હોંશમાં આવી ગયો. આળસ મરડીને બેઠો થયો. રાજાએ એક લાખ સોના મહોર સાધુને આપી. સાધુએ ન લેતા કહ્યું કે મારે શું કરવું છે? હું તો સાધુ છું. જોશીને આપો. જોશી કહે કે મારે શું કરવું છે? બ્રાહ્મણને આપો. રાજા તો ખુશ થઇ ગયો. અને બ્રાહ્મણને સોનામહોરો આપી. અને રાત્રે ત્રણે જણાએ મળીને સોના મહોરો વહેંચી લીધી. સાધુ અને જ્યોતિષ બન્ને બ્રાહ્મણના ભાઇ હતા. બાપુ કહે છે કે આવી આવી પ્રયુકિતઓ કરીને માણસને છેતરવાનો પ્રયત્ન ઢોંગી અને ધૂતારાઓ કરતા હોય છે. તેમનાથ સદા સાવધ રહેવું.

બીજું એક ઉદાહરણ આપતા બાપુ કહે છે કે –

એક ખૂબજ મોટો પંડિત હતો. પોતાના લાવલશ્કર સાથે એક ગામથી બીજા ગામ ફરે. શાસ્ત્રાર્થ કરે. પંડિતોને હરાવે. રાજા પાસે માન, ધન, કીર્તિ મેળવતો વિજય ડંકા વગાળતો આગળ જાય, આમ ગામ પસાર કરતાં એક ગામમાં આવે છે.

એક દિવસ સાથે રસોઇ બનાવવા વાળાને કહે કે મેં બહુ સમયથી કોબીનું શાક નથી ખાધું. કોઈ માણસ પાસે કોબી મંગાવી, પણ કોબી ખૂબજ મોટી આવી હતી. સૌથી છેલ્લે કોબીનું શાક બનાવવા વિચાર્યું. પહેલા બધીજ રસોઈ બનાવી. છેલ્લે કોબી લઇને શાક સમારવા શરૂ કર્યું. કોબીના એક પછી એક પાંદડા ખોલતા ગયા. આખી જ કોબી ખોલી નાખી પણ એને કોબી ન મળી તે ન જ મળી. બધા પાંદડા જ મળ્યા પછી વિચાર્યું કે કોબી તો મળી નહીં, પાંદડાનું જ શાક બનાવું જેમ તેમ કરીને શાક બનાવ્યું.

જમવા સમયે પંડિત કહે આવું તે કાંઇ શાક હોય? ન સ્વાદન સુગંધ, રસોઇયો કહે કે પંડિતજી, “હું કોબી શોધ તો હતો પણ ન મળી એટલે વિચારે ચડયો કે પંડિતજી આટલાં પુસ્તકો વાંચે છે – થોથાં ઉથલાવે છે પણ સાર-તત્ત્વ એમની પાસે કયાં ?”

અને રસોઇયાનાં આટલા શબ્દો સાંભળ્યા અને પંડિતજી જાગી ગયા. પોતાની આટલા વર્ષની મહેનત પાણીમાં ગઇ એ સત્ય સમજાઈ ગયું કે આટલા શાસ્ત્રાર્થ પછી પણ સાર તત્ત્વ મહ્યું નથી. અને એજ મિનિટે સાર-તત્ત્વની શોધ માટે જંગલમાં ચાલ્યા ગયા.

બાપુ કહે છેકે આપણે રસોઇયાની માફક સંસારી વસ્તુમાં માયાના વમળમાં કોબી શોધવા માટે પાંદડા ખોલીએ છીએ. પણ જેમ કોબી મળતી નથી તેમ સાર તત્ત્વ પણ મલતું નથી.

આવાં ઘણાં બધાં ઉદાહરણ બાપુએ આપણને આપેલા છે કે જેનાં દ્વારા આપણને ઇશ્વરપ્રાપ્તિનો માર્ગ મળે. માર્ગ પર ચાલવા પ્રેરણા મળે અને માર્ગ પર આગળ વધી ઇશ્વર – બ્રહ્મ – સત્ય – પરમાત્મા મેળવી શકીએ,

બાપુના જ્ઞાન પ્રકાશ’ પુસ્તકમાં ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, જયોતિષ, નક્ષત્ર, રાશી, સંધ્યા, ગ્રહો તેમજ બ્રહ્માંડ અને તેની ઉત્પતિ વિશે સરળ માહિતી બાપુએ આપી છે.

યોગી, સંત આધ્યાત્મિક પુરૂષના જ્ઞાનના કોઇ સીમાડા નથી હોતા. તેમની ચેતના આજે પણ છે. સંતો પોતાનું ભૌતિક શરીર છોડી દે છે. પણ સૂક્ષ્મ શરીરથી હંમેશા વિચરણ કરતા હોય છે. કારણ કે સાધના તપ, તપસ્યા દ્વારા તેઓ વિશ્વના કોઈ પણ ખૂણે સૂક્ષ્મ શરીરથી આવી જઇ શકે છે. મતલબ કે આપણે તેમની પવિત્ર હાજરી કોઇ પણ જગ્યા પર અનુભવી શકીએ છીએ. હા, જરૂર છે માત્ર એ શકિત વિકસાવવાની.

શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાથી માણસ સંતોની આ સતત સર્વત્ર, સર્વદા વહેતી ચેતનાને અનુભવી શકે છે. બાપુની આ પવિત્ર ચેતના પણ સદા વહેતી રહે છે. જ્ઞાતિજનોને પ્રેરણા આપવા ઉત્કર્ષ માટે તેમજ પરમ પવિત્ર પરમાત્માનાં માર્ગ પર ચાલવા મદદ કરવા, બસ પ્રેમથી પુકારવાની જ જરૂર છે.
– સંતો પૃથ્વી પર આવે છે જ એ માટે કે આપણી અને પરમાત્માની વચ્ચે વાસના વૃત્તિ, વૃત્તિ, છળ, કપટનો જે પડદો છે તેમને પાતળો કરે છે.

અને ધીમે ધીમે ઓગાળી નાંખે છે. પૃથ્વી પરનાં દરેક મનુષ્યમાં રહેલી ચેતના જાગે અને પરમ ચેતના પ્રાપ્ત કરી શકે તે માટે સંતો પૃથ્વી પર અવતરણ કરે છે અને આવવાનું ચાલુ જ રાખે છે. વારંવાર સાધના કરે છે. સિદ્ધિ મેળવે છે.અને માણસને ભગવતોમુખ કરે છે.

આવા આપણા આ બાપુને આપણા શત્ કોટી વંદન.

નાનું બાળક જેમ માના આંચલમાં છુપાઈને નિશ્ચિત બની જાય, પ્રેમ વાત્સલ્યને માણે તેમ આપણે પણ બાપુએ બતાવેલ પરમ સત્યના રસ્તા પર ચાલીને જીવનમાં ઈશ્વરની કરૂણા, પ્રેમ, કૃપા મેળવવા પાત્ર બનીએ.

|| પરબ્રહ્મ પ્રભુ હરિ ૐ સાક્ષાત્.
હરિ ૐ તત સત્ પરબ્રહ્મ પ્રભુ ||

નોંધ: ઉપર રજૂ કરેલ ત્રિકમાચાર્ય બાપુ નું જીવન કાર્ય, વાચકોની રિકવેસ્ટ ને ધ્યાનમાં લઇ ત્રિકમાચાર્ય બાપુ ની વેબસાઈટ પર મળેલ પુસ્તક બાપુ નું જીવન કાર્ય માંથી શબ્દસહઃ લીધેલ છે, જેના સર્વે હકો પ્રકાશક ને આધીન છે. પૂજ્ય ત્રિકમજીબાપુ નું જીવન કાર્ય, પ્રકાશક શ્રી અશ્વિનભાઈ એ મોઢ
સમગ્ર માહિતી સૌજન્ય: www.trikamjibapu.com, બ્રમ્હદેવતા ત્રિકમજી બાપુ યૂટ્યૂબ ચેનલ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators