જયારે સૌરાષ્ટ્ર “યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ” તરીકે ઓળખાયું
૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જૂનાગઢ રાજ્ય સહિત કાઠિયાવાડનાં ૨૧૭ રજવાડાઓનું એકીકરણ કરી ને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી. ત્યારે તેને ’યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ’ તરીકે ઓળખાવાયું. નવેમ્બર ૧૯૪૮માં તેનું ’સૌરાષ્ટ્ર રાજ્ય’ તરીકે નવું નામકરણ થયું. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સ્થાનિક રજવાડાં અને સુબાઓ (જે કુલ મળીને ૨૨૨ હતા)ને સહમત કરવા સરદાર વલ્લભભાઈ પટેલે ખુબ જહેમત ઉઠાવી હતી. જો કે, ભાવનગર/ગોહિલવાડ રાજ્યના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમનું વિશાળ રાજ્ય સામેથી સરદાર પટેલને ભારતીય સંઘમાં ભેળવવા માટે અર્પણ કર્યું, અને આમ ભાવનગર ભારતીય સંઘમાં ભળનાર પ્રથમ રાજ્ય બન્યું.
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું. ઉચ્છરંગરાય ઢેબર (૧૯૦૫-૧૯૭૭) સૌરાષ્ટ્ર રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેઓ પછીથી ૧૯૫૫ થી ૧૯૫૯ દરમ્યાન ભારતીય રાષ્ટ્રિય કૉંગ્રેસના પ્રમુખ બનેલા. તે પછી ૧૯ ડિસેમ્બર ૧૯૫૪માં રસિકલાલ પરીખે આ પદ સંભાળેલું.
૧ નવેમ્બર ૧૯૫૬માં સૌરાષ્ટ્ર રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થયું. ૧૯૬૦માં મુંબઈ રાજ્યના ભાષા આધારીત ભાગલા પડ્યા અને ગુજરાત તથા મહારાષ્ટ્ર એમ બે નવા રાજ્યોની રચના થઈ. પૂર્વ સોરઠ કે જૂનાગઢ રજવાડા સહીતનો સૌરાષ્ટ્ર વિભાગ હાલ ગુજરાત રાજ્યનો જ એક ભાગ છે.
જય સૌરાષ્ટ્ર || જય કાઠીયાવાડ || જય માં ભોમ