સિદ્ધ યોગી નું જીવન ચરિત્ર: સંત રતનદાસ – (ગુરુ ભાણદાસ)
સંત રતનદાસ એટલે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના દલડી ગામે જન્મેલા પરમ સન્યાસી. તેઓ જ્ઞાતિએ રાવળ હતા. તેમના પિતા દેવા ભગત અને માતા રાણીમાં હતા. ગુરુ રામાનંદ ની ધારામાં શિષ્ય અનંતાનંદ જે જયપુરમાં થયા તેમની ધારામાં ગલતા સ્થાન જયપુરમાં ઘણા સંતો થયા આ ધારામાં પયહરી બાબાના શિષ્ય દેવમુરારી થઇ ગયેલા તેના શિષ્ય જીવણ સિંહ રાઠોડ (ગલતાપતી) એટલે ગોંડલ માં જેમની સમાધી છે તે લોહલંગરી મહારાજ અને તેના શિષ્ય અમરેલી ના સંત મુળદાસ. મુળદાસ ના શિષ્ય અમરેલી તાલુકાના સંત ભાણદાસ આ ભાણદાસ અને ભાણસાહેબ બંને અલગ સંતો છે.
સંત ભાણદાસ ના શિષ્ય એટલે સંત શ્રી રતનદાસ, સંત રતન દાસ નું મૂળ નામ રત્નો હતું. તેમણે માત્ર પાંચ ચોપડી અભ્યાસ કરેલ. જે અરસામાં પોતાની નાની ઉંમરમાં પોતાના પિતાનું અવસાન થયું. સંત રતનદાસે ગામની ગાયો ના ગોવાળ તરીકે રહી જીવનનિર્વાહની શરૂઆત કરી હતી,
એક દિવસ એવું થયું કે ગામના કોઈ મેઘવાળ ની ગાય કીચડ ભરેલા ખાડામાં પડી ગયેલી અને તેમનાથી ગાય નીકળી નહીં જેથી કેરીને મેઘવાળ વાસના માણસો ને બોલાવી સાથે મળી તેમણે ગાયને બહાર કાઢી, તે વખતમાં આભડછેટ લોકોના મનમાં ઘર કરી ગયું હતું. ગામ લોકોએ તેમને ઠપકો આપી નાતની બહાર મૂક્યા.
ગુજરાન અર્થે માતુશ્રી સાથે જામનગર જિલ્લાના હડીયાણા ગામે રહેવા ગયા, ત્યાં થોડા સમયમાં તેમના માતુશ્રીનું પણ અવસાન થયું. તેઓ નિરાધાર બની ગયા, માતાની અંતિમ ક્રિયા કરી કુળદેવી મોમાઈ માતા ને યાદ કરી દેવ દર્શને જવા માટે જામનગર થી જુનાગઢ આવ્યા. જૂનાગઢમાં ઉપરકોટ, નરસિંહ મહેતાનો ચોરો એવા સ્થળોના દર્શન કરી દામોદર કુંડમાં સ્નાન કરી ગિરનાર તળેટીમાં ગયા. તે સમયે શિવરાત્રીનો મેળો ચાલતો હતો. અસલ સંતો તળેટીમાં રાવટીઓ નાખી ભજન-ભોજન કરાવતા હતા. અમરેલી તાલુકાના પીપળલગ ગામના સંત ભાણદાસ ની રાવટી એ જઈ રાતનદાસ સેવા ચાકરી કરવા લાગ્યા. સંત શ્રી ભાણદાસનું ધ્યાન આ સેવા કરતા યુવક ઉપર પડ્યું તેમણે રતનદાસ ને પાસે બોલાવ્યા અને પ્રેમથી એમનું નામ અને ગામ પૂછ્યું, રતનદાસે જે હકીકત હતી તે સંત ને જણાવી, સંત ભાણદાસ નું હૃદય દ્રવી ઉઠ્યું.
મેળો પૂર્ણ થતા સંત ભાણદાસ રાતનદાસને પોતાની સાથે પીપળલગ આશ્રમે લઈ ગયા. ગામમાંથી ટુકડો માંગવો, ગાયોની સેવા કરવી વિગેરે કામ રતનદાસ ખંતથી કરવા લાગ્યા. સંત ભાણદાસ તેમની સેવાથી ખુશ થઈ માળા પહેરાવી અને દીક્ષા આપી. સાધનાની સમજ આપી અને રત્ના માંથી રતનદાસ નામ આપ્યું.
તેઓ સાધના કાળમાં હતા તે દરમિયાન પીપળલગમા ટુકડો ઉઘરાવતા એક સ્ત્રી મોહિત થઈ ગઈ હતી. માતા અને બહેન કહી હાથ જોડી મોહિત સ્ત્રીને ત્યાંથી તેમણે નીકળી જવું જોઈએ તેવું રતનદાસે વિનંતી પૂર્વક કહ્યું. પરંતુ સ્ત્રી માની નહીં અને સુરદાસ ની જેમ બંને રત્નોને નુકસાન કરી રતનદાસ સૂરદાસ બન્યા તેઓ ખુબજ સુંદર હતા તેથી મોહિત થયેલ સ્ત્રી તથા ગુરુને આ વાતનું ખૂબ દુઃખ થયું. રતનદાસ સૂરદાસ થવાથી ગુરુની સેવા કે ટહેલ કરી શકતા નો હતા જેથી ગુરુની આજ્ઞા લઈ પીપળલગ ગામ છોડ્યું.
ગુરુ ભાણદાસ કરુણાવાન હતા તેમણે કહ્યું જે ગામને ગોંદરે ચોખા અને શ્રીફળ મળે ત્યાં રોકાઈ જજે હનુમાન દાદા તારી સાથે રહેશે. અમરેલી જિલ્લાના મોટા માચિયાળા ગામે ચોખા અને શ્રીફળ મળ્યા તેથી ત્યાં રોકાઈ ગયા. તે સમયમાં રામજી મંદિરના પૂજારી આણંદ રામ ગોંડલીયા હતા તેમણે રતનદાસ બાપુ ને ભોજન-ભજન તથા રહેવાની વ્યવસ્થા કરી આપી, ગામના મુખી મૂળજીભાઈ તળાવીયા (પટેલ) તથા લાધા બાપા ગોર સાધુ સંતના પ્રેમી હતા. બધા રતનદાસ બાપુ ની સેવામાં લાગી ગયા તેઓ સતત ધ્યાન ભજન કરવા લાગ્યા જાગ્રત થયા.
સંત રતન દાસ ની સમાધી મોટા માચિયાળા ગામે આવેલ છે. ત્યાં સંતનું સ્વર બદલવાનુ લાકડું-કરતાલ, ઝોળી વિગેરે દર્શન માટે આજે પણ હયાતછે.
સંત રતનદાસબાપુ ના વખતમાં રામવાળો બહારવટે ચડ્યો હતો પરંતુ તેણે મોટા માચીયાળા ગામ ભાંગ્યું નહીં રામવાળા એ કહ્યું “હું તો રાવળ જોગી રતનદાસ બાપુ નો દાસ છું” આ સાચા સંતના ભજનનો પ્રતાપ ગણાય.
સંવત ૧૮૮૫ ના શ્રાવણ વદ અને ૮ કૃષ્ણ જન્મોત્સવના દિવસે રતનદાસબાપુ એ ગામના મુખી શ્રી મુળજી પટેલ, અને આણંદ રામજી અને શિષ્ય હરિદાસજી તેમજ ભજન પ્રેમી ગામજનો ને બોલાવીને કહ્યું કે મારે શ્રાવણ વદ ની અગિયારસ ના દિવસે ગામના ગોંદરે ભજન માટેની ગુફા બનાવી છે અને ત્યાં જ મારે સમાધિ લેવાની છે.
ઘડીકમાં તો ગામ લોકોને ભરોસો ન આવ્યો. પરંતુ બાપુએ જેમ કહ્યું હતું તે પ્રમાણે જ સવંત ૧૮૮૫ની શ્રાવણ વદ ૧૧ ને દિવસે સવારે વહેલા ચાર વાગ્યે ઉઠી ત્રિવેણી નદીમાં સ્નાન કરી અને નવા વસ્ત્રો પહેરી, આનંદ રામજી ને રતનદાસબાપુ એ જગાડ્યા, પોતાના હાથમાં શ્રીફળ લઈને ઉભા રહી ગયા અને સત્સંગીઓ શિષ્યો, ગામના લોકો ભેળા થયા. વાજતે અને ગાજતે ધૂન તથા ગરબી ઓ બોલતા બોલતા સર્વે સમાધી સ્થળે પહોંચી ગયા. બધા એ ગુરુદેવ ભાણ સાહેબની જય બોલાવી અને સંત શ્રી રતનદાસ બાપુ પંચભૂત નું ખોળીયુ ખાલી કરી બ્રહ્મતેજ માં તેજ ભેળવી કાયમ અમર થઈ ગયા. ગામલોકોએ ગાયત્રી મંત્ર નો નાદ કર્યો તથા માટી મીઠું, ફૂલો અર્પણ કરી સમાધિને પુરી. આ સમયે બાપુ નો ખાસ સ્નેહી અને મિત્ર મુખી મુળજી પટેલ હાજર રહી શક્યા નહીં. એટલે સમાધિ લીધા બાદ ચિતલ ગામ ના સીમાડે મૂકી ને દર્શન આપી કમંડળ, લાકડી, ચીપીયો, ઝોળી, માળા આપ્યા.
આજે પણ દર વર્ષ શ્રાવણ વદ અગિયારસના દિવસે બાપુની નિર્વાણ તિથિ નો ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવમાં સાધુઓને પ્રસાદ અને ભેટ તથા બાળકોને બટુક ભોજન કરાવાય છે.
સંત રતનદાસની શિષ્ય પરંપરા તથા મહંતો ની યાદી
- પ્રથમ શિષ્ય હરિદાસજી મહારાજ (મોટા માચીયાળા)
- મહંત આણંદરામજી
- મહંત ગોવિંદરામજી
- મહંત રઘુરામજી
- મહંત ગીગારામજી
- મહંત ભીખારામજી
- મહંત દિનેશરામજી
- ચેતનરામજી હાલના મહંત છે.
સંત રતન દાસ ની આત્મજ્ઞાન વાણી
જાવુ છે નિરવાણી આત્માની કરી લે ઓળખાણી,
ચેતન હારા તમે ચેતજો જાવુ છે નિરવાણી
માટી ભેગી માટી થાશે પાણી ભેળુ પાણી
કાચી કાયા તારી કામ ન આવે થાશે ધૂળધાણી
રાજા જાશે પ્રજા જશે જાશે રૂપાદે રાણી,
ઇન્દ્રનું ઈન્દ્રાસન જાશે જાશે બ્રહ્માને બ્રહ્માણી
સોનાવરણી કાયા તારી, પિતલ વરણી પેની.
મુવા પછી તને સળગાવી દેશે ઊડી જાશે વાની
લંકા જેવું રાજ જેને ઘરે મંદોદરી રાણી,
ચાંદો સુરજ જેની ચોકી ભરે એની ભોમકાભેળાણી
અવિચળ રાજ ધ્રુવને આપ્યું, દાસ પોતાનો જાણી,
ગુરુ પ્રતાપે બોલ્યા રતનદાસ અમર રહેજો એની વાણી
– સંત રતનદાસ ને કોટી કોટી પ્રણામ
એલ. એમ ભટ્ટી. (અમરેલી) ના જય સીતારામ
માહિતી સૌજન્ય: સંત શૂરા અને સતીઓ ગ્રુપ | 卐 વિરમદેવસિહ પઢેરીયા 卐