સૌરાષ્ટ્ર એટલે એક એવો પ્રાંત કે જે ગુજરાતનું ધબકતું હૈડું (હૃદય) કહેવાય છે, સૌરાષ્ટ્ર નો અર્થ સમજીયે
સુ (સારો) + રાષ્ટ્ર (દેશ) = સુંદર દેશ એવો થાય છે.
સૌરાષ્ટ્ર નો શાસ્ત્રો અને પુરાણો માં ઉલ્લેખ
ભગવદ્ગોમંડલ અનુસાર યજુર્વેદની મધ્યન્દીની શાખાની સંહિતામાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યે સૌરાષ્ટ્ર દેશ નો નિર્દેશ કર્યો છે,
પુરાણો વિભાગમાં જઇયે તો સાતમા પુરુષ તરીકે ઓળખાતા મનુ વૈવસ્વતના પુત્ર શર્યાતિના પુત્ર આનર્તે આ રાષ્ટ્રની સ્થાપના કરી તેનું નામ આનર્ત પ્રદેશ રાખ્યું હોવાનું કહેવાય છે, જેનું મુખ્ય મથક હતું (કુશાવતી),
હરિવંશ ના ઉલ્લેખ અનુસાર આનર્ત રાષ્ટ્ર બે ભાગમાં વહેચાયેલું હતું ૧) સૌરાષ્ટ્ર અને ૨) અનુપ જેનું મુખ્ય શહેર ગિરિપૂર હતું.
સૌરાષ્ટ્રમાં ઊંચામાં ઊંચો પર્વત એટલે ગિરનાર) તે પરથી અનુમાન કરીશકીએ કે આનર્ત રાષ્ટ્રના મુખ્ય શહેર ગિરિનાર જેવું કોઈ શહેર હાલના જૂનાગઢની નાજુક હશે.
મહાભારત અને પાણીનીના ગણપાઠમાં સુરાષ્ટ્ર નામ છે, એ જ નામ વિક્રમ સંવત ૨૦૬ના રુદ્રદામાના તેમજ વિક્રમ સંવત ૪૯૨ના સ્કંદગુપ્તના શિલાલેખોમાં તથા વલ્લભીના તામ્રપત્રોમાં મળે છે.
ઈ. સ. પૂર્વે 3600નો સમય એટલે આર્ય સંસ્કૃતિનો સમય, તે વખતે સિંધુમુખ એટલે સૌરાષ્ટ્રની આજુબાજુ અનાર્યો વસતા અને સૌરાષ્ટ્રમાં આસુરી સંસ્કૃતિ ફેલાયેલી હતી એવું એક મંતવ્ય છે.
આ ઉપરાંત ઋગ્વેદના પહેલા મંડળ ના 133 સૂક્ત અનુસાર સ્વરાટ નામ નો ઉલ્લેખ છે જે સૌરાષ્ટ્ર હોવો જોઈએ
એ કાળ માં દૈત્ય, નાગ, દાનવ, દસ્યુ આવા અસુરોના પેટા પ્રકારો હતા તે સર્વે સૌરાષ્ટ્રમા આવી જાય છે.
બીજું એક એવું પણ વિધાન છે કે સૌરાષ્ટ્ર બે હાજર વર્ષો પહેલા એક દ્વીપકલ્પ નહિ પણ ટાપુ હતો
કચ્છ ના રણની જગ્યા એ સમુદ્ર હતો. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે સૌરાષ્ટ્ર દેશ એક કાળે બેટ હતો તેનો જે ભાગ અત્યારે ગુજરાત પ્રાંતની ખંડસ્થ ભૂમિ સાથે જોડાયેલો છે ત્યાં પણ સમુદ્ર હતો, જે ખંભાતના અને કચ્છના અખાતને જોડતો હતો અને સિંધુ નદીનું મુખ ખંભાતના અખાતને મળતું હતું.
વઢવાણ અને ભાવનગર વચ્ચેની સદકનું ખોદકામ ચાલતું હતું ત્યારે ત્યાંથી વહાણનો કુવાસ્તંભ નીકળી આવ્યો હતો. જે આ પ્રદેશમાં પૂર્વે સમુદ્ર હોવાનું સૂચન કરે છે. કચ્છનું રણ પૂર્વે સમુદ્ર તળિયાની રેતી હતી એવું અનુમાન છે. એ સમુદ્ર નદીઓની રેતી કાદવ વગેરે થી ભરાઈને કાળાન્તરે જમીન ઉપસી આવી
શ્રી કૃષ્ણનું રાજ્ય દ્વારિકા બેટમાં હતું એ ખરું, માત્ર દ્વારિકા નગરીનો વિભાગ જ નહિ પણ તે સ્થળે આખો સૌરાષ્ટ્ર બેટ હશે એમ માનવું પણ અપ્રમાણ નથી.
સૌરાષ્ટ્ર દેવભૂમિ ગણાય છે તેના દ્રષ્ટાંતો આપતા ‘સ્વાધ્યાયવલ્લી’માં યથાર્થ કહ્યું છે કે અલૌકિક ગીતાજ્ઞાન આપનાર શ્રી કૃષ્ણ યોગેશ્વરનું નિવાસ્થાન આ ઐતિહાસિક સૌરાષ્ટ્ર છે. આ ભૂમિ માં શ્રી કૃષ્ણ ભગવાન ઉપરાંત આદિનાથ – નેમિનાથ આદિ ચોવીસ તીર્થંકરો, સહજાનંદ સ્વામી, અને સુદામા, મીરા, નરસિંહ મહેતા પ્રભુ પ્રિય ભક્તરાજે ને સદાને માટે પરમ શાંતિ મળી છે. ભગવદ્ગોમંડલ નોંધે છે કે આ દેવભૂમિમાં પુરાણકાળના અવશેષો હજુ જેવા ને તેવા નજરે પડે છે. પ્રયાગ-ગુપ્ત, પ્રાચી-ક્ષેત્ર, ભાસ્કર ક્ષેત્ર, તલદાયિત્યની રાજધાની તાલ-ધ્વજપરા (તળાજા), વિષ્ણુપ્રયાગ કે ઉના પાસેના સપ્તકુંડ, દેહોત્સર્ગ, પાતાળના વાસુકિની રાજધાની, તરણેશ્વર કે હાલનું થાનગઢ, હેડમ્બાસુરનું પાટણવાવ પ્રેહ પાટણ, મેરુતુંગાચાર્ય પ્રશંસિત ધનકાપુરી કે હાલનું ઢાંક, બાલીનું પાટનગર કે હાલનું બીલખા, વામનપુરી કે વામનસ્થળી કે હાલનું વંથલી, મધુમાવતી કે હાલનું મહુવા, રુક્મણિ ના પિતા ભીષ્મહની કુંડીતપુર કે કનકાવતી, જાલંધર અને તુલસીના વિવાહ થી પ્રસિદ્ધ થયેલું સપ્તોદક તીર્થ હાલનું તુલશીશ્યામ, સ્કન્દપુરાણનું સિંહપુર કે હાલનું સિહોર, જેવા અનેક પુરાણ તીર્થો અહીંની ભૂમિમાં ધર્મધજા લહેરાવી રહ્યા છે.
સિંહપુર અર્થાત સિહોરની પ્રાચીન જાહોજલાલીનું વર્ણન ‘શ્રી સ્થાનક પ્રકાશ’ ગ્રંથના માં અધ્યાયમાં આ રીતે આપ્યું છે, ભરતખંડમાં સૌરાષ્ટ્ર દેશ છે. ત્યાં ઇન્દ્રપુરી સરખું સિંહપુર નગર છે. સર્વ સમૃદ્ધિ યુક્ત એ નાગરમાં નીલકંઠ મહાદેવજીનું બાણ છે. અઠ્ઠાસી હાજર ઋષિઓ નીલકંઠ મહાદેવની પાસે બેસીને ધ્યાન કરે છે. ત્યાંનો બ્રમ્હકુંડ બ્રમ્હદેવે નિર્માણ કર્યો છે. સિંહપુરમાં ગૌમતેશ્વરની ગુફા ઘણી જૂની છે. મહાદેવજી કૈલાસ પર્વતની ઠંડકથી કંટાળી ને ગરમી લેવા માટે આ જગ્યાએ વસ્યા છે. એમ કહેવાયછે એ ગૌતમઋષિએ સ્થાપ્યા માટે ગૌતમેશ્વર કહેવાયા. સૌરાષ્ટ્ર સૌકાઓ જૂની પોતાની ખાસ શૈક્ષણિક પ્રમાણિકાઓ ધરાવે છે. સ્કંદપુરાણ અનુસાર મહાત્મા ગૌતમઋષિ અહીં હજારો શિષ્યોને ભણાવતા. હ્યુએનત્સંગ વર્ણવે છે કે, સાતમા સૌકાની આજુબાજુમાં વલ્લભીમાં હાજર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. વલ્લભીપુર વર્ષો સુધી નાલંદાથી બીજા દરજ્જે ખ્યાતકીર્તિ ભોગવતું હતું. શ્રી જી. ડી આપ્ટેના પ્રાચીન વિદ્યાપીઠોના અષ્યટન અભ્યાસ ઉપરથી જણાય છે કે વલ્લભી વિદ્યાપીઠમાંથી અભ્યાસ કરીને બહાર આવતા વિદ્યાર્થીઓને કેટલાક રાજવીઓ પોતાના રાજ્યમાં વહીવટ ચલાવવા માટે નોકરીએ રાખતા હતા.
વિદેશીઓ તરફથી મળેલા સૌરાષ્ટ્રના નામો:
- સ્ટ્રેબો: પરદેશીઓમા સૌરાષ્ટ્રનો સહુથી પહેલો ઉલ્લેખ સંવત ૬ થી ૭૬ માં સ્ટ્રેબો એ સુરાસ્થ થી કર્યો
- પ્લિની: બીજો ઉલ્લેખ સંવત ૧૨૬માં પ્લિનીએ ઓરેતુર નામથી કર્યો,
- ટોલેમી: ઇજિપ્તના મહાન પ્રાચીન ભૂગોળશાસ્ત્રી ટોલેમી એ સંવત ૨૯૬માં અને ગ્રીક ના પેરિપ્લસે આ પ્રદેશને સુરાષ્ટ્રેણ તરીકે ઓળખાવ્યો
ગિરનાર પાસેના એક સુપ્રસિદ્ધ ખડક (અશોકનો શિલાલેખ) સાથે મહાક્ષત્રયરુદ્રદમન સમયનો એક લેખ છે જેમાં રુદ્રદામાએ પોતે મેળવેલા દેશોના નામમાં આનર્ત અને સુરાષ્ટ્ર બંને નામો છે.
તેથી ઈસુના પ્રારંભકાળમાં કાઠિયાવાડના ભૌગોલિક સીમાડાઓમાં કેટલોક ફેરફાર થયો હશે એમ માનવું પડે.
સૌરાષ્ટ્ર સરકારે એ સમયે મુંબઈ યુનિવર્સીટીની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને સોશ્યોલોજીના તજજ્ઞો પાસે કરાવેલી સૌરાષ્ટ્રની સ્વદેશી વૈજ્ઞાનિક સમીક્ષામાં જણાવાયું કે સૌરાષ્ટ્ર એક દ્વીપકલ્પ છે, તેનો દરિયાકાંઠો 750 માઈલ જેટલો મોટો છે. તેનું ક્ષેત્રફળ લઘભગ 23,500 ચોરસ માઈલ છે. અહીંનો સહુથી મોટો પર્વત ગિરનાર છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ પણ ગિરનાર પર્વતની આજુબાજુ બહુજ ગૂંથાયેલો છે. દ્વારિકા ને બાદ કરતા સૌરાષ્ટ્રમાં ગિરનાર સૌથી વધુ ઐતિહાસિક છે.
સૌરાષ્ટ્ર ની મુખ્ય સપ્ત નદીઓ
1) ભાદર 2) શેત્રુંજી 3) ઓઝત 4) સુખ ભાદર 5) ભોગાવો 6) કાળુભાર 7) મચ્છુ
આ સાત મુખ્ય નદીઓ સિવાય બધી જ નદીઓ ના માર્ગ 50 માઈલ થી ઓછા છે.
સૌરાષ્ટ્રના મુખ્ય બંદરો
બેડી, નવલખી, ઓખા, પોરબંદર, વેરાવળ, મહુવા, તથા ભાવનગર એ સૌરાષ્ટ્રના મુખ્ય બંદરો છે.
સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો
સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર ઉપરાંત અન્ય નાના મોટા શહેરો સૌરાષ્ટ્ર માં આવેલા છે
સૌરાષ્ટ્રના મુખ્ય યાત્રાધામો
સોમનાથ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગઢડા અને પાલીતાણા એ સૌરાષ્ટ્રના મુખ્ય યાત્રાધામો છે.
કાઠિયાવાડ ને સમજતા પેહલા શબ્દનો સાચો અર્થ સમજો
કાંઠ ( દરિયા કિનારો) + વાડ (દ્વાર) = હિન્દ નો પશ્ચિમી કિનારો
દરિયા કિનારાનું દ્વાર કે જ્યાંથી બીજા દેશો કે પ્રાંત સાથે કે પરગણાંઓ સાથે નો માર્ગીય વ્યવહાર થતો હશે તેવો વિસ્તાર. હિંદના પશ્ચિમ કિનારા ઉપર આવેલ આ પ્રાંત કાઠિયાવાડના નામે પાછળ થી ઓળખાયો, તે કચ્છ અને ખંભાતના અખાત વચ્ચે આવેલો છે, કાઠી લોકોના વસવાટને લઈને આ પ્રાન્તનું નામ પડ્યું છે. કવિ શ્રી રામકુભાઇ ખાચર ની સીધી વ્યાખ્યા મુજબ કાઠીઓ જે પ્રદેશ જીતીને પોતાના તાબા નીચે લાવ્યા તે કાઠિયાવાડ કહેવાયો.
ભગવદ્ગોમંડલ અનુસાર ચિનાઈ મુસાફર હ્યુએનત્સંગ વલ્લભી રાજ્યને અને સૌરાષ્ટ્રને જુદા જુદા રાજ્યો તરીકે વર્ણવે છે. કેટલાક ભાગને જુના વખતમાં સુરાષ્ટ્ર કહેતા હશે તે કહેવું મુશ્કેલ છે. આખો દ્વીપકલ્પ કાઠિયાવાડ કહેવાતો ત્યારે માત્ર દ્વિપકલ્પની દક્ષિણ ભાગ સોરઠના જુના નામે ઓળખાતો. કાઠિયાવાડ નામ તો મરાઠાઓએ પડ્યું છે. પહેલા મુસલમાનો તો આખા દ્વીપ ને સોરઠ કહેતા. પ્રાચીન સૌરાષ્ટ્ર જે કાઠિયાવાડના નામે ઓળખાય છે તે પાછળથી સોરઠ, હાલાર, ગોહિલવાડ અને ઝાલાવાડ એમ ચાર વિભાગોમાં વહેંચાયું હતું એમ આલા ખાચર સા. નું જીવન ચરિત્ર લખનાર જેઠમલજી મહારાજ નોંધે છે.
- સોરઠનું પાટનગર જૂનાગઢ
- હાલરનું પાટનગર નવાનગર (જામનગર)
- ગોહિલવાડનું પાટનગર ભાવનગર
- ઝાલાવાડનું પાટનગર ધ્રાંગધ્રા
એ ચાર પૈકી જુનાગઢનો પ્રદેશ આજે પણ સોરઠ તરીકે ઓળખાય છે
જે પ્રદેશમાં કાઠી લોકો વસ્યા હતા તે પ્રદેશ કાઠિયાવાડના નામે ઓળખાતો. તેનું ક્ષેત્રફળ ૪૦૦૦ ચોરસ માઈલ ગણાતું. નૈઋત્ય ભાગમાં વાળા કાઠીનું જેતપુર સંસ્થાન અને બાકીના ભાગમાં ખારોપાટ, કુંડલા અને દેસાઈઓના વાસાવડ પરગણા હતા. સને ૧૮૮૨માં દુષ્કાળ પડ્યો ત્યારે જૂનાગઢના નવાબે તથા કાઠી ગરાસિયાઓએ આ મુલક ગાયકવાડને આપતા પ્રાચીન કાઠિયાવાડ સોરઠ સાથે ભેળવી દેવાયું હતું. આ કાઠિયાવાડની કામિની, મોજડી, પાઘડી, અને મહેમાનગતિ ખુબ વખણાતી. આ રહ્યા એની સાક્ષી પૂરતા દુહા:
પાતળી પહેરે મોજડી, ચાલે ચટકતી ચાલ,
વાંકી બાંધે પાઘડી, ભાલો એ કાઠિયાવાડ.ભાદરકાંઠાની ભેંસ ભલી, વેણુ વખાણું ગાય;
કાઠિયાવાડની કામિની, બરડાચંગો જુવાન.
પંથક અને પરગણા
પંથક અને પરગણા શબ્દ એકબીજા થી થોડા અલગ પડે છે, પંથક એટલે અલગ અલગ વિધારધારા ધરાવતા લોકો કોઈ એક પરગણા માં વસે છે, પરગણા (કે જે મૂળ ફારસી શબ્દ છે) શબ્દનો અર્થ છે એક નેનો ભાગ અલલગ અલગ સમુદાયો નાના નાના વિભાગો અથવા ગામો એટલે પરગણા અને આ પરગણાંઓ એટલે કે લોક સમુદાય ભેગા મળી ને એક પંથક બનાવે છે.
ભારત માં આવેલા કુલ ૫૬૫ દેશી રાજ્યો (Princely States) પૈકી ૨૨૨ રજવાડાઓ તો માત્ર સૌરાષ્ટ્ર પંથક માં જ કાર્યરત હતા અને આ રજવાડાઓ એક રાષ્ટ્રની જેમ કામ કરતા હતા,
૧૫ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની રાહબરી હેઠળ ભારત નું એકી-કરણ ચાલુ થયું અને ૧૫ એપ્રિલ ૧૯૪૮ ના રોજ સૌરાષ્ટ્ર ના બધા રાજોયો નું એકમ થયું. જેને વર્ગ “બ” માં રાજ્યની કક્ષા માં મૂકી દેવામાં આવ્યું આ એકમ માં ૧) ઝાલાવાડ ૨) ગોહિલવાડ, ૩) હાલાર, ૪) સોરઠ , ૫) માધ્ય સૌરાષ્ટ્ર આવા પાંચ જિલ્લાઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવતો હતો
આ રાજ્ય ને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ (United State of Kathiawar) તરીકે ઓળખવામાં આવતો, જેનું પાટનગર રાજકોટ હતું,
ત્યાર પછી આ રાજ્ય બૃહદ મુંબઈ રાજ્ય માં ભળી ગયું તરબાદ ૧ મેં ૧૯૬૦ ના રોજ આજનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું અને આ પરગણાંઓ સાથેનું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ પણ ગુજરાતમાં ભળી ગયું
સોરઠ પંથક
સૌરાષ્ટ્રના સોરઠ અને ઝાલાવાડ પ્રદેશોના નામો સોલંકીકાળથી એટલે કે ૯૦૦ વર્ષથી પ્રસિદ્ધ છે. એ નામો અસંખ્ય મુસ્લિમ તવારીખો અને અંગ્રેજી ઇતિહાસોમાંથી મળી આવે છે. શ્રી એમ. આર. મખવાન નોંધે છે કે, ગોહિલવાડ નામ ૧૪મી સદીમાં અને હાલાર નામ ૧૬મી સદીમાં જાણીતા થયા છે.
સૌરાષ્ટ્રના એક વિભાગ તરીકે સોરઠ પ્રદેશ ઓળખાતો હોવાનું અનુમાન ઇતિહાસકારો કરે છે. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં કવિ નર્મદશંકરે નોંધ્યું છે કે સોરઠ દક્ષિણમાં છે. એનું ક્ષેત્રફળ ૫૨૨૦ ચોરસ માઈલ હતું. તેમાં જૂનાગઢનું મુસલમાની રાજ્ય, બટવાનું સંસ્થાન ગાયકવાડી કોડીનાર પ્રાંત, ફિરંગી દીવનો ટાપુ જેવા ભૂતપૂર્વ રાજ્યોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ભાદર નદી ઉપર આવેલો ભાદરકાંઠો, દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બે ની વચ્ચે આવેલો ઘેડ નામનો નીચાણનો મુલક, એની દક્ષિણે આવેલ નોળી નદીના કથા પરનો નોળીકાંઠો, કિનારા પર ચોરવાડ અને જાફરાબાદની વચ્ચે નાઘેર (લીલી નાઘેર) નામનો ચિચરવટો અને ગીરનો રાની અને પહાડી મુલક સોરઠમાં ગણાતો. જૂનાગઢ અને બાંટવા ઉપરાંત પોરબંદર, માણાવદર, જેતપુર દેવળી, જેતપુર વડિયા જેવા નાના મોટા રાજ્યો અને મહાલોનો સમાવેશ સોરઠમાં થતો. સોરઠ શબ્દ ક્યાંથી આવ્યો તે અંગે ઇતિહાસવિદ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી નોંધે છે કે, અનુમૈત્રક કાળમાં સૌરાષ્ટ્ર રૂપ વ્યાપક થતું જતું હતું. સુરાષ્ટ્ર જેમ સુરાષ્ટ્રા શબ્દ સૌરાષ્ટ્રના સમગ્ર દ્વીપકલ્પ માટે વપરાતું હોય અને તેમાંથી સોરઠ શબ્દ આવ્યો હોય તેવી સંભાવના ખરી. આ સોરઠ પંથકના સંખ્યાબંધ દુહા સાંપડે છે:
સોરઠ દેશ સોહામણો, ચંગા નર ને નાર;
જાને સ્વર્ગથી ઉતાર્યા, દેવદેવી અણસારસોરઠ દેશ સોહામણો, મુજ જોયાના કોડ;
રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ.સોરઠ દેશ ન સંચર્યો , ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગીયો અવતાર.
હાલાર પંથક
હાલાર એ સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ છે. ઓખામંડળની પૂર્વે કચ્છના અખાતને કાંઠેકાંઠે વાંકાનેર પાસે દેખાતી પર્વતમાળા સુધી તથા બરડાના ડુંગરો સુધી દક્ષિણમાં પથરાયેલો દેશ હાલાર કહેવાયો છે. પોતાના વાળવા કચ્છના જામ હાલાજીનું ઈ.સ. ૧૦૫૦ નામ કાયમ રાખવા નવાનગર (જામનગર) વસાવનાર જામરાવલે (ઈ.સ. ૧૫૧૯-૬૨) આ પ્રદેશનું નામ ‘હલાવાડ’ પાડ્યું જે પાછળથી હાલારને નામે પ્રચલિત થયું એમ યદુવંશપ્રકાશના કર્તા શ્રી માવદાનજી રત્નુ નોંધે છે. જામનગર, ખંભાળિયા, જોડિયા, રાજકોટ, ગોંડલ વગેરે હાલાર પરગણામાં ગણાતા. જામનગર, મોરબી, ગોંડલ, ધ્રોલ, વીરપુર, માળીયા, કોટડા વગેરે રિયાસતો હાલાર પંથકમાં ગણાતી. લોકસાહિત્યમાં હાલાર પંથકના દુહા સાંપડે છે.
નદી ખળુંકે નીર વહે, મોર કરે મલાર;
જ્યાં સાતેય રસ નીપજે, ભોંય ધરા હાલાર.જડીયો જંગલમાં વસે, ઘોડાનો દાતાર
ત્રૂઠયો રાવળ જામને, હાંક દીધો હાલાર.
આ પંથકમાં આવીને દુભાયેલા કોઈ મારવાડી કવિએ દુહા દ્વારા મહેણાંનો ઘા પણ કર્યો છે;
જૂની જાર રો ઢેબરો, માથે કળથી રો વઘાર;
ઉભો ઉભો ધાર દ્યે, હૂડે દેશ હાલાર.
ગોહિલવાડ પંથક
કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો ની વસ્તી છે તેના પરથી ઓળખાય છે ગોહિલવાડ. સેજકજી ગોહિલના નામ પરથી ગોહિલવાડ નામ પડ્યાનું સ્વામી જેઠમલજી મહારાજ નોંધે છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. ગુજરાત રાજ્ય સર્વસંગ્રહ ભાવનગર અનુસાર જુદીજુદી જાતનો લોકસમૂહ ભાવનગર જિલ્લામાં જ્યાંજ્યાં વસીને ઠરીઠામ થયો તે મુલ્ક જગ્યાના નામ પણ જે તે જાતનીના નામ પરથી પડ્યા છે. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી પાલિતાણાની આસપાસનો ડુંગરિયાળ વિસ્તાર ‘શેત્રુંજો’, શિહોરથી પાલિતાણા ચોક, હાથસણી અને ધાંધળીની આસપાસનો ‘ઉંદસરવૈયા વાડ’, વલ્લભીપુરની સામેનો મુલક ‘ભાલ પ્રદેશ’, ભાવનગર, સોનેરાઈ ખાડી સામેનો પંથક ‘ભાલ સામેનો કાંઠો’, કુંડલાના વળાંક આસપાસના પરગણાને ‘ખુમાણ પંથક’. ભાવનગર જિલ્લાને ગોહિલવાડ કે લોકબોલીમાં ‘ઘોલ્યવાડ’કે ‘વાલાકગીઓ’ પણ કહે છે. આજે તો હવે આ જુના પંથકના નામોય વિસરવા માંડયા છે.
ઇ.સ. ૧૭૨૩ પહેલા ગોહિલકુળ ની રાજધાની શિહોર હતી,સંવત ૧૭૭૯ ના વૈશાખ સુદ ત્રીજ ના દિવસે રાજવી ભાવસિંહે વડવા ગામ ને વિસ્તારી ભાવનગર વસાવ્યુ.
અન્ય પ્રદેશોઃ ઉત્તર માં બોટાદ, ગઢડા, ઉમરાળા, દક્ષિણમાં સાવરકુંડલા, તળાજા, મહુવા, પૂર્વમાં ઘોઘા, વલ્લભીપુર, પશ્વિમમાં શિહોર, ગારિયાધાર, પાલીતાણા..
ઝાલાવાડ પરગણું
ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાન, લખતર, સાયલા, ચુડા, મૂખી, બજાણા, પાટડી અને અન્ય નાની રિયાસતો ઝાલાવાડમાં હતી. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં ઝાલાવાડ પરગણાનું ક્ષેત્રફળ ૪૩૯૨ ચો.માઈલ દર્શાવ્યું છે. એનાં ઘણાંખરાં સંસ્થાઓના રાજવી a હતા. તેથી તેનું નામ ઝાલાવાડ પડયું છે. ઝાલાવાડ રણના કાંઠે બજાણા સુધી ફેલાયેલું હતું. એના પૂર્વ ભાગની કંઠાખ્ય પટ્ટી ‘જતવાડ’ના નામે જાણીતી હતી. ઝાલાવાડના માનવીઓની વાણી અને પાણીની કહેવતો આજેય લોકકંઠે રમે છે અને લોકસમાજના માનવીની ઉઘાડી ઓળખ આપે છે. જેમ કે,
કંકુવરણાં લૂગડાં, ધોવા લઈ જાય પાણો,
પવાલા જેવડા ચૂડલા, ઈ ઝાલાવાડી જાણો.લોટમાં કાંકરી ને ભાંભળાં પાણી
આખાબોલા માનવી, ઈ ઝાલાવાડી જાણો.
ઓખામંડળ પરગણું
ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા પરનું ઓખામંડળ છે. કાઠિયાવાડ સર્વ સંગ્રહ અનુસાર ઓખામંડળ એ દ્વિપકલ્પના છેક પશ્ચિમ છેડા ઉપર છે. એનું ક્ષેત્રફળ ૩૦૦ ચો. માઈલ છે. તળ કાઠિયાવાડ અને ઓખા મંડળ વચ્ચે નીચી ખારાશવાળી જમીન છે. તેને રણ પણ કહે છે. આ પ્રદેશ જૂનાકાળે ગાયકવાડના તાબામાં હતો. સૌરાષ્ટ્રની પશ્ચિમે આવેલ ઓખામંડળ અગાઉ બેટ હતું. દ્વારકા ઓખામંડળમાં આવ્યું છે. આ નામ ક્યારે પડયું તે જાણી શકાતું નથી. પુરાણોના પાનાં ફેરવતાંય આ નામ ક્યાંય જડતું નથી. ઓખામંડળ અંગેની અનેક ઉક્તિઓ આજે ય સાંભળવા મળે છે.
આંક અરિઠા આંબલી, ઓખા મેળો એહ,
એક ન હોત શ્રીનાથજી, તો દીઠા જેવો દેહઊંટકડો ને આંબલી, ઓખો મેળો એહ,
હડકો નળે દ્વારકાનાથ, નયે જડયો દેહ.
ખડકાળ અને પથરાળ કાયાવાળો, લાલપીળી પામરી ઓઢેલ, કટારા, બાવળિયાં, અરણી, કરમદો, આંબલી અને ઊંટકડોના પુષ્પ અલંકારની માળા ગળે ધારણ કરી કંઈ કંઈ કાળથી પુરાણો અનેક તવારિયોને જન્મ દેતો ઓખો મનખાવતારમાં એકાદવાર જોવા જેવો તો ખરો જ.
પાંચાળ પંથક
ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે.
આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. ‘થાનમહાત્મ્ય’ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશના નામે જાણીતો છે. થાન પાસે આવેલા તરણેતરમાં તરણેતરિયો મેળો આજે ય ભરાય છે.
પાંચાળ શબ્દની વ્યુંપ્તિ અંગે અનુમાન કરીએ તો પંચૠષિ જ્યાં વસતા હોય એ ‘પંચાળય’. આમ ‘ય’ નો ઘસાઈને લોપ થયો. પંચૠષિનું નિવાસ્થાન – આશ્રમ એટલે પાંચાળ. અમૃત પંડયા નોંધે છે કે પાંચાલ નામ સૌરાષ્ટ્રમાં શી રીતે આવ્યું તે સમજાતું નથી. પાંચાલી પાંડવોના વખતમાં થઈ ગયાં. રામચંદ્રજી એના પહેલાં ઘણા વરસે થયા. કેટલાક માને છે પંચાળ નામ પાંચાલ દેશ પરથી આવ્યું છે. મૂળ પાંચાલ ઉત્તર ભારતમાં હાલ બરેલી અલિગઢ છે ત્યાં હતું. દ્રોપદીનો પિતા તેનો રાજા હતો. કિંવદંતી અનુસાર પાંડવો આ ભૂમિ પર આવેલા. અર્જુને અહીં મત્સ્યવેધ કરેલો. દ્રોપદી અર્થાત્ પાંચાલીના નામ પરથી પંચાળ પ્રદેશ કહેવાયો હોવાનું અનુમાન છે. આ કંકુવરણી (રતુંબડી) ધરતીના પટાધર પુરુષો નમણી નારીઓ, નવરંગ તોરિંગ (અશ્વો). કિલ્લોલતા સારસ અને મૃગલા વખણાય છે. એ દુહા કહે છેઃ
કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ,
નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ.ગૂઢે વસ્તર ગોરિયાં, પગ પીંડીનો તાલ,
પનઘટ ઉપર પરહરે પડ જુઓ પાંચાળતાતા તોરિંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ;
ભલ વછેરા ઉછરે, પડ જુઓ પાંચાળ.આછા પાણી વીરડે, ધરતી લાંપડીઆળ
સરતીર્યાં સારસ લવે, પડ જુઓ પાંચાળ
મચ્છુકાંઠો
હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુ નદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાય છે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો.માઈલનું ગણાતું. મોરબી અને માળિયા જાડેજા રાજપૂતોના સંસ્થાનો હતા. આ પંથકને પાછળથી હાલારમાં જોડી દેવાયો હતો. મચ્છુકાંઠાના માનવીની ઓળખ આપતો દુહો ઊર્મિ-નવરચનાના દુહા અંક (જૂન ૧૯૭૫)માંથી મળે છે:
મચ્છુકાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર,
ચંગા માડું નીપજે, પાણીહુંદો ફેર.
માંડવધાર (ડુંગર) ની ગાળીઓમાંથી ગળતું પાણી ભારે ગણાય છે. એને પીનાર માનવીના દેહ વજ્જર જેવા, પણ હૈયાં મીણ જેવાં મુલાયમ હોય છે. સૌરાષ્ટ્રમાં જેનો જોતો ના જડે એવું અહીંનું ખડ ખાઈને ઉછરતા માલઢોરના આઉમાંથી અમી જેવા દૂધની શેડયું વછૂટે છે. મચ્છુ નદી માલધારીઓની માતા ગણાય છે. અહીં વસતા અઢારે વરણના માનવી પટાધર (શૂરવીર) પાકે છે. એવો એના પાણીનો ગુણ છે. માનવીનો અમુક પ્રકારનો સ્વભાવ એ પંથકનાં પાણી, પરિસ્થિતિ અને પ્રાદેશિક વાતાવરણમાંથી જ ઘડાય છે.
ઘેડ પંથક
જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે. ફળદ્રુપ ધરતીના કારણે ઘેડ પ્રદેશ સમૃદ્ધ ગણાય છે. કુતિયાણાથી પોરબંદર જતાં દક્ષિણે ઘેડ પંથકનો પ્રારંભ થાય છે. માધવપુરમાં વહેતી છેલ નદી મહિયારીથી આગળ વધી બાંટવાના સિમાડે થઈ બગસરા પહોંચે છે. ત્યાં બીજી નદીઓ મળે છે. એ વિસ્તાર મોટા ઘેડના નામે ઓળખાય છે. છેલ નદી આગળ જતાં ખમીદાણા, સુજ, ખીરસરા પાસે કાંપ ઠાલવે છે તેથી ત્યાંની ધરતી મબલખ પાક પકવે છે. આ વિસ્તાર નવલખા ઘેડ તરીકે પણ જાણીતો છે. ઘેડમાં ભાદર, છેલ, ઓઝત, મધુવંતી, મેધલ, ઉબેણ, કાલુન્દ્રી અને ઝાંજેસરી જેવી નદીઓ આવેલી છે. ચોમાસાની ઋતુમાં આ પ્રદેશમાં શ્રાવણ માસ અર્ધો ઉતરે ન ઉતરે ત્યાં સુધી પાણી ભરાયેલાં રહે છે. નવા બંદર પાસે ભાદર નદી સમુદ્રને મળે છે. ત્યાંનું બારું જો ન ખૂલે તો જન્માષ્ટમી સુધી ઘેડના ખેડૂતો ઘેર જ રહે છે. પાણી ઉતરે ને વરાપ થાય પછી વણ (કપાસ) પગુંધળી, જુવાર કે ચણા વાવે છે. તે પાકે ત્યાં સુધી માત્ર ધ્યાન જ રાખવાનું. ખડ કે નીંદણ કંઈ કરવાનું નહીં એટલે લોકકવિ કહે છે:
નાખો એટલું નીપજે, ને કરીએ એટલી ખેડ,
નહીં નીંદવું નહીં ખોદવું, ઘમ કે ગોરંભ ઘેડ.
ચોમાસાની મોસમમાં ખેડૂતો ઢીંચણસમો ગારો ખુંદીને ખેતરે ભલે જવું પડે પણ રસાળ ધરતીમાંથી અઢળક ઉપજ આવે એટલે એનું વળતર મળી જાય છે
છેલ (નદી) ફરે ને છેતરે, કાદવ ભાંગે કેડય,
વણ (કપાસ) ચણા ને ગુંધળી ઘર ભરી દયે ઘેડ.
ઘેડ પંથકમાં ૧૦૭ જેટલાં ગામડાં આવેલાં છે. એ બધાં ઊંચા ખડકાળ ટીંબા ઉપર વસ્યા હોવાથી નદીઓમાં પુર આવે ત્યારે એ બેટ બની જાવે છે. આમ છતાં ઉનાળામાં ગરમ પવન વાય ને ધૂળની ડમરીઓ ઉડે. પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી બાઈઓને રખડવું પડે છે એટલે તો એના માટે ઉક્તિ કહેવાય છે.
બરડો, બારાડી ને ઘેડ
ઈ ત્રણેય ને મોસમનો નહીં મેળ.
લીલી નાઘેર પંથક
હાલારમાં ઓખા પાસેનું પરગણું ‘બારાડી’ના નામે જાણીતું છે. બારાડી પંથકની દક્ષિણ-પૂર્વ માધવપુરથી લઈ કોડીનાર તથા ચોરવાડ અને જાફરાબાદના દરિયાકાંઠાનો વિસ્તાર નાઘેર તરીકે ઓળખાય છે. નાઘેર અસલ નાઘેર રજપૂતોના તાબામાં હતું. તેના ઉપરથી પ્રદેશ નાઘેર તરીકે ઓળખાયો હશે એમ કેપ્ટન મેકમર્કો નોંધે છે. સૌરાષ્ટ્રનો આ સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ તરીકે ઓળખાય છે. ત્યાંની ઘણી ચીજો વખણાય છેઃ
વાજા ઠાકોર, અંબવન, નારપદ્મણિ ઘેર,
રેંટ ખટુકે વાડિયે ભોંય લીલી નાઘેર.
અર્થાત્ જ્યાં વાજા રાજપૂત અને ઠાકોરોની વસ્તી છે, જેના હર્યાભર્યાં આંબાવાડિયા કેરીઓથી લચી પડે છે. ઘેર ઘેર પદ્મણિ નારીઓ છે. વાડિયુંમાં રેંટ ખટુકે છે એવી લીલીછમ નાઘેરની ધરતી કાઠિયાવાડનું કાશ્મીર ગણાય છે. આજે તો રેંટની જગ્યાએ વીજળીની મોટરો આવી ગઈ છે .
બરડો – બારાડી પંથક
હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. એ પ્રદેશ જૂના કાળમાં જેઠવા રાજપૂતોના તાબામાં હતો. ત્યારબાદ સોરઠમાં ભેળવી દેવાયો. બરડા પંથકના જુવાન નરનારીઓ, ગાયો, ભેંસો, ઘી અને પથરા પણ વખણાય છે. એની વાત આ દુહા કરે છેઃ
વસતી જ્યાં બહુ મેરની, નારી પાતળ પેટ,
ઘી પથ્થર વખાણમાં, ભોંય બરડો બેટ.કાઠિયાણી કયડ પાતળી, હલકે માથે હેલ્ય;
બરડાહંદી બજારમાં, આવે ઢળકતી ઢેલ્ય.શિયાળે ભલો મળવો, ઉનાળે ગુજરાત;
ચોમાસે સોરઠ ભલો, બરડો બારે માસ.
બાબરિયાવાડ પંથક
બાબરીયાવાડ દરિયાકાંઠા ઉપર ગોહિલવાડ અને સોરઠ બે ની વચ્ચે આવેલો પંથક છે. તેનું ક્ષેત્રફળ ૫૦૦ ચોરસ માઈલનું ગણાય છે. બાબરીયા રાજપૂતો ઉપરથી આ પરગણાંનું નામ પડ્યાનું કાઠિયાવાડ સર્વસંગ્રહમાં નોંધાયું છે. એમાં ઘણા નાના સંસ્થાનો તથા જંજિરાના હબસીનું જાફરાબાદ આવે છે. બાબરીયાવાડ હાલ સોરઠ પંથકમાં ભળી ગયેલું છે.
ઉંદસરવૈયા પરગણું
ગોહિલવાડને અડીને ઉંદસરવૈયા પરગણું આવેલું છે. આ સૌથી નાનો પ્રાંત છે. તેનું ક્ષેત્રફળ ૧૬૦ ચો.માઈલ ગણાય છે. એની પૂર્વ અને દક્ષિણ સીમાએ ખંભાતનો અખાત અને શેત્રુંજી નદી છે. ઉંદસરવૈયા પાછળથી ગોહિલવાડમાં ભળી ગયું હોવાનું નોંધાયું છે.
ભાદરકાંઠો અને નોળીકાંઠો
ભાદર એ સૌરાષ્ટ્રની અતી પ્રાચીન અને સૌથી મોટી નદી છે. ભાદર અને ભાદરમાં ભળી જતી નાનીમોટી નદીઓ ઘેડ પ્રદેશના ધોવાણનો કાંપ સમુદ્રમાં ઠાલવે છે. પરિણામે ઘેડના છીછરા સમુદ્રને આ નદીઓએ કાંપ વડે પૂરી દીધો છે. ભાદર નદી ઉપરનો પ્રદેશ ભાદરકાંઠાના નામે ઓળખાય છે. દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બેની વચ્ચે આવેલા ઘેડની બરોબર દક્ષિણે નોળીકાંઠા ઉપરનો વિસ્તાર ‘નોળીકાંઠા’ તરીકે જાણીતો છે.
ભાલબારું : ભાલ પરગણું
ખંભાતના કાંઠાળા ભાગને ભાલબારું કહે છે, ભાલ, નળકાંઠો, કનેર અને કાઠિયાવાડના સીમાડા એક-બીજા ને આંટીયું નાખીને ઉભા છે, બાવળા બગોદરા, ધોલેરાથી લઇ ને બરવાળા સુધીનો દરિયાકિનારાનો પંથક ભાલ કહેવાય છે. ભાવનગર હાઈવેની સમાંતર વચલો પટ્ટો ‘કનેર’ ના નામે ઓળખાય છે. બાવળાથી પશ્ચિમે સાણંદથી લઈને રાણાગઢ સુધીનો વિસ્તાર નળકાંઠો કહેવાય છે.
સૌરાષ્ટ્રનો ઘેડ પ્રદેશ ઝાલાવાડ અને ભાલ સમુદ્રમાંથી બહાર આવેલો પ્રદેશ છે. જેની ઉપર મીઠો કાપ જામી જવાથી ખેતી થઇ શકે છે, પરંતુ એ ધરતીના તળના પાણી ખરાં છે. ભાલમાં લીમડા, ખીજડા સિવાય ઝાડકે વનરાજી ઓછી જોવા મળે છે. ઉનાળે મૃગજળ અને ધૂળની ડમરીઓથી આકાશ છવાઈ જાય છે. વૃક્ષ વિહોણા પંથક માટે કહેવત જાણીતી છે
‘કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ’ મૂલાંક નપાણિયો પણ મનેખ એના પાણીદાર. હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ પણ ધંધુકા-ભાલ છે
ભાલપ્રદેશની ભૌગોલિક સ્થિતિ અને ભુપૃષ્ઠ રચના પાડતા ભગ્વદ્ગોમંડલમાં નોંધાયું છે કે: બે હાજર વર્ષ પેહલા સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ નહિ ટાપુ હતો, કચ્છના રણની જગ્યાએ સમુદ્ર હતો. સિંધમુખ સૌરાષ્ટ્રનો પૂર્વ ભાગ હતો. કાળક્રમે સિંધુનદીએ પોતાનું વહેણ બદલાવ્યું એટલે ઝાલાવાડની જમીન કાદવવાળું તળાવ બની ગઈ. ધીરે ધીરે આ તળાવ પુરાઈને રણ જેવો પ્રદેશ થઇ ગયો. આ પ્રદેશ ખારાશથી ભરપૂર છે. બીજી બાજુ ખંભાતનો અખાત જલ્દી પાછો હટવા લાગ્યો અને અગણોકોં તરફનું રણ હતી જવાથી ત્યાં ‘ભાલપરગણું’ બની ગયું. આ મુકેલ નપાણિયો બનવાનું આ પણ એક કારણ છે. ભાલને ભગવાને ભલે નપાણિયો મુલક બનાવ્યો પણ અઢળક ચાસીયા કાઠા ઘઉં નીપજે છે, એનો જોટો જગતભરમાં જડતો નથી. એન વિગ્મોર નામની એક અમેરિકન મહિલા કેન્સરગ્રસ્ત થઇ ઉપચાર અર્થે મુંબઈ આવી. ઘઉંના જવારાના રસ થી એણે સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. એણે જગત આંખની ઘઉંની ૧૫ જાતોમાં ભાલના ઘઉંને સર્વશ્રેષ્ઠ ગણાવ્યા છે. ભાલની ધરતીમાં જન્મેલા આ લેખક (જોરાવરસિંહ જાદવ) આજેય કાઠા ઘઉંની રોટલી, સેવ અને લાડુનો ટેસડો કરે છે. માર વરસાદના પાણી અને દેશી ખાતરથી પાકતા ચાસીયા ઘઉં થોડાક મોંઘા પડે પણ એના લાડુ, થુલી લાપસી ખુબજ સ્વાદિષ્ટ બને છે. એકવાર જમો તો જીભે સ્વાદ રહી જાય છે. એના દુહા અને ઉક્તિઓ એ ધરતીની તાસીરની વાત કરે છે.
ભલ ઘોડા ભલ માનવી, ભલ ગુજરાતે ભાલ;
કાઠી ધરા કાઠિયાવાડની, ભાલ ધરા રસાળ.નહીં છાશ છમકો ને છાંયડો, એવા કેતાક અવગુણ કહું?
પણ ભૂંડામાં ભલું એટલું, ભાલ નીપજે ઘઉં.
ભાલ પંથકમાં વસવાટ કરનારા ચોમાસાની ગારો ખૂંદનારા, ખરાં પાણી પીનારા માનવીઓને તોય પોતાનું આ વતન વહાલું લાગે છે એટલે તો કહે છે…
ધૂળ ગામ ધોલેર ને બંદર ગામ બારા,
કાઠા ઘઉંની રોટલી ને પાણી પીવા ખરાં
તોય ધોલેરા સારા ભૈ સારા
નળકાંઠો
ભાલ, સૌરાષ્ટ્ર અને વઢિયારના સીમાડાને જોડતો વચલો વિસ્તાર નળકાંઠો કહેવાય છે. બાવળા સાણંદ, વિરમગામ અને લીમડી તાલુકાના રાણાગઢની વચમાં આવેલો આ નીચાણવાળો પંથક છે. નળના કાંઠે પઢારોની વસ્તી જોવા મળે છે. કહેવાય છે કે, સીધું નદીએ વહેણ બદલ્યું. ભાળમાંથી દરિયો ખાંસી ગયો ને જમીન બની એ અરસામાં નળ સરોવર અસ્તિત્વમાં આવ્યું. આ પઢારો મૂળે સાગર ખેડુ હતા. સાગર સંસ્કૃતિની ઝલક પઢારોના મંજીરા રાસમાં આજે પણ જોવા મળે છે.
નળ સરોવર આપણા મોટા સરોવરોમાંનું એક છે. ગુજરાત સર્વ સંગ્રહ અનુસાર એ ૫૦ ચોરસ માઈલમાં પથરાયેલું છે. ચોમાસામાં ચાર-પાંચ ફૂટ પાણી ભરાય છે. તેમાં બરુ નામનું ઘાસ ઉગે છે. એમાં બીડ નામનું કાળું કંદ અને થેક થાય છે. આજે તો નળસરોવર પ્રવાસધામ તરીકે વિકાસ પામ્યું છે. ચોમાસામાં નળસરોવર ભરાઈ જાય પછી શિયાળો આવતા છેક રશિયા અને સાઇબિરિયાથી અસંખ્ય પક્ષીઓ અને સરસ અહીં ઉતરી આવે છે. અને આ પ્રદેશ અત્યંત રળિયામણો બની જાય છે. નાના હોડકાઓમાં બેસીને સરોવરમાં સહેલગાહ કરી શકાય છે.
ઉનાળે નાળ સરોવરનું પાણી સુકાઈ જાય છે. કલ દુકાળે પઢારો સરોવરની જમીનમાંથી બીડ કાઢી, સૂકવે એના રોટલા બનાવીને ખાય છે. ચારોલાની તાણ પડે ત્યારે ખેડૂતો નળનું બીડ લાવી ધોકાવી બાફીને ઢોરને ખવડાવે છે. ટેવ ના હોય તો બીડના રોટલા ખાનારને ઝાડા ને મરડો થઇ જાય છે.
આઝાદી આવી. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યાં સુધી ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર અસ્તિત્વમાં આવેલા આ બધા પંથકો અને પરગણા જાણીતા હતા. એમાં વિવિધ જાતિઓના વસવાટ હતા. એમની નિજી સંસ્કૃતિ હતી, નિજી સંસ્કાર હતા, લોકજાતિની પાઘડીઓ પણ પંથકવાર વિવિધ ઘાટ વળોટથી ઓળખાતી. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનું સમજવા માટે આ પંથકો, પરગણા અને એના જનજીવનનો અભ્યાસ અત્યંત ઉપયોગી બની રહે છે. મારા સૌરાષ્ટ્રના રઝળપાટ દરમિયાન જુના અનુભવી અને નિજી કોઠાસૂઝ ધરાવતા વડીલોએ પોતાના હૈયાંકપાટ ઉઘાડા મૂકીને પરગણાંઓ અંગે આવી અનેક રસપ્રદ વાતો અને લોકસાહિત્ય સંપડાવ્યું છે. સૌરાષ્ટ્રની જેમ જ ઉત્તર ગુજરાત, માધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ માં પણ નાના મોટા અનેક પરગણાંઓ આવેલા છે, એ પણ અહીં નોંધવું જોઈએ; ગુજરાત રાજ્યની રચના થયા પછી અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, વગેરે જિલ્લાઓમાં આ પંથકો અને પરગણા સામે ને લુપ્ત થઇ ગયા છે.