Ashopk Dave

હાસ્ય-લેખોનો હીરો -અશોક દવે

જન્મ: ૨૯-ફેબ્રુઆરી, ૧૯૫૨; જામનગર
પિતા – ચંદુભાઈ ; માતા – જસુમતીબેન
પત્ની – શ્રીમતિ ‘હકી’; પુત્ર – સમ્રાટ ; પુત્રી – ઉત્સવી

અશોક દવે ગુજરાતી હાસ્યલેખકો પૈકીનું એક જાણીતું નામ છે, હાસ્ય લેખોની સાથે તેઓએ જૂનાં હિન્દી ફિલ્મીસંગીત પર અનેક લેખો અને ત્રણ પુસ્તકો (ફિલ્મસંગીતનાં એ મધુરાં વર્ષો, હીરો-હીરોઇન અને મૂહમ્મદ રફી) લખેલાં છે.

અશોક દવે ગુજરાત સમાચારમાં દર બુધવારે પ્રકાશિત થતી ‘બુધવારની બપોર’ કટાર (કોલમ)થી જાણીતાં બન્યા છે. વાચકોએ પોસ્ટ-કાર્ડ લખીને પૂછેલાં પ્રશ્નોનાં તેમનાં વડે અપાતાં ઉત્તરો ‘એનકાઉન્ટર’ તરીકે અત્યંત જાણીતાં બન્યાં છે. ‘દૂર કોઇ ગાયે’ તેમની ફિલ્મી સંગીતની કટાર છે.

જીવનઝરમર:

  • હાસ્ય સાહિત્ય કરતાં વધુ શોખ સંગીતનો, વિન્ટેજ ફિલ્મ ગીતો પર આધારીત ‘ફરમાઇશ ક્લબ’નું પણ સંચાલન કરે છે.
  • હાસ્ય સાહિત્ય ખુબ અજમાવ્યું, ‘ ગુજરાત સમાચાર’ ની ‘ બુધવારની બપોરે’ કટારના લેખક
  • રાજકપુરની ફિલ્મ ‘જાગતે રહો’ જોઇ જીવનમાં કાંઇક કરવાના ઓરતા જાગ્યા
  • તેમનું બહુ જાણીતું પાત્ર ‘ જેન્તી જોખમ ‘
  • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા
  • લખવા વાંચવા કરતાં ઘેર આવનાર વધુ મહત્ત્વનો
  • અંબાજીમાં પૂરી આસ્થા
  • પ્રથમ કૃતિ – (પાકિસ્તાનના પ્રમુખ) સ્વ.યાહ્યાખાનને પત્ર , ૧૯૬૯
  • પ્રિય લેખકો: શરદબાબુ, દેવયાની ચોબલ અને મહાત્મા ગાંધી

રચનાઓ:
બુધવારની બપોરે, જેન્તી જોખમ સાથે કુલ ૧૮ જેટલા પુસ્તકો

Posted in કલાકારો અને હસ્તીઓ Tagged with: ,

ઊલટ સમાવ્યો સૂલટમાં
ને સૂરતા ગઈ સૂન માંય રે,
ભાળી સ્વામીની ભોમકા
ને હરિ જોયા અખંડ સુન માંય રે … ઉલટ.

આવરણ મટી ગયા
ને હવે થયો છે આનંદ રે,
બ્રહ્મ ભાળ્યા એક તારમાં
ને તૂટ્યો પ્રપંચનો ફંદ રે … ઉલટ.

અવિનાશી મેં અખંડ જોયા
ને જ્યાં નામ રૂપનો નાશ રે,
સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામી
ને તેને જોઈ લ્યો ઉલ્લાસ રે … ઉલટ.

અવાચ પદ અખંડ અનામી
ને તેને જોઈ થયો ઉલ્લાસ રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં
ને કીધો મુળ અવિદ્યાનો નાશ રે … ઉલટ.

-ગંગા સતી

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના Tagged with:

Damodar Khushaldas Botadkarકવિ પરિચય
જન્મ: ૨૭-૧૧-૧૮૭૦
અવસાન: ૦૭-૦૯-૧૯૨૪
જન્મસ્થળ: બોટાદ
અભ્યાસ: ૬ (છ)
કાવ્યગ્રંથ: કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણીલ, રાસતરંગિણી, શૈવલિની
અવિસ્મરણીય રચના:  જનનીની જોડ સખી નઈ જડે રે લોલ…

સવિશેષ પરિચય:
બોટાદકર દામોદર ખુશાલદાસ (૨૭-૧૧-૧૮૭૦, ૭-૯-૧૯૨૪) : કવિ. જન્મ બોટાદમાં. છ ધોરણ સુધીનો અભ્યાસ. તેરમાં વર્ષે શિક્ષક. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર અને વૈદું કર્યાં, પણ તેમાં ફાવેલાં નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.

એમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામનું નાટક છે. એ જ રીતે ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’ અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે. તે પછી કાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો ‘કલ્લોલિની’ (૧૯૧૨), ‘સ્ત્રોતસ્વિની’ (૧૯૧૮), ‘નિર્ઝરિણી’ (૧૯૨૧), ‘રાસતરંગિણી’ (૧૯૨૩) અને મરણોત્તર ‘શૈવલિની’ (૧૯૨૫) મળ્યા છે. ‘રાસતરંગિણી’ના રાસોએ એમને એક નોંધપાત્ર રાસકવિનાં સ્થાનમાન મેળવી આપ્યાં છે. તે જમાનાની ગુજરાતણોને આ રાસોએ ખૂબ ઘેલું લગાડેલું લોકઢાળોનો તેમાં ખૂબીપૂર્વકનો વિનિયોગ થયો છે. ‘શૈવલિની’નાં કાવ્યોની ગુણસંપત્તિ નોંધપાત્ર છે. એમાં પ્રકૃતિ અને ગૃહજીવનના ભાવોને એમણે કાવ્યરૂપ આપ્યું છે. ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને ‘સૌંદર્યદર્શી કવિ’નું બિરુદ અપાવ્યું છે. ગૃહજીવનની ભાવનાનાં કાવ્યો એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન છે. કન્યા, માતા, નણંદ, સાસુ, લગ્નોદ્યતા, ભગિની, નવોઢા, ગૃહિણી, સીમંતિની, પ્રૌઢા-એમ નારીજીવનની જુદી જુદી અવસ્થા અને એના પદને લક્ષ્ય કરીને એનાં અનેકવિધ સુકુમાર સંવેદનોને એમણે મધુર અને પ્રશસ્ય રૂપ આપ્યું છે.

સરેરાશ કક્ષાએ રહેતી કલ્પનાશક્તિ તથા સંસ્કૃતપ્રચુર શૈલી અને કંઈક સીમિત રહેતા વિષયવર્તુળની મર્યાદા છતાં એમના ભાવસમૃદ્ધ રાસો અને ગૃહજીવનનાં કોમળ નિવ્યર્યાજ સંવેદનોનાં કાવ્યો એમનું ચિરંજીવ પ્રદાન છે. (- પ્રસાદ બ્રહ્મભટ્ટ)

રાસતરંગિણી (૧૯૨૩) :
બોટાદકરનો ‘કલ્લોલિની’, ‘સ્ત્રોતસ્વિની’ અને ‘નિર્ઝરિણી’ પછીનો ચોથો કાવ્યસંગ્રહ. પૂર્વેના ત્રણ સંગ્રહો વૃત્તબદ્ધ, સંસ્કૃતપ્રચુર અને પંડિતભોગ્ય છે; એની સામે, આ સંગ્રહમાં કવિએ ગરબી જેવા લોકગીતોના ઢાળોમાં સરલ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યક્તિ સાધી છે. ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ ગૃહજીવનનાં, કુટુંબજીવનનાં અને ખાસ તો સ્ત્રીહૃદયનાં સૂક્ષ્મ દર્શનોમાં જોવા મળે છે. ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ જેવી વિખ્યાત ગરબી અહીં છે. તદુપરાંત, પ્રકૃતિતત્વનાં વર્ણનો ક્યાંક પ્રકૃતિતત્વની આત્મોક્તિરૂપે, તો ક્યાંક કવિના પોતાના નિરૂપણરૂપે મળે છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

શૈવલિની (૧૯૨૫) :
બોટાદકરનો કાલાનુક્રમે પાંચમો અને મરણોત્તર કાવ્યસંગ્રહ. ‘રાસતરંગિણી’ પછીનો હોવા છતાં આ સંગ્રહ પહેલાં તૈયાર કરી રાખેલો હોવાથી પ્રકાશકની ગફલતને કારણે ‘ચતુર્થ કાવ્યસંગ્રહ’ ગણાયો છે. નરસિંહરાવની લાંબી પ્રસ્તાવનાનું ‘પુરસ્કરણ’ આ સંગ્રહને મળ્યું છે. બોટાદકરની ઉત્તરાશ્રમની પ્રૌઢિનાં વિવિધ પાસાંઓનો ‘શૈવલિની’માં આવિષ્કાર છે. અન્યોક્તિ અને સ્વભાવોક્તિ જેવી રચનાયુક્તિઓથી કવિ પ્રાચીન સંસ્કૃતિ, ગૃહજીવન અને સમાજજીવનના વિવિધ પ્રસંગો અને ભાવોને આવરી લે છે. અંગ્રેજી ભાષાના સીધા સંપર્કનો અભાવ અને સંસ્કૃત ભાષા પરત્વેનો રૂઢભાવ-આ બે પરિસ્થિતિઓએ એમનાં શૈલી-સ્વરૂપને ઉપસાવ્યાં છે. એમની સંસ્કૃતપ્રચુરશૈલી, અરૂઢ સંસ્કૃત શબ્દો અને સમાસોને બાદ કરતાં, એકંદરે ગૌરવાન્વિત રહી છે. સંસ્કૃત વૃત્તો પરનું પ્રભુત્વ પ્રશસ્ય છે અને એમના પદ્યબંધમાં ચારુતા જોવાય છે. ‘અભિલાષ’ જેવી કવ્વાલીના પ્રકારની એમની છેલ્લી રચના અહીં છે, તો ‘રામાશ્વામેઘ’ જેવી સંપૂર્ણ બોટાદકરશાઈ અને કહેવતોની કક્ષાએ પહોંચતી પંક્તિઓવાળી પ્રસિદ્ધ રચના પણ અહીં છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

Posted in કલાકારો અને હસ્તીઓ Tagged with: , ,
Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao

અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.

દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
ગુરુજીના વેચાયે વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંત

અમરીયા બની જે નિતનિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહીં જરી જોને ઝાળ રે … અસલી સંત.

જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી … અસલી સંત

મનથી રે રાજી તમે એમ જ રહેજો
તો રીઝે સદા નકળંક રાયજી
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
અસલી રે સંત ઈ ગણાય જી … અસલી જે સંત

– ગંગા સતી

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના Tagged with:

સાયંસ ટીચર : એક દિવસ આવશે જ્યારે પાણી, માણસ.. બધુ જ નષ્ટ થઈ જશે.
કોઈ નહી બચે, કશુ જ નહી બચે…
સંતા – મેડમ, શુ એ દિવસે પણ અમને સ્કુલ આવવુ પડશે ?

Posted in મનોરંજન Tagged with: